બાપુની વાડી ખાતે મસ્જીદ ધરાશાયી : ૨ના મોત : ૬ને ઈજા

950
bvn1032018-12.jpg

ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં પીર મહંમદશાબાપુની વાડી ખાતે આવેલી નુરેમહંમદી મસ્જીદ આજે બપોરના સાડા ત્રણ વાગ્યાના સુમારે ધડાકાભેર ધરાશાયી થતા તેમાં કડીયા કામ કરી રહેલા ૮ વ્યક્તિઓ કાટમાળ તળે દબાયા હતા. જે પૈકીના રના મોત થયા હતા જ્યારે ૬ને ઈજા થતા સર ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. મોડીરાત્રિ સુધી કાટમાળ તોડીને ઈજાગ્રસ્તો તથા મૃતકોને બહાર કાઢવાની કામગીરી શરૂ રહી હતી.
મુસ્લિમ સમાજમાં આસ્થાનું પ્રતિક ગણાતા ચાવડીગેટ ખાતેની બાપુની વાડી ખાતે આવેલી પચાસેક વર્ષ જુની એવી નુરેમહંમદી મસ્જીદનું સમારકામ ચાલી રહ્યું હતું. દરમ્યાન આજે બપોરના સાડા ત્રણ વાગ્યાના સુમારે અચાનક ધડાકાભેર મસ્જીદ ધરાશાયી થતા અંદર કડીયા કામ કરી રહેલા ૮ વ્યક્તિઓ કાટમાળ હેઠળ દબાઈ જવા પામ્યા હતા. બનાવની જાણ થતા તુરંત જ ફાયરબ્રિગેડ, પોલીસ કાફલો તથા બચાવ કામગીરી માટે જેસીબી, ક્રેઈન સહિત બોલાવાયા હતા અને ઈજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી કુંભારવાડા, મીલની ચાલીમાં રહેતા આસીફભાઈ ઉસ્માનભાઈ શેખ ઉ.વ.આ.પ૦નું સારવાર દરમ્યાન મોત થયું હતું. જ્યારે યુસુફખાન નસીબખાન પઠાણ, અમીરઉલ્લાહ મોહબતભાઈ શેખ, આરીફ મુન્નાભાઈ, રહેમતુલ્લાહ રહીમભાઈને સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 
રાત્રિના ૯-૩૦ કલાકે મોટભાઈ ઉર્ફે બડેમીયા જમાલભાઈ બુખારીને કાટમાળમાંથી બહાર કઢાયા હતા. જેને સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે રાત્રિના ૧૦-૩૦ કલાકે કાટમાળ નીચેથી ઈરફાનભાઈ ઈસ્માઈલભાઈ કુરેશીની લાશ બહાર કઢાઈ હતી. આમ આ બનાવમાં કુલ ર વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જ્યારે ૬ વ્યકિતઓને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બનાવથી મુસ્લિમ સમાજમાં શોક છવાયો છે.
બનાવની જાણ થતા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે, મેયર નિમુબેન બાંભણીયા, કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોશી, ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યા, ભાજપ-કોંગ્રેસના આગેવાનો, એડીશ્નલ કલેક્ટર, સીટી મામલતદાર તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો કસ્બા પ્રમુખ ટીણાભાઈ, આરીફભાઈ કાલવા, રહીમભાઈ કુરેશી, ઈકબાલભાઈ આરબ, કાળુભાઈ બેલીમ, અનવરખાન પઠાણ, નાહીન કાઝી, સીરાઝ નાથાણી, શબ્બીર અસારીયા, મહંમદખાન પઠાણ, ઈલ્યાસ લાકડાવાલા સહિત ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. આ બનાવ અંગેના સમાચાર શહેરભરમાં વાયુવેગે ફેલાતા ચાવડીગેટ ખાતે હજારો લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને નિર્મળનગર રોડ પર ટ્રાફીકજામ થવા પામ્યો હતો. બનાવ સ્થળે ફાયરબ્રિગેડ, ૧૦૮ તેમજ પોલીસ કાફલો સતત હાજર રહ્યો હતો.

છ કલાકે કાટમાળમાંથી નિકળેલા બડેમીયાનો ચમત્કારીક બચાવ
નુરેમહંમદી મસ્જીદ ધરાશાયી થયા બાદ કાટમાળ નીચે દબાયેલાને બહાર કાઢવાની કામગીરીમાં છ કલાક પછી રાત્રિના ૯-૩૦ વાગ્યે કાટમાળમાંથી બહાર કઢાયેલા મોટભાઈ ઉર્ફે બડેમીયા જમાલભાઈ બુખારીનો ચમત્કારીક બચાવ થયો હતો તેમને સામાન્ય ઈજાઓ થઈ હોય સર ટી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

મોટી જાનહાની ટળી
આજે મુસ્લિમ સમાજનો પવિત્ર જુમ્માનો દિવસ હોય બપોરના સમયે નુરેમહંમદી મસ્જીદમાં ૧ હજારથી ૧પ૦૦ મુસ્લિમ બિરાદરો નમાજ અદા કરતા હોય છે. જે બપોરે ર-૩૦ વાગે પૂર્ણ થઈ હતી અને ૩-૩૦ કલાકે મસ્જીદ ધરાશાયી થતા તે સમયે માત્ર કડીયા કામ કરતા લોકો જ હાજર હતા. જો એક કલાક અગાઉ ઘટના બની હોત તો મોટી જાનહાની થઈ હોત તેવું ઘટનાસ્થળે મુસ્લિમ આગેવાનોમાં ચર્ચાઈ રહ્યું હતું.