એપ્રિલથી મહાનગર પાલિકા દ્વારા લગાવેલ વાહન ટેક્ષનો અમલ કરાશે

678
gandhi2432018-3.jpg

આગામી મહિનાની શરૂઆત થવાની સાથે પાટનગરની સ્થાપનાના ૫ દાયકા બાદ પ્રથમવાર મહાપાલિકા દ્વારા અહીંના રહેવાસીઓ માટે વાહનવેરાનો અમલ કરી દેવાશે. મ્યુનિસિપલ કમિશનર ડી એન મોદીએ કહ્યું કે વાહનવેરાના અમલ સંબંધમાં ધી ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ એક્ટની કલમ ૧૨૭ તથા ૧૪૨ મુજબ કર વસૂલાત કરાશે અને તેના માટે કરદાતા જોગ સત્તાવાર જાહેરાત કરી દેવાઇ છે.
ત્યારે નોંધવું રહેશે કે આગામી તારીખ ૧થી વાહન ખરીદનારે ૧૦ લાખ રૂપિયાની ગાડી માટે ૧૦.૨૫ લાખ ચૂકવવા પડશે. જેમાં રૂપિયા ૨૫ હજાર મહાપાલિકાનો વાહનવેરો રહેશે. જ્યારે ૫૦ હજાર રૂપિયાના ટુ વ્હિલર માટે ૧ હજાર રૂપિયા વાહનવેરા સહિત ૫૧ હજાર ચૂકવવાના થશે. મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચના સત્તાવાર સુત્રોએ જણાવ્યું કે બજેટ બેઠક વખતે સામાન્ય સભામાં જે વાહનવેરાના દર નિયત કરીને કાયદાનું સ્વરૂપ અપાયું છે.
તે પ્રમાણે સ્કુટર અને મોટરસાઇકલ સહિતના દ્વીચક્રી વાહનોની બેઝિક પ્રાઇસ મતલબ કે મુળ કિંમત પર ૨ ટકા લેખે વાહનવેરો વસૂલાશે. જ્યારે રૂપિયા ૫ લાખ સુધીની કિંમત હોય તેવા મોટર, જીપ, લોડિંગ કે ઓટો રીક્ષામાં પણ ૨ ટકા વેરો મુળ કિંમત પર લેવાશે. જ્યારે ૫.૦૧ લાખથી ૧૦ લાખની મુળ કિંમતના વાહન પર ૨.૨૫ ટકા લેખે તથા ૧૦ લાખથી ઉપરના ઉપર પ્રકારના વાહન અથવા મેટાડોર, મીનીબસ, ટ્રક, મોટી બસ કે અન્ય હેવી મોટરાઇઝ્‌ડ મશીનરી પર ૨.૫૦ ટકા લેખે વાહન વેરાની વસૂલાત કરવામાં આવશે.
વાહનવેરાનો અમલ થવાની સાથે મહાપાલિકા વિસ્તારમાં પાણીમાં તરતી હોડીઓ અને પશુથી ખેંચવામાં આવતા બળદ ગાડા કે ઘોડા ગાડી જેવા વાહન પર પણ વાહનવેરો અમલી બને છે. પરંતુ મહાપાલિકા વિસ્તારમાં આવા ખાનગી વાહન નોંધાયેલા નથી. આગામી દિવસોમાં મનોરંજનના સાધન તરીકે પણ તેની ખરીદી થાય તો વેરો લાગુ પડશે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ વાહનવેરા સંબંધમાં જણાવ્યું કે કોઇપણ વાહનની ખરીદી કર્યા પછી તે વાહનનું રજીસ્ટ્રેશન કરાવ્યા પહેલા વાહનવેરો ભરી દેવાનું ફરજિયાત છે. તેના માટે જરૂરી કોઇપણ માહિતી અને નિયમની જાણકારી મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચમાં ટેક્સ ઓફિસર પાસેથી મેળવી શકાશે.

Previous article કલોલ કોર્ટમાં લવાયેલો આરોપી બાથરૂમ જવાનું કહી પોલીસ જાપ્તામાંથી ફરાર
Next article સુપરવાઇઝરે જ મહિલા વકીલનાં ઘરમાં ચોરી કરી હોવાનું ખૂલ્યુ