રાજ્યભરમાં ગુજરાત સરકારના સારા અભિગમ સાથે શરૂ કરવામાં આવેલ ગુણોત્સવ કાર્યક્રમ, રાજુલા તાલુકામાં તાયફો સાબિત થયેલ છે. આ ગુણોત્સવમાં ર થી ૮ના વિદ્યાર્થીઓની કસોટી ઓએમઆર સીટ આપીને સવાલોના સાચા જવાબો નિમેલા અધિકારીની હાજરીમાં આપવાના હોય છે. આ ઉપરાંત નીચેના ધોરણોમાં વાંચન અને ગણન પણ કરાવવાનું હોય છે અને તે પણ નીમેલા અધિકારીની હાજરીમાં આમ સરકાર દ્વારા શિક્ષકો દ્વારા સ્કુલમાં કેવું શિક્ષણ આપેલ છે તેનું સમગ્ર વર્ષ મુલ્યાંકન કરવામાં આવે છે અને આ રીતે સરકાર દ્વારા સરકારી શાળામાં ખાડે ગયેલ શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા માટેનું એક સુંદર આયોજન કરવામાં આવેલ છે અને ખાનગી સ્કુલો કરતા તગડો પગાર મેળવતા સરકારી શિક્ષકોની કામગીરી ચકાસવા માટે ખૂબ જ સારૂ આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ છે અને આ મુલ્યાંકન થયા બાદ જે-તે શાળાઓને ગ્રેડ એ, બી, સી, ડી આપવામાં આવે છે અને નીચા ગ્રેડમાં આવેલ શાળાઓમાં એકસ્ટ્રા ક્લાસી ચલાવીને શિક્ષણનું સ્તર ઉપર લાવવાનો ગુજરાત સરકાર દ્વારા સરાહનિય પ્રયત્ન કરવામાં આવેલ છે પરંતુ રાજુલામાં આ ગુણોત્સવને જાણે તાયફો બનાવી દેવામાં આવેલ હોય તે રીતે આપવામાં આવતા ઓએમઆર શીટ પ્રશ્ન જવાબ વહીમાં ખુદ શિક્ષકો વિદ્યાર્થીઓને લખાવતા હોય અને ચકાસણી માટે આવેલ અધિકારીની જાણ બહાર કે પછી આંખ આડા કાન કરતા હોય તે રીતે વિદ્યાર્થીઓને ચોરી શિક્ષકો દ્વારા કરાવવામાં આવતી હોય અને તેના કારણે ગ્રેડ ઉપર લાવીને શિક્ષકો દ્વારા વાહવાહી મેળવી લેવામાં આવે છે તેવું આ બેદિવસીય શાળા ગુણોત્સવ પ્રોગ્રામમાંથી જાણવા મળેલ છે.
બીજી એવી હકિકતો પણ બહાર આવેલ છે કે, આ શાળા ગુણોત્સવમાં હાજર રહેલા અધિકારીઓ શિક્ષણ વિભાગ સિવાયના હોય છે. જેથી તેઓને આ ગુણોત્સવ વિશે પુરૂ જ્ઞાન હોતું નહીં હોવાનું અને પુરી પધ્ધતિ જાણતા નહીં હોવાથી શાળાના શિક્ષકો દ્વારા આવા અધિકારીને કોઈને કોઈ રીતે સાચવી લેવામાં આવે છે અને ગુણોત્સવનો અભિગમને નુકશાન પહોંચાડે છે જેથી ગુણોત્સવમાં નિમવામાં આવતા અધિકારીઓને ગુણોત્સવની ચકાસણી વિશેની પુરતી ટ્રેનિંગ અને સમજણ આપવી જોઈએ જેથી તેવો પુરા ધ્યાનથી શાળાનું મુલ્યાંકન કરી શકે. પરંતુ આ વખતે તો મોટાભાગની રાજુલાની શાળાઓના મુલ્યાંકન બરાબર નહીં થયું હોવાનું શિક્ષણ આલમમાંથી જાણવા મળેલ છે જેથી ખૂબ જ કડક રીતે ફરીથી શાળાઓનું મુલ્યાંકન કરવાની લોક માંગણી છે.



















