ગાંધીનગરમાં બે દિવસથી ૪૪ ડીગ્રી તાપમાન વચ્ચે જનજીવન ખોરવાયુ : રસ્તા સુમસામ

1222

ગુજરાતના સૌથી હરિયાળા શહેરમાં છેલ્લા સપ્તાહથી જે પ્રકારે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે તેના પગલે ગ્રીનસીટી પણ હોટેસ્ટ સીટી બનવા જઇ રહ્યું હોય તેમ ગરમીમાં પણ વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે મહત્તમ તાપમાનના પારામાં દિનપ્રતિદિન વધારો નોંધાતાં આકાશમાંથી અગન વર્ષા વરસી રહી હોય તેમ ગરમી પણ પડી રહી છે. બુધવારે રાજ્યના પાટનગરમાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રીએ પહોંચી ગયું હતું. જેના પગલે નગરજનોને આ સીઝનમાં સૌથી વધુ ગરમ દિવસનો અનુભવ થયો હતો. તો દિવસે ગરમ પવનોના પગલે માર્ગો પણ સુમસામ જોવા મળ્યાં હતાં.
સમગ્ર ગુજરાત હાલમાં કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યું છે ત્યારે તાપમાનના પારામાં પણ વધારો નોંધાતાં મોટાભાગના શહેરોમાં ઐતિહાસિક ગરમી અનુભવવા મળી રહી છે. છેલ્લા એક સપ્તાહથી સતત તાપમાનનો પારો ઉંચે જઈ રહયો છે. જેના પગલે મહત્તમ તાપમાનના પારામાં પણ વધારો નોંધાઈ રહયો છે. પરંતુ ત્યારબાદ અચાનક જ તાપમાનના પારામાં ઉછાળો નોંધાતાં ગરમીએ પોતાની અસર બતાવવાની શરૃ કરી દીધી હતી. છેલ્લા ઘણા દિવસથી સતત તાપમાનનો પારો ઉંચે જઇ રહ્યો છે. જેના પગલે સમગ્ર રાજ્યના અન્ય શહેરોની સાથે સાથે પાટનગર પણ આ કાળઝાળ ગરમીનો ભોગ બન્યું છે. ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાનનો પારો ૪૦ ડિગ્રીથી ઉપર નોંધાઇ રહ્યો છે. જેની અસર હવામાન ઉપર પણ જોવા મળી રહી છે.
મંગળવારે મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રીએ પહોંચી ગયું હતું અને લઘુત્તમ તાપમાન ૨૮ ડિગ્રીએ પહોંચ્યું હતું. જેના પગલે ગરમીમાં આંશિક રાહત અનુભવાઇ હતી પરંતુ બુધવારે અચાનક જ મહત્તમ તાપમાનના પારામાં વધારો નોંધાતાં આ સિઝનના સૌથી વધુ ગરમ દિવસનો અનુભવ નગરજનોને કરવો પડયો હતો. મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રીએ પહોંચી ગયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન ૨૭.૫ ડિગ્રીએ નોંધાયું હતું. પરંતુ ભેજના પ્રમાણમાં સતત થઇ રહેલાં ઘટાડાના લીધે ઉકળાટ તેમજ ગરમીથી લોકો ત્રસ્ત થઇ ગયા હતા. જ્યારે વહેલી સવારથી જ ગરમીએ જોર પક્ડયું હોય તેમ તાપમાનના પારામાં સતત વધારો નોંધાઇ રહ્યો હતો. દર ત્રણ કલાકે તાપમાનના પારામાં જે પ્રકારે વધારો નોંધાયો તેના પગલે દિવસે પણ આકરી ગરમીમાં નગરજનો અકળાઇ ગયા હતા. તો બીજી તરફ લઘુત્તમ તાપમાનના પારામાં ઘટાડો નોંધાતાં વહેલી સવારે ઠંડકનો અહેસાસ નગરજનોને થયો હતો પરંતુ સમગ્ર દિવસ દરમિયાન અસહ્ય ગરમીથી ત્રસ્ત પણ થયાં હતાં. તો દિવસ દરમ્યાન દસ કીમીની ઝડપે ગરમ પવનો ફુંકાતાં નગરજનોને લૂનો સામનો કરવો પડયો હતો. છેલ્લા બે દિવસથી ગાંધીનગર શહેર જાણે અગનભઠ્ઠીમાં શેકાયું હોય તે પ્રકારે વાતાવરણનો અનુભવ કરતાં નગરજનો પણ દિવસ દરમ્યાન બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે વધતી જતી ગરમીની અસર શહેરના જનજીવન ઉપર પણ જોવા મળતી હોય તેમ દિવસ દરમ્યાન માર્ગો પણ સુમસામ જોવા મળી રહ્યાં છે.

ગાંધીનગરમાં પખવાડીયાથી પારો ૪૧ ડિગ્રીથી નીચે ઉતર્યો જ નથી
વૈશાખ માસના મધ્યથી ગરમીએ રૌદ્ર સ્વરૃપ ધારણ કર્યું હોય તેમ સતત ગરમીના પારામાં પણ વધારો નોંધાઈ રહયો છે. જેની અસર જનજીવન ઉપર પણ જોવા મળી રહી છે. ત્યારે રાજયના પાટનગરમાં પણ છેલ્લા પંદર દિવસથી મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીની ઉપર નોંધાઈ રહયો છે.
તો બીજી તરફ ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં આવેલા વંટોળની અસર પણ શહેર ઉપર જોવા મળી હોય તેમ દિવસ દરમ્યાન છ થી દસ કીમીની ઝડપે ગરમ પવનો ફુંકાઈ રહયા છે.
આમ નગરજનો પણ છેલ્લા પંદર દિવસથી અસહય ગરમીનો સામનો કરી રહયા છે તો ભેજના પ્રમાણમાં સતત થઈ રહેલા ઘટાડાના પગલે ઉકળાટ ભર્યા વાતાવરણથી પણ ત્રસ્ત થયા છે. પરંતુ છેલ્લા પંદર દિવસથી ગરમીનો પારો ૪૧ ડિગ્રીથી નીચે નહીં ઉતરતાં ઉકળાટની સાથેસાથે કાળઝાળ ગરમી અનુભવી રહયા છે.

Previous articleગરમીથી પ૦ દિવસમાં ૭પ૩ નાગરિકોને અસર : ૧૪૬ થી વધુને ચકકર આવ્યા
Next articleબાંભણીયા બ્લડ બેંક દ્વારા શક્તિસિંહ ગોહિલનું સન્માન