ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસના બહારથી ટેકા સાથે પ્રચાર કરી રહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર હાર્દિક પટેલને પણ હારનો સામનો કરવો પડ્યો છે. આ સંજોગોમાં ગુજરાતમાં ભાજપની ફરીવાર સરકાર બન્યા બાદ આંદોલનની રણનીતિ ઘડવા માટે ૩૦ ડિસેમ્બરના રોજ બોટાદ ખાતે પાસની એક બેઠક બોલાવવામાં આવી છે. જોકે આ બેઠકમાં હાર્દિકના એક સમયના સાથીઓ બળવો કરવાની તૈયારીઓમાં હોવાની સંભાવના જોવામાં આવી રહી છે.
આ બેઠકમાં ચૂંટણી દરમિયાન હાર્દિક પટેલની ગતિવિધિઓથી નારાજ પાસના નેતાઓ તોફાન મચાવવાની રણનીતિ ઘડી રહ્યા છે. ખાસ કરીને દિનેશ બાંભણિયા સહિતના કેટલાક પાસના નેતાઓને બેઠકનું આમંત્રણ આપવામાં ના આવ્યું હોવા છતાં બેઠકમાં ઘુસી જઈને હાર્દિક પટેલનો ખુલ્લેઆમ વિરોધ કરશે.
પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા છેલ્લા સાડા ત્રણ વર્ષથી અનામત અને અન્યાયના મુદ્દે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ આંદોલનમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન નવો વળાંક આવ્યો હતો, જેમાં હાર્દિક પટેલના સાથીઓ એવા વરૂણ પટેલ, ચિરાગ પટેલ, કેતન પટેલ અને રેશ્મા પટેલ હાર્દિકનો સાથ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. આ ઉપરાંત હાર્દિકનો ડાબો હાથ કહેવાતા દીનેશ બાંભણિયા પણ ચૂંટણી સમયે જ હાર્દિકની વિરૂદ્ધમાં નિવેદન આપીને આંદોલનની સામે અવાજ ઉઠાવ્યો હતો.



















