રવિવારથી ગાંધીનગરમાં ટ્રાફિકના નિયમો તોડવા બદલ ઈ-મેમો અપાશે 

883
gandhi1242018-6.jpg

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને પોલીસે ફીટ કરેલા કેમેરામાં કેદ કરીને તેમના ઘરે મેમો મોકલવામાં આવતો હતો પરંતુ વિધાનસભાની ચૂંટણી ટાણે ઓચિંતા જ સરકારે આ ઈ-મેમો નહીં આપવા માટે હુકમ કર્યો હતો. જેના પગલે અમદાવાદ ગાંધીનગર સહિતના મહાનગરોમાં ઈ-મેમો આપવાનું બંધ કરાયું હતું. પરંતુ હવે તા.૧પ એપ્રિલથી ગાંધીનગરમાં ફરી પોલીસની તીસરી આંખ કામે લાગશે અને ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વાહનચાલકોના ઘરે ઈ-મેમો મોકલશે. હવે કેમેરા પણ વધી ગયા છે ત્યારે ગાંધીનગરમાં કોઈપણ ખુણે ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વાહનચાલક પોલીસની છટકી શકશે નહીં.  
રાજયના પાટનગર ગાંધીનગર શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને સ્થળ ઉપર પકડવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું અને શહેરના મુખ્ય માર્ગો ઉપર લાગેલા સીસીટીવી કેમેરાના આધારે તેમના ઘરે ઈ-મેમો મોકલવામાં આવતો હતો. જો કે આ ઈ-મેમોથી બચવા માટે વાહનચાલકોએ નવા નવા નુસખાં પણ અપનાવ્યા હતા તો બીજી બાજુ ઘરે મેમો પહોંચી જતાં વાહનચાલકોની શાન ઠેકાણે આવી હતી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું પણ શરૃ કરી દીધું હતું. ત્યારે વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ગૃહવિભાગે ગાંધીનગર સહિત તમામ શહેરોમાં ઈ-મેમો નહીં મોકલવા માટે હુકમ કર્યો હતો જેના પગલે ચાર મહિનાથી ઈ-મેમો મોકલવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા સર્કલો ઉપર ઉભા રહીને સ્થળ દંડ વસુલવામાં આવતો હતો. ત્યારે હવે તા.૧પ એપ્રિલ રવિવારથી ફરીથી આ ઈ-મેમો મોકલવાનું શરૃ કરવામાં આવનાર છે. ગાંધીનગર શહેરમાં અલગ અલગ સ્થળોએ લાગેલા કુલ રપ૦ જેટલા કેમેરા ઉપર જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતેથી ટ્રાફિકનું મોનીટરીંગ કરવામાં આવે છે અને જેના આધારે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોની નંબર પ્લેટ ઓળખીને તેમના ઘરે મેમો મોકલવામાં આવશે. ચાર મહિના અગાઉ આ ઝુંબેશ બંધ કરવામાં આવી તે સમય બાદ કેમેરા પણ વધી ગયા છે જેથી હવે ગાંધીનગરમાં કોઈ માર્ગ એવો નથી જ્યાં કેમેરા લગાડાયા નથી. એટલે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર કોઈ વાહનચાલક પોલીસની આ તીસરી આંખથી બચી નહીં શકે તો આગામી સમયમાં રોકેટ ગતિએ વાહન હંકારતા ચાલકો એ પણ ગાંધીનગરમાં સંભાળીને ચાલવું પડશે કેમકે આગામી સમયમાં પોલીસ દ્વારા વાહનોની સ્પીડ માપતા કેમેરા પણ લગાડવામાં આવનાર છે જેના થકી ઓવર સ્પીડવાળા વાહનોની ઓળખ કરીને મેમો મોકલવામાં આવશે.
રાજ્યમાં આગામી ૧૫ એપ્રિલથી ફરી ઇ-મેમો શરૂ થશે. રાજ્યમાં વાહનચાલકોને વાહન વ્યવહાર અધિનિયમના વિવિધ નિયમોના ભંગ બદલ સીસીટીવી દ્વારા ડાયરેક્ટ ફોટો લઇને ઇ-મેમો આપી દંડ વસુલવાની પદ્ધતિ ફરી શરૂ કરવામાં આવશે. આ માટે દરેક ચાર રસ્તા પર ૫-૫ કેમેરા ગોઠવવામાં આવ્યા છે અને વિવિધ ૧૩ નિયમોના ભંગ બદલ રૂપિયા ૧૦૦થી માંડીને ૨,૦૦૦ સુધીનો દંડ વસૂલવામાં આવશે. ઉપરાંત ચોથી વખત ગુનો કરતાં લાઇસન્સ રદ કરવામાં આવશે.રાજ્યમાં વાહનચાલકોને વાહન વ્યવહાર અધિનિયમના વિવિધ નિયમોના ભંગ બદલ સીસીટીવી દ્વારા ડાયરેક્ટ ફોટો લઇને ઇ-મેમો આપી દંડ વસુલવાની પદ્ધતિ ફરી શરૂ કરવામાં આવશે. ઇ-મેમોની પુનઃ શરૂઆત ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી. આગામી ૧૫ એપ્રિલથી ઇ-મેમો શરૂ કરાશે. 

Previous article બાબાસાહેબની જન્મ જયંતિએ મૂર્તિને રંગરોગાન 
Next article રાજુલા ન.પા. પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત છતા બે કરોડનો ચેક કાઢયો