લોકોના કલ્યાણ માટે રૂ. ૧,૮૩,૬૬૬ કરોડની માતબર રકમનુ નાણાકીય વ્યવસ્થાપન : વિજય રૂપાણી

989
gandhi24-2-2018-4.jpg

ગુજરાત વિધાનસભા ગૃહના અંદાજપત્ર સત્રને રાજ્યપાલે કરેલા સંબોધન પરના આભાર પ્રસ્તાવમાં સ્પષ્ટપણે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, લોકોએ ફરી વિશ્વાસ મૂકીને આ સરકારને રિપીટ કરી છે. સ્પષ્ટ જનાદેશ આપ્યો છે તે જ ભાજપાની જનસ્વીકૃતિને પ્રતિપાદિત કરે છે. આ આભાર પ્રસ્તાવનું સમાપન કરતાં ઉમેર્યુ કે, સંસદીય પ્રણાલિમાં વિપક્ષના પ્રજાલક્ષી વાજબી સૂચનો હશે એનો સ્વીકાર કરતાં અમે કદી અચકાઇશું નહી. 
રાજ્યપાલે તેમના પ્રવચનમાં સરકારના જનસેવાના અનેક કાર્યો અને સિદ્ધિઓનો ઉલ્લેખ કરીને તેને બિરદાવી તે બદલ હું માનનીય રાજ્યપાલનો હૃદયપૂર્વકનો આભાર માનું છું.સંસદીય પ્રણાલિકાઓમાં સરકાર અને વિપક્ષ દ્વારા કરાતી ચર્ચાઓનુ આગવું મહત્વ હોય છે. પ્રશંસા અને ટીકા દરેક વાતમાં થતી હોય છે પરંતુ ચર્ચાના અંતે સાચું શું છે અને જનહીત માટેની નક્કર વાત શું છે એનું જ મહત્વ હોય છે. પ્રજાલક્ષી વાજબી સૂચનો હશે તો એનો સ્વીકાર કરતાં અમે ક્યારેય અચકાઈશું નહીં.    
અગાઉ આધુનિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ તેમજ આંકડાકીય વિષ્લેષણના આધારે મૂલ્યાંકન કરવા માટેના માપદંડો ઉપલબ્ધ ન હતાં. આજે કમ્પ્યુટરાઈઝ્‌ડ યુગમાં નેશનલ – ઈન્ટરનેશનલ પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા જુદા જુદા પેરામીટર્સના આધારે વિવિધ સરકાર દ્વારા થતી કામગીરીનુ આકલન કરી, રાજ્યોની વિકાસની અને  જનતાની સુખાકારીને લગતી બાબતોનુ સચોટ મૂલ્યાંકન કરાતું હોય છે.
મુડીઝ, એસએન્ડપી, વર્લ્ડ બેન્ક વગેરેના અહેવાલોની ચર્ચા સમસ્ત વિશ્વમાં થતી હોય છે. મુડીઝે ભારતની રેટિંગ વધારી છે.ચોક્કસ આંકડા આધારિત, માપદંડો આધારિત અને હકીકત આધારિત જાણકારી આપવા હું ઉપસ્થિત થયો છું…
અંદાજપત્રનું કદ એટલે કે નાણાકીય જોગવાઈ અને બજેટ સાઈઝના આધારે સરકારના નાણાકીય વ્યવસ્થાપનનુ મુલ્યાંકન થતું હોય છે. ગુજરાતની બજેટ સાઈઝ વર્ષ ૨૦૧૭-૧૮ના સુધારેલા અંદાજો મુજબ રૂ. ૧,૬૮,૮૩૮ કરોડ હતી જે હવે વર્ષ ૨૦૧૮-૧૯માં વધીને રૂ. ૧,૮૩,૬૬૬ કરોડ કરવામાં આવી છે. જે રૂ. ૧૪,૮૨૮ કરોડનો માતબર વધારો દર્શાવે છે. આ જ જનહિત માટેનુ સૌથી મોટુ માપદંડ કહી શકાય કે, લોકોના કલ્યાણ માટે અમે રૂ. ૧,૮૩,૬૬૬ કરોડની માતબર રકમનુ નાણાકીય વ્યવસ્થાપન કર્યું છે. નોંધનીય બાબત એ છે કે, અમે એક પણ વાર ઓવરડ્રાફ્‌ટ લીધો નથી.
