ગુજરાતભરની દિકરીઓ માટે વ્હાલી દિકરી યોજના શરૂ થઈ

669

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૬૩ વર્ષ પુરા કરીને ૬૪માં વર્ષમાં મંગલ પ્રવેશ અવસરે વર્ષગાંઠની ભેટ તરીકે રાજયની દીકરીઓને ‘‘વ્હાલી દીકરી’’ યોજના અર્પણ કરી હતી. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની આ વ્હાલી દિકરી યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ રાજકોટથી કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે રાજયભરમાં પ્રવર્તતા અસમાન સ્ત્રી-પુરૂષ પ્રમાણને સંતુલિત કરવા અને દીકરીઓનો જન્મદર વધારવાની – વધાવવાની રાજય સરકારની મહેચ્છા ‘‘વ્હાલી દીકરી’’ યોજના સ્વરૂપે સાકાર પામી છે. આ યોજના માટે ચાલુ વર્ષના બજેટમાં ૧૩૩ કરોડની જોગવાઇ કરવામાં આવી હોવાનું મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતુ, અને ઉમેર્યું હતું કે, રાજયમાં જન્મ લેતી દરેક દીકરીને ‘‘વ્હાલી દિકરી’’ની આ યોજન અંતર્ગત ચોથા ધોરણમાં પ્રવેશ સમયે ૪ હજાર, નવમા ધોરણમાં પ્રવેશ સમયે ૬ હજાર અને ૧૮મા વર્ષે ઉચ્ચ અભ્યાસ અને લગ્ન માટે ૧ લાખની સહાય રાજય સરકાર દ્વારા અપાશે. રાજયમાં અવતરતી પ્રત્યેક દીકરીના અવતરણને નાગરિકો વધાવે, એવો અનુરોધ કરતાં મુખ્યમંત્રીએ એ વાત પર ખાસ ભાર મુકયો હતો કે સ્ત્રીભ્રૂણ હત્યા કોઇ પણ સંજોગોમાં રાજયસરકાર ચલાવશે નહીં. વિજય રૂપાણીના જન્મદિવસ નિમિત્તે જિલ્લા વહીવટીતંત્ર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધર્મેન્દ્રસિંહજી કોલેજના પ્રાંગણમાં ‘‘મેગા સેવા સેતુ કાર્યક્રમ’’ પણ યોજવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ આ પ્રસંગે સ્પષ્ટપણે કહ્યું હતું કે,  આ સેવા સેતુનો હેતુ -‘‘સાચો ચુકી ન જાય, ખોટો ખાટી ન જાય’’ એ છે. જરૂરિયાતમંદ લાભાર્થીઓને ધક્કા ન ખાવા પડે, સહાય હાથો-હાથ મળે એ માટે ગુજરાત સરકારનો આ મહત્વનો જનહિત કાર્યક્રમ છે.

પોતાના જન્મદિવસે નાગરિકોની સેવા કરવાનો આ મોકો આપવા માટે તેમણે રાજયની જનતાનો સાચા હ્રદયથી ઋણ સ્વીકાર કર્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે પ્રતીક સ્વરૂપ ૬૩ લાભાર્થીઓને આ સેવા સેતુ મેગા કેમ્પમાં વિવિધ યોજનાઓના લાભો અર્પણ કરાયા હતા. વિજય રૂપાણીએ સરકારી તંત્રને સંવેદનશીલ અને પ્રજાભિમુખ બનાવવાની રાજયસરકારની નેમ દોહરાવી હતી. અને આવા જનહિતલક્ષી મેગા આયોજન બદલ તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ સગૌરવ જણાવ્યું હતું કે, રાજયસરકારે વિધવા પેન્શન સહાય ૭૫૦માંથી ૧૨૫૦ કરી છે. અને વિધવા બહેનનું સંતાન ૧૮ વર્ષની વયનું થાય પછી બંધ થઇ જતી વિધવા સહાયનો નિયમ રદ કરી વિધવા સહાય આજીવન કરી આપી છે. દેશના નાણાંપ્રધાન તરીકે એક મહિલા પર ભરોસો મુકવા બદલ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરાહના કરી હતી. અને મહિલા કલ્યાણની કેન્દ્ર અને રાજયસરકારની કલ્યાણકારી યોજનાઓની છણાવટ કરી હતી. વ્હાલી દિકરી યોજના મુજબ દીકરીને પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦ અને નવા ધોરણમાં પ્રવેશ કરવા માટે રૂ.૬૦૦૦ની સહાય કરવામાં આવશે. જ્યારે બાળકી ૧૮ વર્ષ થાય ત્યારે ઉચ્ચ શિક્ષણઅથવા લગ્ન માટે રૂ.૧ લાખની સહાય આપવામાં આવશે. આમ, ગરીબ દિકરીઓને આર્થિક લાભ અને સ્વનિર્ભરતામાં બહુ મદદ મળી રહેશે. જો કે, ૧૮ વર્ષની ઉંમર પહેલા દીકરીનું મૃત્યુ થાય તો તેવા કિસ્સામાં દંપતીને કોઈ સહાય નહીં મળે. વ્હાલી દિકરી યોજનાના અમલ માટે આંગણવાડી, સીપીડીઓ કચેરી, ગ્રામ પંચાયત અને મહિલા બાળ અધિકારીઓની કચેરીમાંથી ફોર્મનું વિતરણ શરૂ થઈ ગયું છે. જેમાં દર્શાવેલી શરતો મુજબ માતાની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ હશે તો જ આ યોજનાનો લાભ મળી શકશે.

Previous articleઉન્નાવ ગેંગ રેપ : પિડિતાની સારવાર લખનૌ ખાતે થશે
Next articleવડોદરા : પુરના પાણી ઉતર્યા પણ મુશ્કેલીઓ હજુ અકબંધ