સાવરકુંડલામાં રામકથાનું શ્રવણ કરતા મુખ્યમંત્રી

792
guj920118-4.jpg

સાવરકુંડલામાં લલ્લુભાઇ શેઠ આરોગ્ય ભવનના લાભાર્થે જાણીતા રામાયણી મોરારિ બાપુના વ્યાસાસને ચાલી રહેલી રામકથાના શ્રવણનો લાભ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લીધો હતો. અહીં મુખ્યમંત્રીએ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં રહેલી આરોગ્યલક્ષી વિવિધ યોજનાનો ખ્યાલ આપ્યો હતો અને કહ્યું કે રાજ્યના ૫૭ લાખ પરિવારોને મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે પણ ગરીબ પરિવારોને રૂ. ૫ લાખનું વીમા કવચ આપ્યું છે. 
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે નાગરિકોના તન અને મન તંદુરસ્ત  રહે તે માટે રાજ્ય સરકાર સતત ખેવના કરી રહી છે. જનઆરોગ્યની ચિંતા કરવાની જવાબદારી સરકારની છે. આથી, રાજ્ય સરકારે આરોગ્ય સેવાનો વ્યાપ વિસ્તાર્યો છે. ગામડાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી માંડી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને નિઃશુલ્ક સારવાર તથા દવા આપવામાં આવે છે. 
નિઃશુલ્ક સારવાર રાજ્ય સરકાર આવી રીતે કાર્ય કરી શકે છે, પણ સામાજિક સંસ્થાઓ આવી રીતે સેવાનું કાર્ય કરે તે ઉત્તમ બાબત છે, તે કહેતા રૂપાણીએ ઉમેર્યું કે રાજ્ય સરકાર લોકભાગીદારીથી પણ સેવાના કાર્યો કરી રહી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્યમાન યોજનાની આ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. તેનાથી ગરીબોને ફાયદો થશે અને ગરીબ પરિવારોને રૂ. ૫ લાખનું વીમા કવચ મળશે. 
મુખ્યમંત્રીએ મોરારિ બાપુનું વંદન સહ અભિવાદન કર્યું હતું અને શાંતિથી કથા સાંભળી હતી. મોરારિબાપુએ કહ્યું કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સ્વભાવે સાર સરળ છે અને સતત પ્રજા વચ્ચે રહે છે. તે સારી બાબત છે. રાજનેતાઓએ સતત લોકો વચ્ચે રહેવું જોઇએ. તો જ લોકોની વાચાવેદના જાણવા મળે છે. તેમણે રૂપાણીના વડપણમાં રાજ્ય સરકાર પ્રજાલક્ષી કાર્યો કરી રહી છે, તે વાતની પ્રશંસા કરી હતી. 

Previous articleચિત્રાસર ગામે કોળી સમાજનો ભવ્ય સમુહ લગ્નોત્સવ યોજાયો
Next articleકોળીયાકમાં ચૂંટાયેલા સરપંચ અને સભ્યોનું સામૈયુ કરાયું