ગુલબર્ગ કાંડઃ મોદી સામેની અરજી હાઈકોર્ટે ફગાવી

711
guj6102017-10.jpg

ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચાવનાર ગુલબર્ગ હત્યાકાંડ કેસમાં આ હત્યાકાંડમાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સાસંદ એહસાન જાફરીના વિધવા ઝાકીયા જાફરીએ સીટના કલોઝર રિપોર્ટને પડકારતી હાઇકોર્ટમાં કરેલી રિવીઝન અરજી ગુજરાત હાઇકોર્ટે આજે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. હાઇકોર્ટે મોદી સહિતના મહાનુભાવોને કલીનચિટ્‌ આપતાં સીટના કલોઝર રિપોર્ટને પડકારતી રિવીઝન અરજી ફગાવવાની સાથે સાથે ગુલબર્ગ હત્યાકાંડને લાર્જર કોન્સ્પીરેન્સી માનવાનો પણ સાફ ઇનકાર કરી દીધો હતો. જો કે, હાઇકોર્ટે ગુલબર્ગ કેસમાં નવેસરથી તપાસના મામલે સંબંધિત કોર્ટ સમક્ષ અરજી કરવા ઝાકીયા જાફરીને પરવાનગી આપી હતી. હાઇકોર્ટે સીટની તપાસને માન્ય રાખી હતી. ચકચારભર્યા ગુલબર્ગ હત્યાકાંડના આ મામલાની વિગતો એવી છે કે, ગુલબર્ગ હત્યાકાંડ કેસ સંદર્ભે રાજયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, અન્ય રાજકીય નેતાઓ-આગેવાનો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ૬૭ જણાં સામે એફઆઇઆર દાખલ કરવા અગાઉ ઝાકીયા જાફરીએ રાજયના ડીજીપીને અરજી કરી હતી. જો કે, ડીજીપીએ તેમની આ અરજી ગ્રાહ્ય રાખી ન હતી. જેને પગલે ઝાકીયા જાફરીએ મોદી સહિતના મહાનુભાવો વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી. પરંતુ હાઇકોર્ટે પણ તેમની આ રિટ અરજી ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે, જો પોલીસ દ્વારા આ મામલે એફઆઇઆર દાખલ ના કરવામાં આવતી હોય તો અરજદાર ઝાકીયા જાફરી સંબંધિત કોર્ટમાં ખાનગી ફરિયાદ દાખલ કરી શકે છે. એ પછી ઝાકીયા જાફરીએ સુપ્રીમકોર્ટમાં આ સમગ્ર મુદ્દે પિટિશન દાખલ કરી હતી. જેમાં સુપ્રીમકોર્ટે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમને ગુલબર્ગ હત્યાકાંડ કેસમાં તપાસ કરવાનો હુકમ કર્યો હતો. સીટના અધિકારીઓએ તપાસના અંતે સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર, મેટ્રોપોલીટન કોર્ટમાં ગુલબર્ગ  હત્યાકાંડ કેસમાં કલોઝર રિપોર્ટ રજૂ કર્યો હતો. જેની સામે ઝાકીયા જાફરીએ પોતાની વાંધા અરજી રજૂ કરી હતી, જેને કોર્ટે ફગાવી દઇ સીટના કલોઝર રિપોર્ટને ્‌ગ્રાહ્ય રાખ્યો હતો. સીટના આ કલોઝર રિપોર્ટને પડકારતી રિવીઝન અરજીમાં ઝાકીયા જાફરીએ માંગણી કરી હતી કે, ગુલબર્ગ હત્યાકાંડના સમગ્ર કેસમાં વધુ તપાસ કરાવવામાં આવે અને તેમની સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ(સીટ)ના કલોઝર રિપોર્ટ સામે વાંધાઓ રજૂ કરતી જે વાંધા અરજી અપાઇ હતી, તેને જ ખાનગી ફરિયાદ ગણીને જે તે કોર્ટમાં ટ્રાયલ ચલાવવામાં આવે. જો કે, સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ(સીટ) તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર આર.સી.કોડેકરે ઝાકીયા જાફરીની અરજીનો સખત વિરોધ કરતાં જણાવ્યું હતું કે, સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે સુપ્રીમકોર્ટના ચુકાદા મુજબ સમગ્ર કેસમાં તપાસ હાથ ધરી છે અને સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર જ નીચલી કોર્ટ(મેટ્રોપોલીટન કોર્ટ)માં આ કેસમાં કલોઝર રિપોર્ટ રજૂ કર્યો છે. વળી, નીચલી કોર્ટમાં સીટે જયારે કલોઝર રિપોર્ટ રજૂ કર્યો ત્યારે અરજદારને દલીલો અને રજૂઆત કરવાની પૂરતી તક અપાઇ હતી. કોર્ટે જાફરીની રજૂઆત અને દલીલો ધ્યાને લઇને તેમ જ તેમની વાંધાઅરજીની હકીકતો પણ લક્ષ્યમાં લીધા બાદ જ કોર્ટે સીટનો કલોઝર રિપોર્ટ મંજૂર કર્યો હતો.  સીટે આ કેસમાં જે તપાસ કરી તે સીઆરપીસીની કલમ-૧૭૩(૮) હેઠળ જ કરી છે અને તેથી ફરીથી એ જ પરિપ્રેક્ષ્યમાં તપાસ કરાવવાની અરજદારની માંગણી સ્વીકારી શકાય નહી. અરજદારને સીટની તપાસ સામે વાંધો હોય અને જો એવું લાગતું હોય કે તપાસનીશ એજન્સીએ યોગ્ય તપાસ કરી નથી, તો તેમની પાસે સક્ષમ કોર્ટમાં ખાનગી ફરિયાદનો વિકલ્પ ખુલ્લો છે.
અગાઉ હાઇકોર્ટે પણ અરજદારને ખાનગી ફરિયાદની મંજૂરી આપી છે ત્યારે તેઓ તે વિકલ્પ અપનાવી શકે છે. બાકી, સમગ્ર કેસમાં હવે  વધુ તપાસની માંગ કોઇપણ સંજોગોમાં સ્વીકારી શકાય નહી. સીટની આ દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે ઝાકીયા જાફરીની અરજી ફગાવી દીધી હતી. 

Previous articleસાવધાન ! ગુજરાતનું યાત્રાધામ ચોટીલા આતંકીઓના ટાર્ગેટ પર
Next articleસપનાની ભાષા અને સપના સિદ્ધ કરવાની ભાષા : નીલ ભટ્ટ