ભાજપના લોકો કહે છે આ વખતે હારીશું તો ૨૦૦ વર્ષ સુધી સત્તા નહીં મળેઃ અહમદ પટેલ

652

લોકસભા ચૂંટણી ૨૦૧૯ની તૈયારીઓને લઈ આજે કોંગ્રેસની વિસ્તૃત કારોબારી મળી હતી. આ કારોબારીમાં ઉપસ્થિત રહેલા કોંગ્રેસના સિનિયર નેતા અને રાજ્યસભા સાંસદ અહમદ પટેલે કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ગુજરાત અને કેન્દ્ર સરકારની આકરી ટીકા કરતા જણાવ્યું કે, ભાજપના લોકો કહે છે આ વખતે હારીશું તો ૨૦૦ વર્ષ સત્તામાં નહીં આવીએ. રાજ્ય અને દેશ બરબાદ થઈ રહ્યા છે. આજની સરકારે દેશને ૨૫ વર્ષ પાછળ ધકેલી દીધો છે. આ કારોબારીમાં ગુજરાતના કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા વિરોધ પક્ષના નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતની રૂપાણી સરકાર અને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધી પટેલે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્યનું દેવું વધી ગયું છે. કેન્દ્રનું ૮૦ લાખ કરોડ અને ગુજરાતનું ૨થી ૩ લાખ કરોડ દેવું થયું છે. ૨૦૧૪નું વાતાવરણ અલગ હતું અને ૨૦૧૯નું અલગ છે. અમે ગુજરાતની તમામ એટલે કે ૨૬ લોકસભા બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. રાજ્ય અને દેશ બરબાદ થઈ રહ્યા છે. કેન્દ્ર સરકારે પબ્લિસિટી પાછળ ૬ હજાર  કરોડ ખર્ચ્યાં છે. દેશને રાજકીય આઝાદી બાદ કોંગ્રેસે આર્થિક આઝાદી અપાવી હતી.

ભાજપ ખોટા વાયદાઓ કરી સરકારમાં આવ્યો છે. આ સિવાય રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ફેબ્રુઆરી અને માર્ચમાં ગુજરાતના પ્રવાસે આવશે અને ચાર ઝોનમાં સભાઓ પણ ગજવશે.

Previous articleદહેગામ-નરોડા હાઇવે પર કાર અને બાઇક અથડાતા આધેડનું મોત
Next articleસ્વર્ણિમ પાર્કને રિવરફ્રન્ટ લંબાવવાની સ્કીમ અટવાઈ