સાતમા પગારપંચનો સૌથી પહેલા અમલ કરનારું ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત થયેલ આંકડાઓ મુજબ ભારતના મુખ્ય રાજ્યોમાં રૂ. પ,૯૪૭ કરોડની મહેસૂલી આવકમાં સરપ્લસ સાથે ગુજરાત અગ્રેસર રહ્યું છે. જ્યારે મહારાષ્ટ્ર રૂ. ૩૬૪૦ કરોડ, આંધ્રપ્રદેશ રૂ. ૪૮૭૦ કરોડ, પંજાબ રૂ. ૭૯૮૦ કરોડ, રાજસ્થાન રૂ. ૮૮૦૦ કરોડ, હરિયાણા રૂ. ૧૨૨૮૦ કરોડ, તામિલનાડુ રૂ. ૧૫૮૫૦ કરોડની મહેસૂલી ખાદ્ય ધરાવે છે.
ગુજરાત વર્ષ ૨૦૧૬-૧૭ના તેના ઘરગથ્થુ ઉત્પાદનના માત્ર ૧.૮૪ ટકા નાણાકીય ખાદ્ય સાથે રાષ્ટ્રભરમા અગ્રેસર છે. જ્યારે તમિલનાડુ – ૨.૭૮ ટકા, આંધ્રપ્રદેશમાં – ૨.૭૯ ટકા, તેલાંગણામાં – ૨.૯૮ ટકા, બિહારમાં – ૭.૪૭ ટકા અને રાજસ્થાનમાં – ૧૦.૦૧ ટકા નાણાકીય ખાદ્ય રહી છે. ૧૯૯૫-૯૬માં કૃષિ ઉત્પાદન રૂ. ૧૩૪૯૨ કરોડનું હતું જે આજે વર્ષ ૨૦૧૬-૧૭માં ૧૦ ગણુ વધીને રૂ. ૧,૩૭,૦૦૦ કરોડ ઉપર પહોંચ્યું છે. જ્યારે અનાજ ઉત્પાદન ૪૭.૭૪ લાખ મેટ્રીક ટનથી વધીને વર્ષ ૨૦૧૬-૧૭માં ૭૪.૨૦ લાખ મેટ્રીક ટન ઉપર પહોંચ્યું છે.    દૂધ ઉત્પાદન ૧૯૯૫-૯૬માં ૪૬.૦૯ લાખ મેટ્રીક ટન હતું તે વર્ષ ૨૦૧૬-૧૭માં ૧૨૭.૮૪ લાખ મેટ્રીક ટન ઉપર પહોંચ્યું છે. 
૧૯૯૫-૯૬માં ૩૫ લાખ હેકટર વિસ્તારમાં સિંચાઈ સવલત હતી. ૭૧.૫ લાખ હેકટર વિસ્તારને અમે ૨૦૧૬-૧૭માં સિંચાઈની સવલત આપી છે. ૧૯૯૫-૯૬માં ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટ રૂ. ૮૪,૮૦૮ કરોડનું હતું તે વધીને વર્ષ ૨૦૧૪-૧૫માં રૂ. ૧૨,૭૦,૧૨૫ કરોડ ઉપર પહોંચ્યું છે. ૧૯૯૫-૯૬માં રાજ્યમાં ૭ યુનિવર્સિટીઓ હતી જે આજે ૬૧ યુનિવર્સિટીઓ છે. ૧૯૯૫-૯૬માં મેડિકલની ૮૫૨ સીટો હતી જે આજે ૩૨૨૦ જેટલી થઈ છે.
વિકાસનું આકલન-મૂલ્યાંકન કરવાનું હોય ત્યારે જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટને ધ્યાનમાં લેવું પડે.ભારતનો જીડીપી વર્ષ ૨૦૧૫-૧૬માં રૂ. ૧૩૭.૬૪ લાખ કરોડ અંદાજવામાં આવ્યો હતો. તે ૨૦૧૬-૧૭માં રૂ. ૧૫૨.૫૪ લાખ કરોડ થવાનો અંદાજ છે. વર્ષ ૨૦૧૫-૧૬માં આપણા ગુજરાતનો જીએસડીપી રૂ. ૧૦.૨૫ લાખ કરોડ હતો. જે વર્ષ ૨૦૧૬-૧૭માં રૂ. ૧૧.૫૮ લાખ કરોડ અંદાજવામાં આવ્યો છે.
દેશની કુલ વસ્તીના ૫ ટકા જેટલો હિસ્સો ધરાવતું ગુજરાત દેશના ઘરગથ્થું ઉત્પાદનમાં ૭.૬ ટકા હિસ્સો ધરાવે છે. વિકાસ માટે અડીખમ ગુજરાત. હું જ્યારે શબ્દ અંદાજવામાં ઉપયોગ કરી રહ્યો છે ત્યારે એનો સીધો અર્થ એ થાય કે એસ્ટીમેટેડ જીએસડીપી. સામાન્ય રીતે જીડીપી અને જીએસડીપીની સાથે વર્ષો વર્ષ આ ઉત્પાદનમાં થતો વૃદ્ધિ દર પણ એક મહત્વનું માપદંડ છે. ૨૦૧૬-૧૭ના અંદાજો મુજબ રાષ્ટ્રનો વૃદ્ધિદર ૭.૧ ટકા છે જ્યારે ગુજરાતનો વૃદ્ધિ દર ૧૦.૧ ટકા રહ્યો છે. છેલ્લા દોઢ દાયકાથી ગુજરાતનો  સરેરાશ વૃદ્ધિદર ૧૦ ટકા રહ્યો છે. 
