ફાયર સેફ્‌ટી વગરની ૬ હોટલ, રેસ્ટોરાંના પરવાના રદ

1366
gandhi1842018-6.jpg

ગાંધીનગર શહેર આસપાસ ધમધમતી પરંતુ આગ અકસ્માત સામે સુરક્ષાની કોઇ વ્યવસ્થા નહીં ધરાવતી ૬ હોટલ અને રેસ્ટોરન્ટના લાયસન્સ પ્રાંત અધિકારી દ્વારા રદ કરી દેવામાં આવતા આવા વેપારી, વ્યવસાયકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભૂતકાળમાં મહેસૂલી કાયદાનો ભંગ કરવા સંબંધે હોટલ અને રેસ્ટોરન્ટ સામે પરવાના રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી જ છે. પરંતુ અહીં ફાયર સેફ્‌ટી સિસ્ટમ નહીં હોવાના કારણે પરવાના રદ કરવામાં આવ્યા છે. મતલબ કે જાહેર જનતાની સુરક્ષાના મુદ્દાને સરકારી તંત્ર દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યો છે. તેમાં એક સાથે એકથી વધુ હોટલ, રેસ્ટોરન્ટને બંધ કરાવી દેવામાં આવતા હોટલ ઉદ્યોગકારોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.ફાયર સેફ્‌ટી નહીં હોવાના કારણે જેમના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે, તેમાં નભોઇ પાસેની વૃંદાવન ગાર્ડન રેસ્ટોરન્ટ, સરગાસણમાં આવેલી સેવરી રેસ્ટોરન્ટ, કોબામાં આવેલી જય ક્રિષ્ના હોટલ, કુડાસણમાં આવેલી ગ્રાન્ડ પ્રિતમ અને બેસ્ટ વેલી તથા ભાટ ગામ પાસે આવેલી હોટલ કાનુનનો સમાવેશ થાય છે.
ગાંધીનગર શહેરની આસપાસમાં જ આવેલી કેટલીક હોટલ રેસ્ટોરન્ટ દ્વારા તે આગના અકસ્માત સામે સુરક્ષિત છે, તેવું પ્રમાણપત્ર ફાયર બ્રિગેડમાંથી મેળવવામાં આવ્યુ નહીં હોવાનો વિગતવારનો રિપોર્ટ ફાયર ઓફિસર મહેશ મોડ દ્વારા ગાંધીનગરના પ્રાંત અધિકારી ઋતુરાજ દેસાઇને કરવામાં આવ્યો હતો. જેના પગલે તમામ હોટલ, રેસ્ટોરન્ટ પર રૂબરૂમાં તપાસ યોજવામાં આવી હતી અને ઉપરોક્ત એકપણ સ્થળે ફાયર સેફ્‌ટી સિસ્ટમ નહીં હોવાનું ફલીત થયુ હતું. આ તમામ હોટલ, રેસ્ટોરન્ટના લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા હતાં. પ્રાંત અધિકારીએ જણાવ્યું કે આ તમામ કિસ્સામાં સંચાલકો દ્વારા જ્યાં સુધી ફાયર સેફ્‌ટી સિસ્ટમ ઉભી કરવામાં આવશે નહીં અને જ્યાં સુધી સત્તાવાર સરકારી પ્રમાણપત્ર મેળવવામાં આવશે નહીં. ત્યાં સુધી તેમને પરવાનો નવેસરથી આપવામાં આવશે નહીં.
જ્યાં બાળકો અને મહિલાઓ સહિત અબાલ વૃદ્ધોનીઅવર જવર રહેતી હોય તેવા સ્થળે કોઇપણ પ્રકારે સુરક્ષા વ્યવસ્થામાં છીંડા હોય તે ચલાવી શકાય નહીં, તેમ જણાવતા કલેકટર એસ કે લાંગાએ જણાવ્યું કે સમગ્ર ગાંધીનગર જિલ્લામાં હોટલ, રેસ્ટોરન્ટમાં આ પ્રકારે સંચાલકો દ્વારા દાખવવામાં આવતી બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.

Previous articleએર ઓડીસા દ્વારા અમદાવાદ, ભાવનગર, સુરત ખાતે નવીન ઉડાન સેવાનો પ્રારંભ
Next articleપાટણ સીવીલ હોસ્પિટલની સુવિધા પુનઃ શરૂ કરવા કોંગ્રેસ દ્વારા સદબુધી યજ્ઞ