દેખાય એમ ન હોવા છતા અનુભવી શકાય એવું શું ?

1009
bvn2832018-3.jpg

એક એવો અહેસાસ, અનુભૂતિ,વિશ્વાસ જે કોઈએ જોયો નથી. માત્ર અનુભવ્યો છે અને જેણે આ અનુભવ લીધો છે તેનું જીવન ધન્ય થયું છે. દેખાય એમ ન હોય છતાં અનુભવી શકાય એવુ શું ? તો દરેક ના મનોવિશ્વમાં અલગ-અલગ જવાબ આવશે. તમે પણ તમારી જાતને પૂછો જે પહેલો જવાબ આવે તે માનવું કે તમારૂં મનોવિશ્વ છે. 
જાત અનુભવ અને અન્યો સાથે મસલત કર્યા બાદ મને એ વાત માટે ઘણા જવાબ મળેલા છે જેમ કે હવા, ગરમી, દુઃખ, સુખ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ અને અપાર અનંત એવા “ઈશ્વર”. આવા તો દરેકના પોતપોતાના અનેક જવાબ મળશે. પરંતુ મારે આજે મારા દિલ થી આપના દિલ સુધી પહોંચે તેવી ’અપાર’ વાત કરવી છે “ઈશ્વર”ની. 
માનવ સમાજ વ્યવસ્થા માટે આપણાં શાસ્ત્રો દ્વારા અને અલગ અલગ ધર્મ સમુદાયો દ્વારા વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ છે. દરેક વ્યક્તિનો જન્મ અને મૃત્યુ તેના હાથમાં નથી. એ વાત સાચી પણ એક રીતે જોઈએ તો સંપૂર્ણ સત્ય નથી. ક્યાં જન્મ લેશું એ આપણા કર્મો નક્કિ કરતા હોય છે. એ વાતના પુરાવા પણ પૌરાણીક કથાઓમાં છે જ. ૮૪ લાખ યોનિઓમાંથી જીવ પસાર થયા બાદ, પાપ-પુણ્યના લેખા જોખા સંભાળતા-સંભાળતા આપણને માનવ અવતાર મળે છે. આ એક એવો અવતાર કે જેમાં આપણે આત્માથી પરમાત્માનું મિલન કરાવવા ઈશ્વરે સક્ષમ બનાવ્યા છે.પરંતુ પેલી વાત છે ને કે સફળતા મેળવવા રસ્તામાં અનેક નિષ્ફળતા અને મુશ્કેલીઓ તો આવવાની જ. તો ઈશ્વરને પામવા, ભજવા તે તો કેટલી મોટી વાત કહેવાય. તો આ રસ્તો સરળ તો ન જ હોય ને તેમ છતાં ઈશ્વર તો કૃપાળુ છે. સતયુગ અને ત્રેતાયુગ જેવા સમયમાં ઈશ્વરને પામવા જે કઠોર પરિશ્રમ, તપ, સાધના કરવી પડતી તેની સરખામણી એ ઈશ્વરે કળિયુગમાં તો ઈશ્વર પ્રાપ્તિનો રસ્તો તો એકદમ સરળ બનાવી નાખ્યો છે… કદાચ મારી વાતમાં ધર્મ ને અનુસંધાને કોઈ ચૂક રહી જાય કે કોઈ અયોગ્ય ઉલ્લેખ લાગે તો તે માટે પહેલેથી જ વાચકોની ક્ષમા યાચુ છું. કારણ હું કોઈ સંત, મહંત, શાસ્ત્રોની જ્ઞાતા કે ધર્મધુરંધર નથી. મારી સમજ એ ઈશ્વરની દેન અને મા-બાપના સંસ્કારને આધિન છે. એટલે જ આ લખાણના માધ્યમ દ્વારા “ઈશ્વર” જેની માટે લખવા શબ્દો-શાહી પણ ટૂંકા પડે તેમના માટે મારા વિચારો મારી ભાવનાઓ શબ્દ સરિતા રૂપે આપની પાસે વહાવી રહી છું… 
અલ્લાહ, ખુદા, જીજસ, પ્રભુ, ઈશ્વર, ભગવાન, માતાજી, સુરાપુરા, દેવ આવા અનેકોનેક નામથી ઈશ્વરને આપણે ઓળખીએ છીએ. ધર્મ કોઈ પણ હોય ઈશ્વર એક જ છે. હા,ઈશ્વરના રૂપ ઘણા બધા છે. પેલું પદ છે ને-
“હરિ તારા નામ છે હજાર 
ક્યાં નામે લખવી કંકોત્રી”
