જ્યાં મંગળીયા ગવાતા હતા, ગાવાના હતા ત્યાં ગમખ્વાર અકસ્માતે ૩૦-૩પ જાનૈયાના અકાળ મોતથી અનિડા ગામ જ નહીં ગોહિલવાડ અને સમગ્ર ગુજરાતમાં આઘાત લાગ્યો છે.
આજે બુધવાર દુધરેજ-વડવાળા જગ્યાના મહંત કણીરામબાપુ આ ગામે પહોંચી સાંત્વના આપી. અહીં બાજુના વાંકિયા હનુમાનજી જગ્યાના મહંત રવુબાપુ પણ પહોંચ્યા અને જમવાનું આશ્રમ તરફથી આપવા કહી ગયા. મોરારીબાપુ દ્વારા ચિત્રકુટ ધામ તલગાજરડા તરફથી મરણ પામનારના પરિવારને જાહેરાત મુજબ રૂા.પ,૦૦૦ અને પવિત્ર વસ્ત રામભાઈ રાવળના હસ્તે પહોંચતા કરાયા. અનિડા ગામે આવેલી આ આફત સાથે કેટલાયે જીવનદીપ બુઝાયા, તેની સાથે સેંકડો માઈસાઈના દીપ પ્રગટ્યા. આ લખતા પણ આંખમાં આસુ આવે છે.
રંઘોળા ગામે ખટારો પડવા સાથે અહીંના ધંધાર્થીઓ, કાર્યકરો અને અન્યો તો આવી બચાવમાં લાગી લાગી ગયા. આગેવાનો શશીભાઈ ભોજ અને વશરામભાઈ આહિર સહિત તેમની ટીમને વંદન..!
આ દુર્ઘટના પછી આરોગ્ય તંત્ર અને રાજકિય, હોદ્દેદારોને જાણ કરવા સાથે શશીભાઈ વ્યસ્ત રહ્યો. અહીંના મૃતદેહોને આગળની વિધિ માટે વશરામભાઈ બીજા વાહન અને ઢાંકવાનું કાપડ મંગાવવામાં રહ્યાં. રંઘોળાને પોતાના ગામના ગોંદરે બનેલી દુર્ઘટનાના આઘાત હતો, ગામે બંધ પાળ્યો.
ઘટનાસ્થળેની સામે જ ખોડીયાર નાસ્તાગૃહવાળા કુલદિપસિંહ ચુડાસમા તથા દશરથસિંહ ગોહિલે ભોગ બનનાર જાનૈયાનો સામાન સલામત મુકાવી દીધો. સામેની બાજુથી જનકભાઈ ગોસ્વામી સૌ પહેલા દોડનારમાં હતા. ઉકાભાઈ કોતર અને નટુભાઈ ચાવડા કે મુકેશભાઈ ડાભી તેમજ છગનભાઈ ભોજ આવા કેટલા નામ લખવા જ્ઞાતિ-જાતિના ભેદભાવ મુકી માનવતાના કામમાં લાગી પડ્યા.
રંઘોળામાં સરકારી તંત્ર એટલું જ ગતિથી પહોંચી ગયું. સરકારી ગાડીઓ ઈજાગ્રસ્તોને દવાખાને પહોંચાડવા લાગી. ટીંબીની નિર્દોષાનંદજી સ્વામી દવાખાનુ સહિત આસપાસના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અહીં લાગી પડ્યા. ભાવનગરના સરકારી દવાખાનામાં ઈજાગ્રસ્ત દર્દીઓ માટે લોહીની જરૂર ઉભી થતા જરૂરીયાત કરતા વધુ બસોની અઢીસો વ્યક્તિઓ લોહી માટે ખુરશીઓ પર પહોંચી ગઈ. હિન્દુઓ હતા તો મુસ્લિમો પણ હતા. અહીં માનવતા માનવતા અને માનવતા જ જોવા મળી હતી.
ભોગ બનનાર પરિવાર તો રડે જ કારણ પોતાના પરિવારના એક કે તેથી વધુ સભ્યો ગુમાવ્યા છે.
આ ઘટના સાથે જ સૌએ રડી લીધુ હૈયાફાટ, અનિડા ગામ હવે ડુસકા ભરે છે !
શાબાશ આંબાલા અને કુંભણ યુવાન કાર્યકર્તાઓને..!
કલાક-બે કલાક સેવા કાર્ય કોઈક કરે પણ બાર બાર કલાક ભુખ્યા દુખ્યા અને આવી પરિસ્થિતિમાં એ અઘરૂ છે. દુર્ઘટના સ્થળથી, દવાખાને અને ત્યાંથી અનિડા ગામ અને બીજા આસપાસના યુવાનો મૃતદેહોને હેરવવા-ફેરવવા તેમજ અંતિમ સંસ્કાર સુધી રહ્યાં. શાબ્બાશ આ યુવાનો. એક સાથે અનેક મૃતદેહોને એક સાથે પંચાયતના મકાનના મોટા ખોરડામાં તેમજ એક ઘરમાં રાખવા, તેની નજીકના પરિવારજનને દર્શન કરાવવા અને રોકકલ સાથે મજબુત હૈયે દવાખાજે લઈ જવા. મૃતદેહોને ફેરવી છેક અંતિમ સંસ્કાર સુધી સહયોગ આપવામાં આ યુવાનો એકદમ શાંત, શિસ્ત અને હૈયામાં પિડા ધરબીને જે કામ કર્યુ તે ખૂબ ખૂબ શાબ્બાશીને પાત્ર છે. સરપંચ રમેશભાઈ ઢોલા તથા ઉપસરપંચ સોમાભાઈ સાંબડ પણ સાથે રહ્યાં.
સૌથી વધુ ભણેલા પૈકી એક બચ્યો : એકને ઈજા થઈ
અનિડામાં સૌથી વધુ એટલે કે કોઈ ધોરણ ૧૧ કે ધોરણ ૧ર સુધી ભણેલા પાંચ વિદ્યાર્થી હતા, તેમાં ત્રણ આ દુર્ઘટના ભોગ બન્યા. તેમાં એક બચી ગયો છે, તેને પણ ઈજા થઈ છે, એક સલામત છે. જાનમાં ગયેલા હર્ષદ ભોળાભાઈ ડાભી, રવિ રઘાભાઈ મકવાણા તથા બટુક હિંમતભાઈ મકવાણા આ ત્રણેય વિદ્યાર્થીઓ કે જે ગામમાં સૌથી વધુ એટલે કે ધોરણ ૧૧-૧ર કે કોલેજ સુધી ભણે છે. આ જાનમાં ગયેલ આવા વિદ્યાર્થી સંજય બુધાભાઈ વાઘેલા જાનમાં ઈજાગ્રસ્ત થયેલ છે. ગામમાં એક વિદ્યાર્થી રણુ વેલજીભાઈ વાઘેલા સલામત છે.
ચાલક વિશે અફવાઓ
જાનૈયાનો ખટારો ચલાવનાર યુવાન વિશે અવનવી અફવાઓ આવે છે. ખટારો ચલાવનાર નીતિન લાલજીભાઈ વાઘેલા આ ખટારો ત્રાંસો થતા જ કૂદકો મારી ભાગી છુટેલ. આ ચાલક વિશે જુદી જુદી અફવાઓ આવે છે.