પ્રજાએ રાજય સરકારમાં મૂકેલા જનવિશ્વાસનું પ્રતિબિંબ પાડતું જનહિતકારી બજેટ છેઃ મુખ્યમંત્રી

778
gandhi2122018-2.jpg

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ર૦૧૮-૧૯ના વર્ષના બજેટ-અંદાજપત્રને પ્રજાજનોએ સરકારમાં મૂકેલા જનવિશ્વાસનું પ્રતિબિંબ પાડતું જનહિતકારી બજેટ ગણાવ્યું છે. તેમણે નાયબ મુખ્યમંત્રી-નાણામંત્રી નીતિનભાઇ પટેલે વિધાનસભા ગૃહમાં રજૂ કરેલા વર્ષ ર૦૧૮-૧૯ના આ બજેટને લોકકલ્યાણ સાર્વત્રિક વિકાસલક્ષી અને સામાજીક સમરસતા પ્રતિપાદિત કરનારૂં બજેટ કહ્યું છે. 
વિજયભાઇ રૂપાણીએ આ બજેટમાં કરવામાં આવેલી રૂ. ૧,૮૩,૬૬૬ કરોડની જંગી જોગવાઇઓ બધા જ વિભાગો-ક્ષેત્રોને વિકાસની નવી ઊંચાઇએ પહોચાડશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે. ખેડૂત, ગામડુ, યુવાશકિતને રોજગારી, શહેરોનો વિકાસ, પીડિત-શોષિત વર્ગોનું કલ્યાણ તેમજ અનુસૂચિત જાતિ-જનજાતિ, વરિષ્ઠ નાગરિકો, મહિલા-બાળકલ્યાણ તમામ ક્ષેત્રો માટે માતબર નાણાં જોગવાઇ કરીને હરેક વર્ગોને માટે કોઇને કોઇ ભેટ લઇને આ બજેટ આવ્યું છે. ભુતકાળમાં ૧૮ ટકા જેટલું વ્યાજ ભોગવતા ખેડૂતોની ચિંતા-કાળજી કરીને શૂન્ય ટકા વ્યાજે ધિરાણ આપવાની પહેલ આ બજેટમાં કરી છે. આ માટે રૂ. પ૦૦ કરોડ ફાળવ્યા છે. ઉપરાંત પાક વીમા માટે રૂ. ૧૧૦૦ કરોડ, ટેકાના ભાવે ખરીદી, ટ્રેકટર-આધુનિક સાધનો ઓજારો માટે રૂ. ર૩પ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. કૃષિકારોને પૂરતી વીજળી, પાણી, ખાતર સહિતની પ્રાથમિક સુવિધા અને પાક રોઝ-ભૂંડ ગાડે નહિ તે માટે કાંટાળી તારની વાડ માટે રૂ. ર૦૦ કરોડના પ્રાવધાનને પણ મુખ્યમંત્રીએ આવકાર્યુ છે. 
રાજ્યની યુવાશકિતને અવસરો આપીને યુવાનો થકી નયા ગુજરાત-નયા ભારતના સપનાને સાકાર કરવા સરકાર અનેક નવી પહેલરૂપ યોજના બજેટમાં લાવ્યા છીએ. મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અન્વયે રૂ. ૧પ૦૦ થી ૩ હજારની માસિક પ્રોત્સાહક રકમ આપવા સાથે રોજગાર મેળાઓ દ્વારા ચાર લાખ યુવાઓન રોજગારી, સરકારી વિભાગોમાં ૩૦ હજાર નવી ભરતી કરવાની બાબત બજેટની મુખ્ય વિશેષતા વર્ણવી હતી. તેમણે ગ્રામીણ વિસ્તારના કુશળ-અર્ધકુશળ શ્રમિકોના વ્યવસાયોને પ્રોત્સાહન આપવા મુખ્યમંત્રી ગ્રામોદય યોજના માટેના પ્રાવધાન અને યુવા સ્કીલ ડેવલપમેન્ટ માટે સ્ટાર્ટ અપ-સ્ટેન્ડ અપ, ઇન્કયુબેટર, આઇ-ક્રિએટ અને સેન્ટર ઓફ એકસલન્સની જોગવાઇને આવકારી હતી. 
વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી અમૃતમ-મા વાત્સલ્યમ યોજના અંતર્ગત લાભાર્થીની આવક મર્યાદા રૂ. બે લાખથી વધારી ૩ લાખ કરવાના, સિનિયર સિટીઝનને પણ આવરી લેવાના અને જીવલેણ-ગંભીર બિમારીની સારવારમાં નોંધારાનો આધાર બની સરકારે સારવાર મર્યાદા ૩ લાખ કરી છે તેને પણ જનહિત પ્રતિબધ્ધતા વર્ણવી હતી. 
મુખ્યમંત્રીએ આ બજેટને સર્વપોષક-સર્વસમાવેશક, લોકોપયોગી બજેટ ગણાવ્યું હતું. તેમણે નર્મદા યોજના, શહેરી વિકાસ, સ્માર્ટ સિટીઝ, સૌની યોજના, ડિઝીટલ ગુજરાત, સાયબર ક્રાઇમ પ્રિવેન્શન સહિતના તમામ ક્ષેત્રોને આવરી લેતું વિશાળ હિતકારી ગણાવ્યું છે.