આપણે તો એવું માનીએ કે ગમે તે નામે હરિને કંકોત્રી લખો, પણ જો તેમાં ’ભાવ’ હોય એટલે તમને સરનામું મળી જ જાય. ઈશ્વર મળી જ જાય. ભગવાન પ્રાપ્તિ માટે જ્ઞાન-ભક્તિ બે રૂપો છે. પરંતુ સર્વોત્તમ માર્ગ તે ભક્તિ છે .ઉદ્ધવ જેવા જ્ઞાની ને પણ ગોપીના ભાવ આગળ હારવું પડ્યું હતું. ઈશ્વરના દરેક રૂપનું અવતારનું આગવું જ મહત્વ છે. પરંતુ મારી વાત કરું તો મને પ્રિય છે પૂર્ણપુરૂષોત્તમ ભગવાન “શ્રી કૃષ્ણ”… એક રમૂજ આપણી સૌ કોઈની નજરમાંથી પસાર થયેલી છે કે- ’એક માણસ ડૂબતો હતો વારાફરતી બધા ભગવાનને મદદ માટે બોલાવે છે પણ અંતે કોઈ મદદે આવતું નથી, કારણ કે દરેક ભગવાનને એવું થાય છે કે બીજા ભગવાન ત્યાં ગયા હશે..’ 
વર્ષોથી એક વાત ચાલી આવે છે. મોટા થયા પછી તેના રૂબરૂ ઉદાહરણ પણ જોયા ત્યાર બાદ એ વાત પર વિશ્વાસ બેઠો કે વડવાઓ કહી ગયા તે તદ્દન સાચી વાત છે. તેમ છતાં ગફલત એ છે કે કંઈક અંશે વડીલો દ્વારા જ જાણ્યે-અજાણ્યે આ ભૂલનો આગ્રહ થતો રહ્યો છે અને આ પામર મનુષ્ય તે ભૂલ કરવા લલચાઈ રહ્યો છે. આ હું જેની વાત કરવા ઈચ્છું છું તે છે “માનતા”. આ શબ્દથી આપણે સૌ કોઈ પરિચિત છીએ. એવી લોકોકિત છે કે “માનતાના માગેલા પોતે પણ સુખી થઈ ન શકે અને બીજાને સુખ આપી પણ ના શકે” એ વાતો તો નજરે જોયાને આધારે સાચી ઠરી. પરંતુ મારે કહેવી છે એ વાત એમ કે “માનતા” કરવી કે માંગવી એનો સીધો અર્થ સર્વસમર્થ પરમાત્મા(પ્રભુ) પર શંકા કરવી. “હે ઈશ્વર ! મારે આ વસ્તુ કે વ્યક્તિની જરૂર છે,નોકરીની જરૂર છે, દીકરો જોઈએ છે…. વગેરે વગેરે માંગણીઓ ની યાદી કરીએ છીએ.” “મા” ને ઈશ્વરનું સ્થાન આપવામાં આવ્યું છે તેમ છતાં એક કહેવત છે કે “માંગ્યા વગર મા પણ ના પીરસે” સાચી વાત છે “મા” પણ એક મનુષ્ય જ છે. એની પણ કંઈક મર્યાદા હોય જ. દર વખતે આપણી જરૂરિયાત માતાને ખબર પડી જ જાય એવું નથી હોતું. 
જન્મ મૃત્યુ આપનાર ને ખબર જ છે કે ક્યા જીવને ક્યાં સમયે શાની જરૂર છે. એટલે જ ભક્તિ કરો પણ માંગણી નહિ. પ્રેમ કરો પ્રભુને અને સાચા પ્રેમમાં શરત તો ન જ હોય ને વહાલા. સારા ખરાબ આવેગોથી મનુષ્ય વીંટળાયેલો છે. ઈશ્વર તો નિરાકાર, અપાર, અનુપમ, અદભુત, અલોકીક છે. આપણી માટે આપણા દ્વારા જ ઈશ્વરના અલગ-અલગ રૂપ પ્રતિમા ઉભી કરવામાં આવી છે. 
અંતે એટલું જ કહીશ કે ઈશ્વર આપણા પરમ સખા છે તે રાજા પણ છે તો નાના એવા બાળક પણ છે. માતા-પિતા બધું જ એ જ છે. તો તેમનો “ડર” ન હોવો જોઈએ. હા, પ્રભુ ભક્તિમાં ભાવ મુખ્ય છે પરંતુ “સાવધાની” સાથે સેવા કરો. પ્રભુ તો ભક્તના ભાવના ભૂખ્યા છે. તેમણે આપણી સતા સંપત્તિથી કોઈ ફરક પડતો નથી.

Previous articleવેપારીઓને પક્ષીઓ માટે માળા, કુંડાનું વિતરણ
Next articleજાહેર સ્થળોએ પોલીસે પગપાળા પેટ્રોલીંગ કર્યુ