સેક્ટરોમાં એક સપ્તાહથી ડહોળું પાણી આવતા નગરજનોમાં રોગચાળાની ભીતિ

443

છેલ્લા એક સપ્તાહથી સેક્ટરોમાં ડહોળું પાણી આવતું હોવાથી નગરવાસીઓમાં રોષ ઉઠવા પામ્યો છે. ડહોળા પાણીની સાથે સાથે તીવ્રવાસ આવે છે. ઉપરાંત ડહોળા પાણીમાં માટીનું પ્રમાણ પણ વધારે હોવાથી લોકો રોગચાળાનો ભોગ બનશે તેવી દહેશત નગરવાસીઓ સેવી રહ્યા છે.

સમગ્ર રાજ્યભરમાં સારો વરસાદ પડવા છતાં રાજ્યના પાટનગર ગાંધીનગરના સેક્ટરવાસીઓને છેલ્લા એક સપ્તાહથી ડહોળું પાણી પીવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે નગરવાસીઓને નર્મદાનું પાણી શુદ્ધ કરવા માટે કરોડોના ખર્ચે ફિલ્ટર પ્લાન નાંખવામાં આવ્યો હોવા છતાં ડહોળું પાણી પીવાની ફરજ પડી રહી હોવાનું નગરવાસીઓએ જણાવ્યું છે. જોકે ડહોળા પાણીને લીધે પાણીની ટાંકીઓમાં તળિયે માટીના થર જામી ગયા છે. ઉપરાંત ડહોળું પાણી હોવાથી લોકોને પીવા માટે બહારથી વેચાતું પાણી લેવાની ફરજ પડી છે. ડહોળા પાણીમાં વાસ આવતી હોવાથી તેની ફિલ્ટરનેશન કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા હોવાનો આક્ષેપ સેક્ટરવાસીઓએ કર્યો છે. સેક્ટર-૧૭ની ગૃહિણીએ જણાવ્યું છે કે છેલ્લા ત્રણેક દિવસથી પાણી ડહોળું આવે છે. ઉપરાંત પાણીમાં લીલ આવતી હોય તેવી વાસ પણ આવે છે.

સેક્ટર-૨૭માં રહેતા એક કર્મચારીએ ડહોળા પાણી અંગે જણાવ્યું છે કે ટાંકીની સફાઇ પણ સમાયંતરે કરવામાં આવતી નથી. આથી ટાંકીઓને સફાઇ કરવામાં આવે તેવી માંગણી કરી છે. શહેરના વિવિધ સેકટરોમા પાણી દુષિત આવતા લોકો પરેશાનીમા છે.

પાણી પુરવઠા વિભાગના સેક્ટર-૧૪ થી ૩૦માં પાણીના સપ્લાયની જવાબદારી સંભાળતા ઇજનેર એમ.એચ.મહેતાને પુછતા જણાવ્યું છે કે પાણી ફિલ્ટર કરવાની અમારી જવાબદારી નથી.

ડેપ્યુટી એક્ઝીક્યુટીવ એન્જિનીયર કેતનભાઇ ચૌધરીએ જણાવ્યું કે હાલમાં નર્મદા સરદાર સરોવર ડેમ ઓવરફ્‌લો થતા વરસાદી પાણીથી બે દિવસથી ટર્બિનીટી વધારે આવે છે. પાણી ફિલ્ટર કરવાની ક્ષમતા ઓછી હોવાથી આવતીકાલથી પાંચ એમએલડી પાણી ઓછું પણ ચોખ્ખુ આપવામાં આવશે.

Previous articleBSFની ફિઝિકલ પરીક્ષામાં ૧૫ ડમી ઉમેદવારો ઝડપાયા, એક ફરાર
Next articleઘ-૪ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં શહીદ જવાન સ્મારક બનશે