રાજયની જીનબેંકમાં વિવિધ જાતિના ૩૦૦૦થી વધારે ડીએનએનું બારકોડીંગ

607
gandhi2822018-3.jpg

વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન સયાજીગંજ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય  જીતેન્દ્રભાઇ સુખડિયાના રાજ્યમાં જીન બેન્ક સંદર્ભના પ્રશ્નનો મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રત્યુત્તર પાઠવ્યો હતો. 
આગામી સમય બાયો ટેકનોલોજીનો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બાયોટેકનોલોજી સંદર્ભે જણાવ્યું છે તેનો ઉલ્લેખ કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે બી.ટી. (ભારત ટૂડે) + બી.ટી. (બાયો ટેકનોલોજી) = બી.ટી. (ભારત ટુમોરો). મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે, રાજ્યમાં ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટર દ્વારા જીનબેન્ક સ્થાપવામાં આવી છે. આ ડી.એન.એ. બેન્કમાં પ્રાણીઓ, વનસ્પતિ અને સૂક્ષ્મ જીવાણુઓ સહિતના સજીવોના ૩,૬૨૬ સેમ્પલનું અત્યાધુનિક પદ્ધતિથી બેન્કીંગ કરવામાં આવ્યું છે. 
મંત્રીએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ બેન્ક દ્વારા ૧૫ જીનોમ, ૩૫ મેટાજીનોમ, ૨૪ ટ્રાન્સક્રીપ્ટોમ અને ૩૦ એક્ઝોમનું પણ સીકવન્સીંગ કરાયું છે. બેન્ક દ્વારા ૮,૬૭૯ થી વધારે જીન સીકવન્સનું બેન્કીંગ પણ કરાયું છે. આ ઉપરાંત ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટર દ્વારા ગુજરાતની વિવિધ પ્રજાતિઓના ૩,૦૦૦ થી વધારે ડી.એન.એ. બારકોડીંગ કરાયું છે. 
બાયોટેકનોલોજીના ઉપયોગનો વ્યાપ સતત વધી રહ્યો છે તેની માહિતી આપતાં મંત્રી  ચૂડાસમાએ ઉમેર્યું હતું કે, રણની રેતી હોય કે સમુદ્રના તળિયાની માટી હોય કે પછી ગમે તેવા ચબરાક ગુનેગાર હોય બાયો ટેકનોલોજી તેમની મૂળગત ઓળખ કરી આપે છે. ફોરેન્સિક સાયન્સિસ ક્ષેત્રે બાયો ટેકનોલોજીએ આમૂલ પરિવર્તન આણ્યું છે. ગ્લોબલ ર્વોમિંગ ક્ષેત્રથી માંડીને મેડિકલ ક્ષેત્રે બાયો ટેકનોલોજી આશીર્વાદરૂપ છે.