પાટણ આત્મવિલોપન : સરકારે તમામ માંગણી સ્વીકારી છે : નીતિન પટેલ

711
guj1822018-13.jpg

પાટણ કલેક્ટર કચેરીએ આત્મવિલોપનનો પ્રયાસ કરનાર દલિત વૃદ્ધ ભાનુભાઈ વણકરના મોત બાદ આને લઇને રાજકીય ગરમી વધી ગઈ છે. ઉત્તર ગુજરાતમાં દેખાવો અને પ્રદર્શન વચ્ચે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બેઠક યોજી હતી. દલિત આગેવાનોનું પ્રતિનિધિ મંડળ, મધ્યસ્થી અને અન્યો વચ્ચે આ બેઠક મળી હતી. આ બેઠક બાદ રાજ્ય સરકારે ભાનુભાઈના પરિવારની તમામ માંગ સ્વીકારાઈ હોવાની માહિતી આપવામાં આવી હતી. મોડેથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, પરિવારને આઠ લાખની સહાયતા આપવામાં આવશે. આ ઉપરાંત એટ્રોસિટી એક્ટ મુજબ મામલામાં તપાસ કરવામાં આવશે. તપાસ પંચની રચના કરીને તપાસ હાથ ધરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, આ ઘટના ખુબ જ દુખદ છે અને આ પ્રકારની ઘટનાથી સરકાર ચિંતાતુર છે. તમામ માંગણી તરફ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જમીનના મુદ્દે પણ સરકારે ધ્યાન આપવાની ખાતરી આપી છે. આજે ગાંધીનગર અને રાજ્યના અન્ય ભાગોમાં વિરોધ પ્રદર્શનનો દોર ચાલ્યો હતો. સ્વર્ણિમ સંકુલ-૧માં સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. નીતિન પટેલ આમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મધ્યસ્થી તરીકે શંભુપ્રસાદ ઉપસ્થિત રહ્યા હતા. મોડેથી મધ્યસ્થી તરીકે રહેલા શંભુ પ્રસાદે કહ્યું હતું કે, સરકાર માંગણીઓને લઇને હકારાત્મક રહી હતી. બીજી બાજુ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શનને લઇને મંત્રીઓના આવાસે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી. નીતિન પટેલે પરિવારની નોકરીને લઇને પણ માંગ ઉપર પણ ધ્યાન આપવાની ખાતરી આપી છે. પાટણ કલેક્ટર કચેરીએ આત્મવિલોપનનો પ્રયાસ કરનાર દલિત વૃદ્ધના મોત બાદ આજે દિવસ દરમિયાન જોરદાર વિરોધ પ્રદર્શનનો દોર ચાલ્યો હતો.