પ્રેમીને મળવા ગયેલી યુવતી અકસ્માતે ઘવાઈ હોવાનું ખુલ્યું

695
bhav2332018-5.jpg

બોટાદના ગઢડા તાબેના માંડવધાર ગામની એક યુવતી ગંભીર ઈજા સાથે અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સમગ્ર બનાવ અંગે રહસ્ય ઘુંટાઈ રહ્યું હતું પરંતુ બોટાદ-ગઢડા પોલીસે સવારથી હાથ ધરેલી તલસ્પર્શી તપાસના અંતે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી પ્રેમ પ્રકરણની ઘટના ઉજાગર કરી છે.
ગઢડાના માંડવધાર ગામની ર૦ વર્ષિય યુવતી વિલાસ ગોવિંદભાઈ વાઘેલા ગઈકાલે શંકાસ્પદ ગંભીર ઈજા સાથે પ્રથમ ભાવનગર ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવી હતી. બનાવને ર૪ કલાક કરતા વધુ સમય વિતવા છતાં કોઈ નક્કર તથ્ય બહાર આવવા પામ્યું ન હતું તો બીજી તરફ ભોગગ્રસ્ત યુવતી તથા તેના પરિવાર દ્વારા અલગ-અલગ નિવેદનો આપી વાતને વધુને વધુ ઘેરી બનાવી રહ્યાં હતા પરંતુ બોટાદ પોલીસવડા તથા ટીમે યુવતીના મોબાઈલની કોલ ડીટેઈલના આધારે જીણવટભરી તપાસ હાથ ધરતા એક મોબાઈલ નંબર શંકાના પરીઘમાં આવ્યો હતો.
જે નંબર ટ્રેસ કરતા આ મોબાઈલ નંબર ધારક બોટાદ જિલ્લાના એક ગામના કોળી યુવાન યોગેશ જીવણભાઈ વાઘેલા નામના યુવાનનું પુરપાટ થતા પોલીસે યોગેશને ઉઠાવી આગવી ઢબે પુછપરછ હાથ ધરતા યુવાને ઘટના સંબંધી તમામ રહસ્યો ઉજાગર કર્યા છે. જેમાં યુવતી તેના પ્રેમીને મળવા હોળાય ગામની સીમમાં આવેલ એક વાડીમાં ગઈ હતી. જેમાં કુવા પાસે બન્ને પ્રેમી પંખીડા બેઠા હોય અને કુવા કાંઠે પાણી ખેંચવાનું મશીન શરૂ હોય એવા સમયે અકસ્માતે યુવતીના વાળ મશીનના પટ્ટામાં ફસાઈ જતા માથુ મશીનના વ્હીલમાં ઘસાયું હતું અને કાન તથા હાથનો અંગુઠો કપાઈ જવા પામ્યો હતો. આ ઘટનાથી ગભરાઈ ઉઠેલ પ્રેમી તથા તેની ઈજાગ્રસ્ત પ્રેમીકા ગઢડા સુધી પહોંચ્યા હતા અને યુવતીને મુકી તેનો પ્રેમી ફરાર થઈ ગયો હતો. જ્યારે ગંભીર ઈજાથી ઘવાયેલ યુવતીએ અપહરણ અને હુમલાની ઘટના ઘટી હોવાનું નાટક રચ્યું હતું પરંતુ પોલીસની ઉંડાણપૂર્વકની તપાસમાં પ્રેમી પંખીડાના નાટક પરનો પડતો પડી જવા પામ્યો હતો અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ થવા પામ્યો છે. આ અંગે પોલીસે પ્રેમી યુવાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleઘોઘા ગામે પીવાના પાણીની હાડમારી
Next article સોનગઢ ખાતેથી ઈંગ્લીશ દારૂ સાથે શખ્સ ઝડપાયો