દેશની માથાદીઠ આવક વર્ષ ૨૦૧૬-૧૭માં રૂ. ૧,૦૩,૮૭૦ છે. જેની સામે ગુજરાત રાજ્યની માથાદીઠ આવક રૂ. ૧,૫૬,૬૯૭ છે. જે દેશની માથાદીઠ આવક કરતાં ૫૦.૮૫ ટકા વધારે છે. છેલ્લા દોઢ દાયકાથી ગુજરાતનો કૃષિ વિકાસ દર ડબલ ડિજીટમાં રહ્યો છે. ખેડૂત સમૃદ્ધ તો ગામડાં અને શહેરો સમૃદ્ધ તેમજ ગામડાં અને શહેરો સમૃદ્ધ તો આખેઆખું ગુજરાત સમૃદ્ધ.
રાજ્યમાં ૧.૬૮ લાખ ચેકડેમો ઉપરાંત ૨૭૦૦૦થી વધુ તળાવો ઊંડા કરવાના કામ દ્વારા અંદાજે ૪,૨૪,૦૦૦ હેકટર કરતાં પણ વધુ વિસ્તારને અમે સિંચાઈના પાણીની સવલત પૂરી પાડી શક્યા છીએ. સૌની યોજનાના બીજા તબક્કાની ૧૨ પેકેજની કામગીરી માટે અમે રૂ. ૧૭૬૫ કરોડની માતબર રકમની જોગવાઈ કરી છે આનાથી સૌરાષ્ટ્ર વિસ્તારના ૫૭ જળાશયોના ૩,૭૩,૦૦૦ એકર વિસ્તારમાં સિંચાઈની સવલત વધુ સુદ્રઢ બનશે.
સુજલામ સુફલામ યોજનાને આપણે આગળ વધારવા માટે રૂ. ૧૦૭૪ કરોડના અંદાજિત ખર્ચવાળી પાંચ ઉદવહન સિંચાઈ યોજનાઓ પીયજથી ઉણાદ, ધાંધુસરથી રેડલક્ષ્મીપુરા, ભાસરીયાથી સામેત્રા, કુડા-ડભોડા-ભીમપુરા અને ખેરવાથી વિસનગર માટે રૂ. ૨૨૨ કરોડની માતબર રકમની જોગવાઈ અમે કરી છે જેના પરિણામે મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના ૧૮૦૦૦ હેકટર ઉપરાંતના વિસ્તારને સિંચાઈના લાભ મળશે. વર્ષ ૨૦૦૦-૦૧માં ગુજરાત રાજ્યનો કુલ વાવેતર વિસ્તાર ૧૦૪.૯૭ લાખ હેકટરથી વધીને વર્ષ ૨૦૧૬-૧૭માં ૧૨૪.૬૩ લાખ હેકટર થયો છે. માઈક્રો ઈરીગેશન એટલે કે સૂક્ષ્મ સિંચાઈ જેમાં ટપક અને સ્પ્રિંકલર પદ્ધતિનો સમાવેશ થાય છે. જેમાં દેશભરમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. રાજ્યમાં કુલ ૧૫.૮૪ લાખ હેકટર વિસ્તારને આપણે માઈક્રો ઈરિગેશન પદ્ધતિ હેઠળ આવરી શક્યા છીએ જેનો રાજ્યના ૧૦ લાખ જેટલાં ખેડૂતોએ લાભ લીધો છે.
વર્ષ ૨૦૦૨થી રોજગારી આપવામાં આપણું ગુજરાત પ્રથમ ક્રમે આવે છે. ૮૦૦૦૦ યુવાનોને સરકારી નોકરી આપવાનો ગુજરાતે વિક્રમ સર્જ્યો છે.    ગુજરાતમાં સૌથી ઓછો બેરોજગારીનો દર છે. મહારાષ્ટ્રમાં દર હજારે ૨૧, પશ્ચિમ બંગાળમાં દર હજારે ૪૯, કેરલામાં ૧૨૫, ઉત્તર પ્રદેશમાં ૭૪ની સામે ગુજરાતમાં માત્ર ૯ છે.

Previous article ગાંધીનગર તાલુકા પંચાયત કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી 
Next article પાલીતાણા ખાતે યોજાનારા ઢેબરીયા મેળોમાં જાહેર આરોગ્ય જળવાઈ રહે તે હેતુસર જાહેરનામુ જારી