રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે : રૂપાણી

855
guj1522018-14.jpg

ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સરપંચ અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બંનેએ પોતાનું સંબોધન પણ કર્યું હતું. સરકાર ખેડૂતોની સાથે છે. ભાજપની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું લક્ષ્ય ગામડુ છે. ગામડુ સુખી, ખેડૂત સુખી તો દેશ સુખી. તે વિચારને લઇને સરકાર કાર્યરત છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તમામ નવા ચૂંટાયેલા સરપંચો અને સભ્યોને તેઓ શુભેચ્છા પાઠવે છે. તેમણે જણાવ્યું હતું કે, સરપંચની ચૂંટણી જીતવી અઘરી છે કેમ કે, નાનું ગામ હોય, ઓછા મતદાર હોય, આવી સ્થિતિમાં જે વ્યક્તિ રાત-દિવસ પ્રજા વચ્ચે રહી સેવાકાર્ય કરતો હોય તેવા વ્યક્તિ જ ચૂંટાતા હોય છે. આવી અઘરી કસોટીમાંથી પાર પાડીને તમે ચૂંટાયા છો તેથી સૌને લાખ-લાખ અભિનંદન. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જુઠ્ઠાણાઓ ફેલાવી ગ્રામ્ય પ્રજાને ગેરમાર્ગે દોરવાના કોંગ્રેસના પ્રયત્નો સફળ થયા નથી. ગામડાઓમાં ૭૫ ટકા જેટલા ભાજપ સમર્થિત સરપંચો ચુંટાયા છે. ગુજરાતમાં સતત છઠ્ઠી વખત ભાજપની સરકાર બની છે. ૨૨-૨૨ વર્ષોથી ભાજપે પ્રજાનો વિશ્વાસ જાળવ્યો છે. ભાજપની મતની ટકાવારી પણ વધી છે ત્યારે આગામી નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોની ચૂંટણીઓમાં પણ ભાજપનો ભવ્ય વિજય નિશ્ચિત છે.  દેશમાં વર્ષોથી કોંગ્રેસની સરકારો હતી ત્યારે ભ્રષ્ટાચારમાં ડુબેલી કોંગ્રેસે ગામડાઓ અને ખેડૂતો માટે કશું નક્કર આયોજન કર્યું નહીં. આજે કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર ગામડાઓ અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટેની નીતિઓ બનાવે છે. આ વખતના કેન્દ્રીય બજેટમાં પણ ગ્રામીણ વિકાસ અને ખેડૂતોની સમૃદ્ધિ માટેની ખુબ મહત્વની યોજનાઓ જાહેર કરી છે. ખેડૂતોને કૃષિ પેદાશોના ટેકાના ભાવોમાં પડતર કિંમત કરતા દોઢ ગણું સમર્થન મૂલ્ય નક્કી કરવાનો ઐતિહાસિક નિર્ણય મોદી સરકારે લીધો છે. રાજયની ગ્રામ પંચાયતોની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓના પરિણામો જાહેર થઇ ગયા બાદ ભાજપ દ્વારા આજે ફરી એકવાર ગાંધીનગર ખાતેના ભાજપ કાર્યાલય કમલમ્‌ ખાતે સરપંચોનો અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો હતો. અગાઉ પરિણામોના દિવસે જ ભાજપે ઉતાવળે યોજેલા સરપંચોના અભિવાદન સમારોહનો જોરદાર ફિયાસ્કો થયો હતો અને તેની ભારે ટીકા પણ થઇ હતી. જેથી ભાજપે આજે બીજીવાર આયોજનપૂર્વક સરપંચો હાજર રહે તેનું ધ્યાન રાખવા સાથે સરપંચોનો અભિવાદન સમારોહ યોજયો હતો. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સહિતના મહાનુભાવો આ  સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સરપંચોની જીતને બિરદાવી હતી અને તેઓને અભિનંદન આપ્યા હતા પરંતુ પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુભાઇ વાઘાણી તેમનું ઉદ્‌બોધન કરવાની શરૂઆત કરવા ગયા કે બરોબર એ જ વખતે શમિયાણાંમાં ઉપરનું સફેદ કપડુ ફાટી ગયુ હતું, જેથી ભાજપના સરપંચ અભિવાદન સમારોહમાં એક પછી એક વિધ્નો તો આવ્યા જ હતા, જેને લઇ ભાજપને ગમતુ નહી હોવાછતાં સમારોહને લઇ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી હતી.

સમારોહ પહેલા બે સરપંચો સરકારની વિરૂદ્ધ આવી ગયા
ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ગાંધીનગર ખાતે સરપંચ અભિવાદન સમારોહ યોજાયો હતો. સમારોહ પહેલા જ બે સરપંચે ખુલ્લેઆમ સરકાર સામે નારાજગી દર્શાવતા ભાજપ સામે મુશ્કેલી સર્જાઈ હતી. આજે ફરી ભાજપને ખાસ કરીને સરકારને વિવાદમાં ઘસડાવાનો વારો આવ્યો હતો. કારણ કે, સમારોહની શરૂઆત પહેલાં જ બે સરંપચોએ ખુલ્લેઆમ સરકાર સામે ભારોભાર નારાજગી દર્શાવી હતી અને ગંભીર આક્ષેપ લગાવ્યો હતો કે, રાજય સરકાર સરપંચોનો માત્ર શોભાના ગાંઠિયા સમાન ઉપયોગ કરી રહી છે. કાર્યક્રમમાં જ ખુદ બે સરપંચો દ્વારા સરકાર સામે આવા ગંભીર આક્ષેપથી ચકચાર મચી ગઇ હતી. જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના પિખોર ગામના સરપંચ દિપકભાઇ સોંદરવાએ સરકાર સામે બોલવાની હિંમત બતાવતાં બીજા એક સરપંચ ગાંધીગરના કાનપુર ગામના સરપંચ બળદેવ ચૌધરી પણ ઉત્સાહમાં આવી ગયા હતા અને સરકારની સામે પ્રાથમિક જરૂરિયાતોના અભાવને મુદ્દે  બોલવા લાગ્યા હતા.  બંને સરપંચો દ્વારા હિમંતભર્યુ વર્તન દાખવી સમારોહમાં ખાસ કરીને ભાજપના નેતાઓની શાખ જાણે દાવ પર લગાવી હતી, તેથી અન્ય સરપંચો પણ આવેશમાં આવી કોઇ બફાટ ના કરી બેસે તે માટે આ બંને સરપંચને ભાજપના સ્થાનિક આગેવાનોએ બોલતા અટકાવ્યા હતા અને યેનકેન પ્રકારે તેમને કાર્યક્રમ સ્થળની બહાર લઇ જવાયા હતા. જો કે, બંને સરપંચ સાથેના આ પ્રકારના વ્યવહારના કારણે બીજા સરપંચોમાં નારાજગીની લાગણી ફેલાઇ હતી. સરકાર સામે બોલવાની હિમંત કરનાર સરપંચ દિપકભાઇ સોંદરવાએ સરપંચોને ઓળખકાર્ડ, સુવિધા આપવા સહિતના અનેકવિધ મુદ્દાઓ પર માંગણીઓ પણ કરી હતી. જેથી ભાજપના આ ફરી યોજાયેલા સરપંચ અભિવાદન સમારોહને લઇ બીજો કોઇ વિવાદ સર્જાય તે પહેલાં આ બંને સરપંચને ત્યાંથી બહાર લઇ જવાયા હતા. ભાજપના ઘણા પ્રયાસો છતાં આજે વિવાદ તો સર્જાયો જ હતો.