અમેરિકાએ 2 MH-60R મલ્ટી રોલ હેલિકોપ્ટર ભારતને સોંપ્યા

303

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૧૭
અમેરિકી નૌસેનાએ ભારતને પહેલા 2 MH-60R મલ્ટી રોલ હેલિકોપ્ટર સોંપી દીધા છે. ભારતીય નૌસેના લોકહીડ માર્ટિન દ્વારા નિર્મિત ૨૪ હેલિકોપ્ટર્સને અમેરિકી સરકાર પાસેથી ૨.૪ બિલિયન ડોલરની અંદાજિત કિંમતે ફોરેન મિલિટ્રી સેલ્સ અંતર્ગત ખરીદી રહી છે. નેવલ એર સ્ટેશન નોર્થ આઈલેન્ડ, સેન ડિએગો ખાતે શુક્રવારે એક સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમેરિકી નૌસેના પાસેથી ભારતીય નૌસેનામાં હેલિકોપ્ટર્સની ઔપચારિક ટ્રાન્સફર માર્ક કરવામાં આવી હતી. આ સમારંભમાં ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધૂએ ભાગ લીધો હતો. આ સમારંભમાં વાઈસ એડમિરલ કેનેથ વ્હાઈટસેલ, કમાંડર નેવલ એર ફોર્સીઝ, યુએસ નેવી અને વાઈસ એડમિરલ રવનીત સિંહ, ડેપ્યુટી ચીફ ઓફ નેવલ સ્ટાફ વચ્ચે દસ્તાવેજોને લઈ પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં અમેરિકી નૌસેના અને લોકહીડ માર્ટિન કોર્પોરેશનનું વરિષ્ઠ નેતૃત્વ પણ ઉપસ્થિત રહ્યું હતું. ભારતીય રાજદૂતે જણાવ્યું કે, દરેક મોસમમાં કામ કરી શકે તેવા મલ્ટી રોલ હેલિકોપ્ટર્સને સામેલ કરવા એ ભારત-અમેરિકા વચ્ચે બનેલા દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધો માટે એક મહત્વપૂર્ણ મીલનો પથ્થર છે. ભારતીય રાજદૂત તરણજીત સિંહ સંધૂએ ભારત અને અમેરિકાની મિત્રતા આભને આંબી રહી હોવાનું પણ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોથી દ્વિપક્ષીય સંરક્ષણ વેપાર વધીને ૨૦ અબજ ડોલર કરતા વધુ થઈ ગયો છે. વધુમાં જણાવ્યું કે, સંરક્ષણ વેપારથી આગળ વધીને ભારત અને અમેરિકા સંરક્ષણ પ્લેટફોર્મ્સના કો પ્રોડક્શન અને કો-ડેવલપમેન્ટ માટે પણ સાથે કામ કરી રહ્યા છે.