નવનિર્મિત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન ભવનનું ઉદઘાટન

903
gandhi2792017-4.jpg

ગુજરાતના યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા વિકસે અને ધંધા રોજગાર દ્વારા સ્વરોજગારી ક્ષેત્રે વધુ ફળદાયી પરિણામો મળે તેવા કાર્યક્રમોને રાજય સરકારે પ્રાધાન્ય આપ્યું છે. ગ્રામીણ વિસ્તારના યુવક-યુવતીઓ સ્વરોજગારની તાલીમ મેળવી સ્વતંત્ર વ્યવસાય દ્વારા પગભર બને તે માટે બેન્ક ઓફ બરોડાની વડોદરા સ્વરોજગાર વિકાસ સંસ્થાન, ગાંધીનગર સુંદર કાર્ય કરી રહી છે. 
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ખાતે રૂપિયા દોઢ કરોડના ખર્ચે નવનિર્મિત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન ભવનનું ઉદઘાટન કર્યા બાદ નાયબ મુખ્ય મંત્રી  નીતિનભાઇ પટેલે ૨૫ લાભાર્થીઓ સ્વરોજગાર માટે લોન-સહાય ચેકનું વિતરણ કર્યા બાદ જણાવ્યું હતું કે, વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં સખી મંડળોની રચના કરીને ગ્રામીણ મહિલાઓ ઘર આંગણે રોજગારી મેળવે તેની શરૂઆત કરી હતી. તેના ફળદાયી પરિણામો પ્રાપ્ત થયાં છે. ગુજરાતની લાખો મહિલાઓ કૃષિ-પશુપાલનની સાથેસાથે વિવિધ ધંધા-રોજગારની તાલીમ મેળવીને ઘર આંગણે રોજગારી મેળવીને વધુ સક્ષમ બની છે. 
મુંબઇના બેંક ઓફ બરોડાના કાર્યકારી નિર્દશક મયંક મહેતાએ જણાવ્યું હતું કે, બેંક ઓફ બરોડાની ૫૪૦૦ શાખાઓ કાર્યરત છે. રૂ.૧૦ હજાર કરોડથી વધુ ભંડોળ ધરાવતી આ બેંકની ૨૪ દેશોમાં શાખાઓ કાર્યરત છે. બેંક ૫૮૭ જેટલી બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનો ધરાવે છે. ગુજરાતમાં ૨૮ સંસ્થાઓ દ્વારા ૩ લાખથી વધુ યુવા સાહસિકોને વિવિધ તાલીમ આપીને બે લાખ જેટલા યુવાનોને સ્વરોજગારી આપીને આર્થિક રીતે પગભર કર્યા છે. 
અમદાવાદ ઝોનના જનરલ મેનેજર જયેશ મહેતાએ જણાવ્યું હતું કે, રૂરલ ડેવલપમેન્ટના ભારત સરકારના સહયોગથી સ્વરોજગારના સર્જનનું કામ આ સંસ્થા કરે છે. મહિલા અને યુવાનોને વિવિધ ૬૫ જેટલા વિવિધ વ્યવસાયોની તાલીમ સહિત રહેવા-જમવાની નિશુલ્ક વ્યવસ્થા દ્વારા સ્વરોજગાર ક્ષેત્રે કારકિર્દી ઘડતરનું કામ ગ્રામીણ યુવાનોના વિકાસ માટે આ સંસ્થા કાર્યો કરે છે.
આ પ્રસંગે નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનના વિવિધ તાલીમ વર્ગોની મુલાકાત પણ લીધી હતી.  
ગાંધીનગરના રીજીયોનલ મેનેજર રાજેશ મોહન સક્સેનાએ આભારવિધી કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય  અશોકભાઇ પટેલ, જિલ્લા કલેકટર સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી દેવાંગ દેસાઇ, આરએસઇટી-ગાંધીનગરના ડાયરેકટર જી. જે. ચૌહાણ સહિત રૂપાલ અને આસપાસના ગામના ગ્રામજનો વિશાળ સંખ્યાં ઉપસ્થિત રહ્યાં હતાં