પશુપાલન, ડેરી અને ફીશરીઝ વિભાગ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર હેઠળ અમલીકરણ થઈ રહેલ ‘નેશનલ લાઈવસ્ટોક મિશન’ યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૪-૧૫ થી અત્યાર સુધીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા, દિલ્હી, મધ્યપ્રદેશ, દમણ અને દીવ તથા દાદરા અને નગર હેવેલી દ્વારા થયેલ કામગીરીની સમીક્ષા તેમજ અમલીકરણના આગામી આયોજન અંગેની એક બેઠક આજે ગાંધીનગર ખાતે કેન્દીય પશુપાલન, ડેરી અને ફિશરીઝ સચિવ દેવેન્દ્ર ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઇ હતી.
આ ઉપરાંત સચિવ દેવેન્દ્ર ચૌધરીએ આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા-ચૌધરી ખાતે યોજાયેલ “પશુ સારવાર કેમ્પ”, “મહિલા પશુપાલન શિબિર” અને “સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા અભિયાન” કાર્યક્રમમાં પ્રેરક હાજરી આપી કામગીરીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ત્યાર બાદ ‘નેશનલ લાઈવસ્ટોક મિશન’ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં થયેલ કામગીરીનું સ્થળ પર પ્રત્યક્ષ નિરીક્ષણ અને લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરી યોજનાથી થયેલ લાભ અંગેની વિગતો મેળવી હતી.
આ બેઠકમાં ભારત સરકારના નેશનલ લાઈવસ્ટોક મિશનના સંયુક્ત સચિવ ડૉ.ઓ.પી.ચૌધરી, અન્ય રાજ્યોના પશુપાલન વિભાગના અધિકારીઓ, ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગના સચિવ ડૉ. એસ. મુરલીક્રિશ્ના અને પશુપાલન નિયામક ડૉ. એ. જે. કાછીયા પટેલ તથા કેન્દ્ર-ગુજરાતના પશુપાલન વિભાગ અને નાબાર્ડ, અમદાવાદના અધિકારીઓ હાજર રહ્યા.