મેનેજમેન્ટ અને ફાર્મસીમાં એડમિશન લેવા માટે આપવામાં આવતી યુજીસી, સીમેટ અને જીપેટ સહિતની પરીક્ષા હવેથી ઓનલાઇન લેવામાં આવશે. આ તમામ પરીક્ષાઓ હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સી લેશે. આ માટેનું નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થી અને વાલીઓએ હવે ઓનલાઇન પરીક્ષા માટે તૈયારી કરવી પડશે કારણ કે, નવી પધ્ધતિમાં પરીક્ષાના ફોર્મેટમાં કેટલાક ફેરફાર પણ કરવામાં આવ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ એક્ઝામનો મોડ પસંદ નહી કરી શકે. અત્યાર સુધી મેનેજમેન્ટ અને ફાર્મસીમાં એડમિશન લેવા માટે આપવામાં આવતી યુજીસી, સીમેટ અને જીપેટ સહિતની આ પરીક્ષા ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઇસીટીઇ) દ્વારા લેવાતી હતી. આ વર્ષથી હવે નીટ અને જેઇઇ સિવાયની ઉપરોક્ત તમામ પરીક્ષાઓ એનટીએ લેશે. આ વર્ષથી આ પરીક્ષાઓ વર્ષમાં બે વખત લેવાશે. આ પરીક્ષાઓ ઓનલાઇન કમ્પ્યૂટર બેઈઝ હશે. યુજીસી-નેટ અને સીમેટ (કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ) અને જીપેટ (ગ્રેજ્યુએટ ફાર્મસી એપ્ટિટ્યૂટ ટેસ્ટ)માં પણ કેટલાક ફેરફાર કરાયા છે, જેના કારણે વિદ્યાર્થીઓ માટે અલગ પ્રશ્ન પેપર બનાવાશે.
સવાલો અગાઉની સરખામણીએ થોડા વધુ અઘરા હશે. ઓનલાઇન પેપર હોવાના કારણે વિદ્યાર્થીઓ એક્ઝામનો મોડ પસંદ નહીં કરી શકે એટલું જ નહીં, તેઓ નકલ પણ નહીં કરી શકે. પેપરમાં શંકા હશે તો જવાબમાં રિ-ટીક કરી શકશે અને પોતાની પસંદગી મુજબની તારીખ નક્કી કરી શકશે. યુજીસી-નેટની તારીખ ૧થી ૩૦ સપ્ટેમ્બર, પરીક્ષા ડિસેમ્બરમાં અને પરિણામ જાન્યુઆરી-ર૦૧૯માં આવશે. સીમેટમાં તા.રર થી ૧પ ડિસેમ્બર સુધી રજિસ્ટ્રેશન, ર૭ જાન્યુઆરી-ર૦૧૯માં પરીક્ષા અને પરિણામ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં આવશે. જીપેટ માટે તા.રર થી ૧પ ડિસેમ્બરે રજિસ્ટ્રેશન થશે. તા.ર૭ જાન્યુઆરીએ પરીક્ષા અને ફેબ્રુઆરી-ર૦૧૯માં પરિણામ જાહેર થશે. જ્યારે ગેટની પરીક્ષાનું રજિસ્ટ્રેશન ર૧ સપ્ટેમ્બર, એડમિટકાર્ડ ૪ જાન્યુઆરીએ, રિઝલ્ટ ૧૬ માર્ચ-ર૦૧૯એ જાહેર થશે. પેપર માટે ત્રણ કલાકનો સમય અપાશે. ગ્રેજ્યુએટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ (ગેટ)ની પરીક્ષા નવી પેટર્ન મુજબ થશે. અત્યાર સુધી લેવાતી ર૩ વિષયની પરીક્ષા હવે ર૪ પેપરમાં લેવાશે. ઉમેદવાર કોઇ પણ વિષય પસંદ કરી શકશે. આ પરીક્ષા આઇઆઇટી-મદ્રાસ દ્વારા લેવાશે. પરીક્ષા બે સત્રમાં લેવાશે. ઓનલાઇન પરીક્ષા થવાથી વિદ્યાર્થીઓ માટે આ વખતે નવો અનુભવ રહેશે.



















