કરાઈ ખાતે ૩૯૬ પોલીસ કર્મીને દીક્ષાંત સમારોહમાં સીએમએ આવકાર્યા

743
gandhi1742018-5.jpg

ગુજરાત પોલીસ દળમાં ૩૯૬ પોલીસ કર્મચારીઓનો વધારો થશે. લગભગ ૯ મહિના જેટલી ટ્રેનિંગ પૂરી કરીને પોલીસ વિભાગમાં સેવામાં જોડાનારા ૩૯૬ પોલીસ કર્મચારીઓને આવકારતા સીએમ રૂપાણીએ તેમને કર્તવ્યનિષ્ઠા અને હમેંશા સેવા માટે તત્પર રહેવાના સોગંદ લેવડાવ્યા હતા. ગાંધીનગરમાં કરાઈ ખાતે પોલીસ દીક્ષાન્ત સમારોહમાં હાજરી આપીને સીએમ રૂપાણીએ ટ્રેનિંગ પૂરી કરીને પોલીસ સેવામાં જોડાતા યુવાનોના મનોબળને વધાર્યું હતું.
સીએમ રૂપાણી દ્વારા આ સિવાય ૨૬ જેટલાં ટ્રેનિંગ સેશનમાં ઉત્કૃષ્ટ કામગીરી પ્રદાન કરનારા પોલીસને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પોલીસ જવાનોને ગુજરાતની શ્રેષ્ઠતમ સેવા કરવા હાકલ કરી હતી. સીએમ રૂપાણીએ કહ્યું હતું કે,” ગુનેગારો તમારાથી ડરે તેવી રીતે ફરજ બજાવજો. લોકોની સેવા કરવા માટે હમેંશા તત્પર રહેજો.”
વિજયભાઇ રૂપાણીએ ગુજરાત પોલીસ દળમાં નવા જોડાઇ રહેલા ૩૯૬ પી.એસ.આઇ., ઇન્ટેલીજન્સ ઓફિસર અને લોકરક્ષક કર્મીઓને સંવેદનશીલતા અને પ્રજાભિમુખતાથી કર્તવ્યરત રહી પોલીસના નોબેલ પ્રોફેશનની ગરિમા વધુ ઊંચે લઇ જવા આહવાન કર્યુ છે. ગુજરાત પોલીસ સમગ્ર રાષ્ટ્રમાં વિશિષ્ટ પ્રતિભા ધરાવનારી અને સમાજમાં નિર્દોષને રંજાડનારા તત્વોને સજા, દોષિતોને દંડ કરી ફરજ પરસ્ત પોલીસની છબિ ધરાવે છે તે છબિ આ નવનિયુકત યુવા પોલીસ કર્મીઓ ઉજ્જવળ બનાવે. 
મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસ અકાદમી કરાઇમાં તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી પોલીસ દળમાં જોડાઇ રહેલા ૪૦ હથિયારી ઁજીૈં, ૪૦ ઇન્ટેલીજન્સ ઓફિસર તથા આસીસ્ટન્ટ ઇન્ટેલીજન્સ ઓફિસર અને બિન હથિયારી લોકરક્ષક મળી ૩૯૬ તાલીમાર્થીઓની દિક્ષાંત પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝિલી હતી. 
વિજયભાઇ રૂપાણીએ ૩૪ મહિલા કર્મીઓ સહિતના આ જોમ જુસ્સાથી તરવરતા યુવા કર્મીઓ પૈકી શ્રેષ્ઠતા-દક્ષતા દર્શાવનારા કર્મીઓને મેડલ્સ-પુરસ્કારોથી નવાજ્યા હતા. આજે જ્યારે ગુનાખોરીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ગુનેગારો આચરી રહ્યા છે અને સાયબર ક્રાઇમ, ઇકોનોમીક ઓફેન્સીસ જેવા ગૂનાઓ બનવા માંડયા છે ત્યારે ટેકનોસેવી યુવા પોલીસ કર્મીઓ માટે નવા પડકાર-ચેલેન્જ ઊભા થયા છે તેને આ નવનિયુકત ટેકનીકલ સ્કીલ્ડ મેનપાવર ચોક્કસ પાર પાડશે જ . 
વિજયભાઇ રૂપાણીએ કોઇ પણ રાજ્યના વિકાસના પાયામાં સુદ્રઢ કાનૂન વ્યવસ્થા અને શાંતિ-સલામતિ સમાયેલા છે તેની ભૂમિકા આપતાં કહ્યું કે, ગુજરાતમાં સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે પાછલા દોઢ-બે દાયકાથી સામાજીક શાંતિ-સલામતિનો અહેસાસ જન-જનને થઇ રહ્યો છે. ગુજરાતમાં રથયાત્રા, મહોરમ, ઇદ જેવા તહેવારો સુલેહ શાંતિ ભંગ થયા વગર સંવાદિતાથી મનાવાય છે. એટલું જ નહિ, માતા-બહેનો-દિકરીઓની પણ સલામતિ-સુરક્ષાને અહિં અહેમિયત આપવામાં આવી છે. 
પ્રજા-જનતાની સેવા કરવાની જે તક પરમાત્માએ આપી છે તે ઇશ્વરીય કાર્ય છે તેને તમારા કર્તવ્યભાવ-ફરજપરસ્તીથી દિપાવવાનું છે. શિક્ષક, ડૉકટર અને પોલીસના વ્યવસાયને નોબેલ પ્રોફેશન ગણાવતાં એમ પણ જણાવ્યું કે, બાળ માનસમાં પણ મોટા થઇ કારકીર્દી ઘડતર માટે આ ત્રણ જ ક્ષેત્રો વસેલાં હોય છે. 
‘‘આપણે પોલીસ વર્દીની કડકાઇ અને શિસ્તબધ્ધતાથી એવી ઇમેજ ઊભી કરીએ કે દોષિતને દંડ થાય અને ગૂનો આચરનાર વ્યકિતઓ થર થર કાંપે તેવી નિષ્ઠાથી પોલીસ દળમાં ફરજ બજાવજો’’ એમ મુખ્યમંત્રીએ પ્રજાના જાન-માલના રક્ષણ-શાંતિ સલામતિ માટે સર્વસ્વ ખપાવી દેવાની પ્રેરણા નવનિયુકત પોલીસકર્મીઓને આપતા જણાવ્યું હતું. ગુજરાતમાં રક્ષાશકિત યુનિવર્સિટીના માધ્યમથી સુરક્ષા ક્ષેત્રે પ્રશિક્ષિત માનવ સંશાધન નિર્માણ થઇ રહ્યું છે. તેમણે નવનિયુકત કર્મીઓને પણ પોતાના જ્ઞાન-કૌશલ્યને સંવર્ધિત કરીને પ્રજાના રક્ષણકર્તા બનવાના સેવા દાયિત્વને નિભાવવા હ્વદયસ્પર્શી અપિલ કરી હતી.
આ દિક્ષાંત સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ગૃહના અધિક મુખ્યસચિવ એમ. એસ. ડાગુર, પોલીસ મહાનિદેશક  શિવાનંદ ઝા તથા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, પોલીસ પરિવારજનો જોડાયા હતા. 

Previous articleમહેસાણા-પાટણ સહિત રાજયના અનેક એટીએમમાં કેશની અછત
Next articleજીંગા ઉછેર ફાર્મને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો