દેવદિવાળી નિમિત્તે રાજયના મંદિરોમાં અન્નકુટ મહોત્સવ અંબાજી, શામળાજી, દ્વારકા, ડાકોરમાં ભારે ભીડ

613

આજે દેવ દિવાળી અને કારતક સુદ પૂનમને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના મંદિરોમાં ભવ્ય અન્નકુટ મહોત્સવ, દેવી-દેવતાઓના વિશેષ સાજ-શણગાર અને વિશેષ આરતી-પૂજન સહિતના અનેકવિધ કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી, શામળાજી, દ્વારકા, ડાકોર, સાળંગપુર ખાતેના કષ્ટભંજન દેવમંદિર સહિતના યાત્રાધામોમાં તો આજે દેવદિવાળી અને કારતક સુદ પૂનમને લઇ લાખો શ્રધ્ધાળુ ભકતોનું જાણે ઘોડાપૂર ઉમટયુ હતું. તો, અમદાવાદ શહેરના ભદ્રકાળી મંદિર, થલતેજના વૈભવલક્ષ્મી મંદિર, શાહીબાગના કેમ્પ હનુમાનજી મંદિર સહિતના મંદિરોમાં ભવ્ય અન્નકુટ મહોત્સવ યોજાયો હતો. આજે યાત્રાધામ ડાકોર ખાતે રણછોડરાયજી મહારાજને બહુ ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. રણછોડરાયના દર્શન માટે લાખો ભકતોએ રીતરની પડાપડી કરી હતી. આજના દિવસે જ ભકત બોડાણા રણછોડરાયને અહીં ડાકોરમાં લાવ્યા હતા, અને તેથી આજના દિનનો વિશેષ મહિમા રહે છે. તો, દ્વારકા ખાતે પણ દ્વારકાધીશની એક ઝલક મેળવવા શ્રધ્ધાળુઓ લાખોની સંખ્યામાં ઉમટયા હતા. સુપ્રસિધ્ધ યાત્રાધામ અઁંબાજી ખાતે પણ ભકતોનું ઘોડાપૂર ઉમટયું હતું. માતાજીના દર્શન કરી ભકતોએ ચાચર ચોકમાં રાસ-ગરબા રમી ધન્યતા અનુભવી હતી. બીજીબાજુ, આજે કારતક સુદ પૂનમના રોજ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભવ્ય લોકમેળો યોજાયો હતો. દર વર્ષની આ વર્ષે પણ હૈયે હૈયું દળાય તેવી ભીડ જામી હતી. મેળામાં રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશથી લાખો શ્રધ્ધાળુ ભકતો કાળિયા ઠાકરના દર્શનાર્થે ઉમટી પડ્‌યા હતા અને શામળિયા ગિરધારીનાં દર્શન કરી ભારે ધન્યતા અનુભવી હતી. તો, ભાવિકો મેશ્વો નદીમાં આવેલ પવિત્ર નાગધરા કુંડમાં સ્નાન કરી પિતૃ ઋણથી મુક્ત થઈં ધન્ય બન્યાં હતા. યાત્રાધામ શામળાજીમાં આવેલ નાગધરા કુંડમાં સ્નાનનું આગવું મહત્વ છે. આસપાસનો આદિવાસી અને રાજસ્થાનથી આવતા શ્રદ્ધાળુઓ ચૌદશના દિવસે રાત્રી જાગરણ કરી પૂનમ ના દિવસે સવારે નાગધરા કુંડમાં સ્નાન કરે છે અહીં આ કુંડમાં સ્નાન કરવાથી દેવલોક પામેલા તેમના પિતૃઓને મોક્ષ મળે છે એવી વર્ષો પુરાણી માન્યતા રહેલી છે. નાગધરા કુંડ પાસે પૂજારીઓ દ્વારા પૂજાવિધિ કરાવાય છે. આજના દિવસે ભક્તો પૂજાવિધિ દ્વારા ભૂત પ્રેત વળગાડ વગેરે દૂર થાય છે એવી માન્યતા રહેલી છે જેને લઈ આજે પણ વહેલી સવારથી જ આ કુંડમા શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી પરંપરાગત સ્નાન કર્યું હતુ. કારતક મહિનામાં ભારતભરમાં ચાર સ્થાનો પર કાર્તિકીના ચાર મેળા યોજાય છે તેમાનો એક યાત્રાધામ શામળાજીમાં યોજાય છે. આજે વહેલી સવારથી જ દુરદૂરથી લાખો ભક્તો ભગવાન કાળિયા ઠાકરના દર્શનાર્થે ઉમટી પડયા હતા અને શામળિયા ગિરધારીના દર્શન કરી ભારે ધન્યતા અનુભવી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને દર્શન અને પ્રસાદ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી. સતત પાંચ દિવસ ચાલનારા કાર્તિકી મેળામાં લાખો ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અરવલ્લી સાબરકાંઠા જીલ્લા ઉપરાંત રાજસ્થાન,મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશના યાત્રાળુઓ પણ આ મેળામા ઉમટતા હોઇ અને ખાસ અહીંના આદિવાસી ભાઇ બહેનો માટે આ લોકમેળો અદના ઉમંગ ઉત્સાહનો અવસર બની રહે છે. કાળિયા ઠાકર તેમનાં ઇષ્ટ દેવ હોઇ સ્થાનિકોમા આ મેળાનો અનોખો મહિમા છે.એક જમાનામાં ગવાતું ..શામળાજીનાં મેળે રમઝણીયું..રે..પેઝણીયું..બાજે નું લોકપ્રિય લોકગીત આજે પણ સ્મૃતિમાં છવાયેલું રહે છે. સ્થાનિકો આ દિવસોમાં પોતાના ખેતરે પકવતા આદું,લસણ,લીલી હળદર,શેરડી વગેરે લઇ અહી હાટડી માંડી વેચાણ કરવા આવે છે જેની ખરીદી શહેરીજનો અને મેળામાં આવતાં લોકો ખાસ કરતા હોય છે.

Previous articleગુરૂનાનક જયંતિ નિમિતે ગુરૂદ્વારાઓમાં ભીડ : દેવદિવાળી અને પૂનમને લઇ મંદિરોમાં શ્રદ્ધાળુનું ઘોડાપૂર
Next articleઆપનો આજનોદિવસ તા.૧૩-૧૧-૨૦૧૯ બુધવાર