દાઉદ ઇબ્રાહીમને પકડવાની વાતો કરનાર ભાજપ સરકાર હાર્દિક જેવા યુવા નેતાને પકડીને પૂરી દે છે : સીજે ચાવડા

725
guj1632018-8.jpg

ગુજરાત વિધાનસભામાં આજે ગૃહવિભાગની માંગણીઓ પરની ચર્ચા દરમ્યાન કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ ગુજરાતમાં દારૂની બદીને લઇ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવાછતાં તેની કોઇ અસરકારક અમલવારી દેખાતી નથી અને કાયદો માત્ર કાગળ પર રહી ગયો લાગે છે તેમ કહેતાં ચાવડાએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતમાં બેરોકટોક દારૂના અડ્ડાઓ અને હેરાફેરી ચાલે છે. જો ગુજરાતમાંથી પકડાયેલા દારૂને એક જગ્યાએ એકત્ર કરવામાં આવે તો, હાલમાં નર્મદાના પાણી કરતાં પણ વધુ દારૂની માત્રા વધી જાય. કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, ભાજપના રાજમાં દારૂના અડ્ડાઓ ફુલ્યાફાલ્યા છે અને દારૂની બદી બેફામ રીતે વ્યાપી છે, જેન લઇ રાજયમાં ગુનાખોરીનું રાજ પ્રવર્તી રહ્યું છે. તેમણે ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મોદી પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, ગૃહ રાજયમંત્રી છ ફુટ હાઇટ ધરાવે છે અને તેથી તેઓ માત્ર ઉપર જ જોઇ રહ્યા છે તેમની નીચે શું બને છે તે તેમને દેખાતું નથી. વડાપ્રધાન ૫૬ ઇંચની છાતીની વાત કરે છે પરંતુ છપ્પનની છાતી તો ખચ્ચરની હોય છે, માણસની છાતી તો ૩૩ ઇંચની હોય અને વધુમાં વધુ ૩૬ ઇંચની હોઇ શકે. વિપક્ષના સભ્યના આવા આક્ષેપ સાંભળી ભાજપના ધારાસભ્યોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને બંને પક્ષે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો મારો ચાલુ થઇ ગયો હતો.  ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં જ ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગૃહમાં રાજયમાં થયેલાદારૂના કેસોની વિગતો રજૂ કરી હતી, જે મુજબ, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવાછતાં બે વર્ષમાં દારૂના ૧૨,૩૪૦ ગુનાઓ નોંધાયા હતા. જેમાં વર્ષ ૨૦૧૬માં દારૂ સાથે સંકળાયેલા ૬૭૪૦ ગુનાઓની સંખ્યા ઘટીને ૫૬૦૦ થઇ હતી, એટલે કે, દારૂના ગુનાઓમાં એક હજાર જેટલો ઘટાડો નોંધાયો હોવાનો બચાવ ગૃહ રાજયમંત્રીએ રજૂ કર્યો હતો.

Previous articleખેડૂતને આજથી ઉનાળુ ખેતી માટે સિંચાઇ પાણી નહીં મળે
Next articleકડીમાં ડીવાયએસપી મંજીતા વણઝારાની જીપ પર હુમલો