ગાંધીનગરમાં જિલ્લામાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી પર પહોંચી જવાથી મોસમની સૌથી વધુ ગરમી અનુભવાઇ હતી. ગરમીના પ્રમાણ એકાએક વધારો થતા લોકોની મુશ્કેલી પણ હવે વધી રહી છે.
મંગળવારે નગરનું મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી નોંધાયુ હતું. જે સોમવાર કરતાં ૩ ડિગ્રી વધારે હતું. જ્યારે લઘુત્તમ તાપમાન પણ ૨૦ ડિગ્રી યથાવત્ રહ્યુ હતું. જેના કારણે મંગળવારે શહેરીજનોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડ્યો હતો. ગરમીના શરૂઆતના દિવસોમાં આકરી ગરમીથી નાગરિકો પરેશાન થઇ ગયા છે. શહેરમાં મંગળવારના રોજ સૂર્ય દેવ આકરા બનતા પારો સિઝનનો સૌથી વધારે ૪૦ ડિગ્રી પર પહોંચી ગયો હતો. ગરમીના કારણે લોકો બપોરના સમયે બહાર આવવાનું ટાળ્યુ હતું અને ઘરમાં પુરાઇ રહેવાનું પસંદ કર્યુ હતું. મોડી સાંજે તડકો ઓછો થતાં બજારમાં લોકોની ચહલ પહલ જોવા મળી હતી. મહત્તમ તાપમાનનાં ૩.૩ ડિગ્રી વધી જતાં નાગરિકો બપોરના સમયે અકળાઇ ગયા હતાં.