બિનતહોમત છૂટવા હાર્દિક પટેલે કરેલ અરજી રીજેક્ટ

682
guj222018-8.jpg

પાટીદાર અનામત આંદોલન દરમ્યાન ઉશ્કેરણીજનક ભાષણો અને નિવેદનો કરી કોમી વૈમનસ્ય ફેલાવવા અને રાજયની શાંતિનો ભંગ કરવાના ચકચારભર્યા રાજદ્રોહના કેસમાં બિનતહોમત છૂટવા માટે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ દ્વારા કરાયેલી ડિસ્ચાર્જ અરજી આજે અત્રેના એડિશનલ સેશન્સ જજ દિલીપ પી.મહિડાએ આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. કોર્ટે પાટીદાર અનામત આંદોલન સમિતના કન્વીનર અને પાટીદાર નેતા હાર્દિક પટેલને કોઇપણ પ્રકારની રાહત આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. સેશન્સ કોર્ટે ડિસ્ચાર્જ અરજી ફગાવી દેતાં રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલને બહુ મોટો ઝટકો મળ્યો છે. કોર્ટે આરોપી હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા અને ચિરાગ પટેલ વિરૂધ્ધ આગળની ઇન્સાફી કાર્યવાહી ચલાવવા પણ હુકમ કર્યો હતો, જેથી હવે તા.૨૧મી માર્ચે હાર્દિક ભરતભાઇ પટેલ, દિનેશ ભગવાનભાઇ બાંભણીયા અને ચિરાગ ભરતભાઇ પટેલ વિરૂધ્ધ ચાર્જફ્રેમની કાર્યવાહી થશે. હાર્દિક પટેલની ડિસ્ચાર્જ અરજીનો વિરોધ કરતાં સરકારપક્ષ તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આરોપી હાર્દિક દ્વારા પાટીદાર અનામત આંદોલન દરમ્યાન અપાયેલ સ્પીચ અને ભાષણોના કારણે બાદમાં સમગ્ર ગુજરાત રાજયમાં તોફાનો અને હિંસક પરિસ્થિતિ ફાટી નીકળી હતી. તોફાનીઓ દ્વારા સરકારી અને જાહેર મિલકતોને પારાવાર નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જેમાં પશ્ચિમ રેલ્વેને રૂ.૫૨.૬૬ લાખનું, એએમટીએસને રૂ.ચાર કરોડનું, બીઆરટીએસને રૂ.ત્રણ કરોડનું અને જીએસઆરટીસી(એસ.ટી)ની બસોને રૂ.૨૧ કરોડનું ગંભીર નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.  એટલું જ નહી, અગ્નિશામક ઇમરજન્સી સેવાને રૂ.૨૯.૬૬ લાખનું નુકસાન કરાયું હતું. ૧૯૨ જેટલા પોલીસ વાહનોમાં તોડફોડ કરી રૂ.૪૫ કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જીએમડીસી ગ્રાઉન્ડ પરના હાર્દિક પટેલના ભાષણ બાદ તેણે કરેલી ટેલિફોનીક વાતચીતમાં પણ આ અંગેના પુરાવા અને સમર્થન પ્રાપ્ત થાય છે. આરોપીઓના ભાષણો સહિતના સંબંધિત નક્કર પુરાવાઓને ધ્યાને લેતાં અરજદાર આરોપી હાર્દિક પટેલ વિરૂધ્ધ કલમ-૧૨૪(એ) અને ૧૨૧(એ) મુજબના ગુુના બનતા હોવાનું પ્રથમદર્શનીય રીતે ફલિત થાય છે. આરોપી હાર્દિક પટેલ જ નહી, તેની સાથે તમામ આરોપીઓ આ ગુના સાથે સંકળાયેલા છે અને તે તમામ વિરૂધ્ધ તહોમતનામું ફરમાવવા માટેના પૂરતા અને મજબૂત પુરાવા છે. આ સંજોગોમાં હાર્દિક પટેલને આ કેસમાંથી કોઇપણ સંજોગોમાં બિનતહોમત છોડી શકાય નહી અને તેથી કોર્ટે તેની ડિસ્ચાર્જ અરજી ફગાવી દેવી જોઇએ. સરકારપક્ષ તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર સુધીર બ્રહ્મભટ્ટની આ દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે હાર્દિક પટેલની ડિસ્ચાર્જ અરજી આકરા વલણ સાથે ધરાર ફગાવી દીધી હતી.      ઉલ્લેખનીય છે કે, ગત તા.૨૫-૮-૨૦૧૬ના રોજ પાટીદાર અનામત આંદોલન દરમ્યાન શહેરના હેલ્મેટ ચાર રસ્તા પાસે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વિશાળ ક્રાંતિ સંમેલન યોજી પાટીદાર નેતા હાર્દિક પટેલ દ્વારા વર્ગવિગ્રહ અને વૈમનસ્ય થાય તેવા ઉશ્કેરણીજનક ભાષણો કર્યા હતા. એટલું જ નહી, એ વખતે રાષ્ટ્રની સંપત્તિને નુકસાન કરવા, બીજા રાજયના લોકોને આવા ગુનાહિત કાર્યમાં જોડાવા, અફવા ફેલાવવા અને રાજય સરકાર વિરૂધ્ધ ભાષણ આપી યુધ્ધે ચડવાના ઇરાદે કરાયેલા ગુનાહિત કૃત્યને લઇ હાર્દિક પટેલ તથા અન્યો વિરૂધ્ધ ક્રાઇમબ્રાંચમાં રાજદ્રોહ સહિતની ગંભીર કલમો હેઠળ ખૂબ જ સંવેદનશીલ કેસ દાખલ કરાયો હતો.

Previous articleઆંબે અમૃત ફળ કેરીનું આગમન
Next articleઇશરત કેસ : નિવૃત્ત ઇન્ચાર્જ ડીજીપી બિનતહોમત છુટ્યા