સાળંગપુર ખાતે હનુમાન જયંતિની ધામ-ધુમપુર્વક ઉજવણી કરવામાં આવી

854
guj142018-4.jpg

બરવાળા તાલુકાના સાળંગપુર મુકામે આવેલ વિશવ વિખ્યાત સુપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની દબદબાપુર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજયભર સહિત દેશ-વિદેશમાંથી ભાવિક ભકતોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર મુકામે બિરાજમાન કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન જયંતિ મહોત્સવ પ્રસંગે તા. ૩૧-૩-૧૮ને શનિવારના રોજ વહેલી સવારથી જ ભાવિક ભકતોની લાંબી કતારો લાગી ગઈ હતી. કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે વહેલી સવારથી જ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. જેમાં સવારે પ-૧પ કલાકે મંગળા આરતી યોજવામાં આવી હતી.  ત્યારબાદ દાદાના આભુષણોની શલાગાર આરતી સવારે ૭-૦૦ કલાકે કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે ૭-૩૦ કલાકે રાજયભર સહિત દે-વિદેશના ભાવિક-ભકતો દ્વારા મારૂતીયજ્ઞ સમુહ યજ્ઞનો પ્રારંભ થયો હતો. આ સમુહ યજ્ઞમાં ૧૧૦૦ જેટલા યજમાનોએ મારૂતી સમુહયજ્ઞમાં ભાગ લીધો હતો. ત્યારબાદ સવારે ૯-૩૦ કલાકે અભિષેક દર્શન યોજવામાં આવ્યા હતાં. તેમજ ૧૧-૩૦ કલાકે કષ્ટભંજન દેવ હનુમાનજીને અન્નકુટનો ભોગ ધરવામાં તેમજ આરતી કરવામાં આવી હતી. આ વિવિધ કાર્યક્રમોમાં દાદાના ભાવિક ભકતો જોડાયા હતાં.  કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ ઉજવણી મહોત્સવમાં દેશ-પરદેશમાંથી પાંચ લાખ જેટલા ભાવિક ભકતો દાદાના દર્શનાર્થે આવી દાદના દર્શન કરી ધન્યતાની અનુભુતિ કરી હતી. સાળંગપુર ખાતે હનુમાન જયંતિ ઉજવણી પ્રસંગે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ૧ર૦ કિલોગ્રામની કેક રાખવામાં આવી હતી. તેમજ કેક કાપી દાદાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ કેકને પ્રસાદી તરીકે આપવામાં આવી હતી. હનુમાન જયંતિ નિમિત્તે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની જયના નારાથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું.  સાળંગપુર ખાતે હનુમાન જયંતિ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ ટ્રાફિક સલામતી, ટ્રાફિક વ્યવસ્થા માટે ચુસ્ત બંદોબસ્ત ફાળવી દેવામાં આવ્યો હતો. તેમજ બરવાળા પોલીસ સ્ટેશન સ્ટાફ ખડેપગે રહી સુલેહ, શાંતિ જાળવી રાખી હતી. 

Previous articleશહેર જિલ્લામાં હર્ષોઉલ્હાસભેર હનુમાન જયંતિની ઉજવણી
Next articleખારગેટ પાસેના ડેલામાં મકાન તુટી પડતાં મહિલાનું મોત થયું