આજે રૂપાલની પરંપરાગત અને ભવ્ય પલ્લી

1290
gandhi3092017-5.jpg

રૂપાલ ગામે પાંચ હજાર વર્ષોની પરંપરા આજે પણ યથાવત્‌ છે. પાંડવકાળથી ચાલી આવતી ધાર્મિક પરંપરા મુજબ આજે રાત્રે આસો સુદ નોમના દિવસે માતાજીની પલ્લી ભરાશે. ૨૯મીએ રાત્રે વરદાયની માતાજીનો પલ્લી મેળામાં ૪ લાખ કિલો ઘીનો પલ્લીમાં અભિષેક થવાની ધારણા રખાઇ છે. રાત્રીના ૧૨ વાગ્યા બાદ કોઇ પણ સમયે પલ્લીનો રથ ગામમાં નિકળશે. આખા ગામમાં ઘીની નદી વહેવા જેવા દશ્યો સર્જાશે. પલ્લી મેળામાં ૧૦ લાખથી વધારે ભાવિકો ભાગ લેશે. મેળા દરમિયાન વ્યવસ્થા અને સલામતીને લઇને ગાંધીનગર પોલીસ દ્વારા ૬૦૦ પોલીસ ફાળવવામાં આવ્યા છે. તેમજ દર્શને આવતાં લાખો લોકોને તકલીફ પડે તે માટે સ્વચ્છતા, આરોગ્ય, વીજળી અને પીવાના પાણી સહિત સુવિધાઓ ઉભી કરાઇ છે. 
વરદાયિની માતાજી મંદિરના મેનેજર અરવિંદભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મહાભારત કાળમાં શરૂ થયેલો વરદાયીની માતાજીનો પલ્લી મહોત્સવ આજે દેશ અને દુનિયામાં જાણીતો બન્યો છે. ખીજડાના વૃક્ષમાંથી પલ્લી બનાવવાનો રીવાજ પરંપરાગત ચાલી આવ્યો છે. ચાવડા ભાઇઓ ઉઘાડી તલવારે હાથમાં ખીચડાની છાબ લઇને પલ્લી પાસે આવે છે. ત્યારબાદ બાંધણી ભાઇઓ શ્રીફળ, હાર, ઘી તથા અખંડ જ્યોત કે જેનાથી પલ્લી પ્રગટ કરવાની હોય છે, તે જ્યોત અને આરતી તથા પૂજાપાની થાળી સાથે હાજર થાય છે. શુકલભાઇઓ માની પુજા કરાવે છે. પલ્લીને મીંઢળ બાંધીને સપ્તપદી કરવામાં આવે છે. પૂજન અર્ચન બાદ માનો પ્રસાદ તથા ચાવડા ભાઇઓની છાબમાંથી પલ્લી વચ્ચે મુકવામાં આવે છે. ત્યાર બાદ પટેલભાઇઓ પલ્લીની જ્યોત પ્રગટાવે છે અને નવરત્ન દિવડાથી પલ્લીની આરતી ઉતારાય છે. પલ્લી ૨૭ ચોકઠા પસાર કરે છે અને હજ્જારો મણ ઘીનો અભિષેક પલ્લીરથ ઉપર કરવામાં આવે છે. 
જાણકારોના જણાવ્યા અનુસારક પાંડવોએ અહીં અજ્ઞાતવાસ કર્યો હતો. નવરાત્રીની ઉપાસના માટે આઠમે તેઓ દ્વારા વરદાયીની માની સોનાની પલ્લી બનાવવવામાં આવી હતી અને શુદ્ધ ઘીથી અભિષેક કર્યો હતો. ત્યારથી પરંપરા ચાલી આવે છે. 
પલ્લીમેળામાં ઘીના અભિષેક બાદ જમીન પર ઢોળાતુ ઘી ગરીબ પરિવારો લઇ જાય છે. પરંતુ કલેક્ટર તંત્ર દ્વારા ઘીનો પ્રતિકાત્મક અભિષેક કરીને મંદિરમાં નાણા ફાળા સ્વરૂપે નોંધાવી દેવા અપિલ કરવામાં આવી છે. પલ્લીના મેળા માટે ગાંધીનગર જિલ્લાના ચારે તાલુકામાંથી ૩૦ બસો ફાળવવામાં આવી છે. જેમાં કલોલ, માણસા અને ગાંધીનગર ડેપોમાંથી વધુ એસટી બસ રૂપાલ માટે ફાળવાઇ છે અને વધારે ટ્રીપોનું આયોજન કરાયુ છે. 

Previous articleરાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચની બેઠક
Next articleસ્ટ્રેસ મેનેજમેન્ટ વર્કશોપ, શિક્ષણમંત્રીએ અટલ ટિંકરીંગ લેબનું ઉદઘાટન કર્યુ