પ્રદૂષણના મુદ્દે જીપીસીબી સહિત તમામની હાઇકોર્ટ દ્વારા ઝાટકણી

732
guj2542018-11.jpg

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસીના ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્‌સના કારણે ફેલાતા પ્રદૂષણના મુદ્દે થયેલી જાહેરહિતની રિટ અરજીમાં આજે ગુજરાત હાઇકોર્ટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(જીપીસીબી) સહિતના સરકારના સત્તાવાળાઓને જોરદાર રીતે ઝાટકયા હતા. હાઇકોર્ટે કેસની સુનાવણી દરમ્યાન બહુ ગંભીર અને આકરી ટીકા કરી હતી કે, જો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેની જવાબદારી સરખી રીતે નિભાવી શકતું ના હોય તો, તેને બંધ કરવા કોર્ટ આદેશ કરી શકે છે. એટલું જ નહી, પ્રદૂષણના મામલે હાઇકોર્ટ કોઇ બાંધછોડ નહી કરે, એટલે અંકલેશ્વર જીઆઇડીસી પણ બંધ કરવા કોર્ટ આદેશ કરી શકે.હાઇકોર્ટે એક તબક્કે જીપીસીબીને દાંત અને નહોર વગરના વાઘ સમાન ગણાવ્યું હતું. હાઇકોર્ટે કેસની સંવેદનશીલતા અને ગંભીરતા ધ્યાનમાં લઇને અંકલેશ્વરમાં પ્રદૂષણ મામલે એમીક્સ કયુરી(કોર્ટ મિત્ર) તરીકે સિનિયર એડવોકેટ શાલીન મહેતાની નિમણૂંક કરી હતી. હાઇકોર્ટે અંકલેશ્વરમાં પ્રદૂષણની સ્થિતિ, ભૂતિયા પાઇપલાઇન, પ્રદૂષણ ફેલાવતી ઇન્ડ્‌સ્ટ્રીઝ અને યુનિટ્‌સ સહિતના મુદ્દાઓની તપાસ કરી વિગતવાર અહેવાલ રજૂ કરવા પણ એમીકસ કયુરીને નિર્દેશ કર્યો હતો. અંકલેશ્વર જીઆઇડીસીના ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્‌સના કારણે હવા, પાણી અને વાતાવરણના પ્રદૂષણ મામલે થયેલી પીઆઇએલમાં એવા મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા કે, અંકલેશ્વરના ઉદ્યોગજગતના પ્રદૂષણને લઇ સ્થાનિક જનજીવન અને આરોગ્ય-સુખાકારી પર ગંભીર અને વિપરીત અસરો પડી રહી છે. લોકોના આરોગ્ય પર હાનિકારક અસરો અને ગંભીર રોગો થવા છતાં જીપીસીબી સહિતના સત્તાવાળાઓ પ્રદૂષણની પરિસ્થિતિ પર લગામ કસવામાં સરેઆમ નિષ્ફળ ગયા છે. આ સમગ્ર મામલે જીપીસીબીથી લઇ સરકારના સંબંધિત સત્તાવાળાઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ જ પરિણામ નહી આવતાં છેવટે હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડી છે. હાઇકોર્ટે કેસની ગંભીરતા ધ્યાને લઇ આજે જીપીસીબી અને સરકારના સત્તાવાળાઓને ભરચક કોર્ટમાં ઝાટકતાં જણાવ્યું હતું કે, સત્તાધીશો આટલી ગંભીર સમસ્યા મામલે એકબીજા પર દોષનો ટોપલો ઢોળવાનું બંધ કરે. આપણા વાતાવરણને પ્રદૂષિત થવામાંથી તમે બચાવી શકતા નથી અને આ પ્રકારના ગંભીર અને જોખમી પ્રદૂષણને રોકી શકતા નથી તો, આમ કરી તમે પૃથ્વીને નુકસાન પહોંચાડી રહ્યા છો, જે બહુ કમનસીબ બાબત કહી શકાય.  હાઇકોર્ટે આ સમગ્ર કેસમાં એમીક્સ કયુરી પાસેથી તપાસ અહેવાલ માંગી કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી હતી. 

Previous articleત્રણ જ સપ્તાહમાં ઈ-વે બિલમાં ગુજરાતે મેદાન માર્યું
Next articleસિવિલમાં બે એકસ રે મશીન જેમાં એક બંધ હોવાથી પરેશાની