રાજય સરકાર દ્વારા ફરી એકવાર સરદાર સરોવર યોજનાના કામો માટે કરોડો રૂપિયાની ફાળવણી બજેટમાં કરવામાં આવી હતી. નાણાંમંત્રી નીતિન પટેલે સરદાર સરોવર યોજના અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કામો માટે કુલ રૂ. માતબર રકમની ફાળવણી કરી હોવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ વિપક્ષના સભ્યોએ સરકાર દ્વારા નર્મદા યોજનાના કામો માટે કરોડો રૂપિયા દર વર્ષે ફાળવાય છે પરંતુ લાખો કિલોમીટર કેનાલનું કામ હજુ વાસ્વમાં પૂરું જ થયું નહી હોવાના ગંભીર આક્ષેપો પણ લગાવ્યા હતા. જેથી બજેટની આજની જાહેરાત દરમ્યાન ફરી એકવાર ગૃહમાં ચર્ચા ચાલી હતી કે, આટલી બધી રકમ સરદાર સરોવર યોજના અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પાછળ ફાળવાય છે અને સમયસર પ્રોજેકટનું કામ પૂરું થતું નથી, તેના કારણે કોસ્ટ ઓફ પ્રોજેકટ પણ વધી જાય છે.
તો આ સંજોગોમાં દર વર્ષે ફાળવાતી રકમ જો કામો થતા નથી તો જાય છે કયાં? નાણાંમંત્રી નીતિન પટેલે સરદાર સરોવર યોજનાના પ્રોજેકટો અંતર્ગત માઇનોર કેનાલ (નહેરો)ના બાંધકામ માટે રૂ.૪૦૧૮ કરોડની જોગવાઇ કરાઇ હોવાની જાહેરાત કરી હતી. તો, આ યોજનાની ભૂગર્ભ પાઇપલાઇનના કામ માટે રૂ.૧૨૯૫ કરોડની જોગવાઇ કરાઇ છે. જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે વધારાના રૂ.૮૯૯ કરોડની જોગવાઇ કરાઇ છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે સરકાર દ્વારા તેના બજેટમાં સરદાર સરોવર યોજના અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના બહાને કરોડો રૂપિયા ફાળવાતા હોય છે ત્યારે વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ અગાઉ પણ વિધાનસભાની ચૂંટણી દરમ્યાન અને તાજેતરના ગૃહના સત્ર દરમ્યાન સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા કે, જો સરદાર સરોવર યોજના અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કામો માટે આટલા કરોડો રૂપિયા દર વર્ષે ફાળવાય છે તો હજુ સુધી આ પ્રોજેકટમાં અસરકારક કે પરિણામલક્ષી કામગીરી પૂર્ણ થયેલી કેમ દેખાતી નથી
અને કેમ હજુ સુધી આ પ્રોજેકટોની કામગીરી પરિપૂર્ણ થતી નથી. આ પ્રોજેકટ હેઠળ આટલા વર્ષોથી ફાળવતી કરોડો રૂપિયાની રકમ જાય છે કયાં તે સૌથી મોટો ગંભીર સવાલ વિપક્ષે ઉઠાવ્યો હતો.



















