શિક્ષણ વિભાગ દ્વારા રાજયના પ્રાથમિક શાળા થી કોલેજ સુધી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ગુજરાતના વિવિધ પ્રાંતોની વિવિધ જાણકારી મેળવે તેવા ઉમદા આશયથી ગુજરાત ક્વીઝ-૨૦૧૭નું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુજરાત ક્વિઝ-૨૦૧૭ નો સમાપન સમારંભ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. 
આજનું બાળક આવતીકાલનું ભવિષ્યત છે, તેવું કહી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, જ્ઞાનની સદીમાં ભારતના વિદ્યાર્થીઓના જ્ઞાનના વિકાસ માટે પુસ્તકનું જ્ઞાન પુરતું નથી, વિદ્યાર્થી પાસે સામાન્ય જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થી જે વિસ્તારમાં રહેતો હોય તેની આસપાસના વિવિધ પ્રાન્તની ધાર્મિક, ઐતિહાસિક, ભૌગોલિક અને અન્ય રસપ્રદ વાતોથી વાકેફ થાય તેવા ઉમદા આશયથી ગુજરાત ક્વિઝ-૨૦૧૭નો આરંભ રાજયભરમાં ૧૫મી ઓગષ્ટથી કરવામાં આવ્યો હતો. 
રાજય સરકાર શિક્ષણ માટે સારું વાતાવરણ આપવા કટિબદ્ધ છે. શ્રેષ્ઠં વાતાવરણ થકી વિદ્યાર્થીમાં સારા વિચારો આવશે, તે કંઇક કરવા પ્રેરાશે. તેમણે શાળામાં અભ્યાસ કરીને આવતાં બાળકને તે અભ્યાસ વાલીઓ દ્વારા ઘરે પુનરાવર્તન કરાવવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું. 
સ્વાગત પ્રવચનમાં માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે.શાહે જણાવ્યું હતું કે, સમગ્ર રાજયમાં પ્રાથમિક, માધ્યામિક  -ઉચ્ચત્તર માધ્યનમિક અને કોલેજ કક્ષાએ ગુજરાત ક્વિઝ-૨૦૧૭નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૩ લાખ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં કોલેજ કક્ષાએ ૧૬,૮૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા તાલુકા, જિલ્લા, ઝોન કક્ષાએ અને અંતે રાજય કક્ષાએ યોજાઇ હતી. 
રાજય કક્ષાની સ્પર્ધા અંતર્ગત કોલેજ કક્ષાની સ્પર્ધામાં અમદાવાદનો યુવાન ઓમ શાહ વિજેતા બન્યો હતો. તે ઉપરાંત ધોરણ- ૯ થી ૧૨ ની સ્પર્ધામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની પૂજાબા જાડેજા અને ધોરણ- ૬ થી ૮ ની સ્પર્ધામાં પોરબંદર જિલ્લાના મન કલસાગરા વિજેતા થયા હતા. રાજય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય કક્ષાએ વિજેતા બનેલા વિદ્યાર્થીઓને અનુક્રમે રાજય સરકાર દ્વારા રૂપિયા ૨૫ હજાર, ૧૧ હજાર અને ૭૫૦૦ રૂપિયાનું રોકણ પુરસ્કાર આપવામાં આવ્યું હતું. રાજય કક્ષાની સ્પર્ધામાં એક થી ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને મંત્રી અને મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. 
આ પ્રસંગે ગુજરાત રાજય પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન નીતિનભાઇ પેથાણી, શિક્ષણના અગ્ર સચિવ સુનયના તોમર, ગુજરાત માધ્યનમિક શિક્ષણ બોર્ડના સચિવ આર.આઇ.પટેલ, ડેપ્યુટી ચેરમેન આર.આર.ઠક્કર, ઉચ્ચશિક્ષણના નિયામક કે.બી. ઉપાધ્યાય, પ્રાથમિક શિક્ષણના નિયામક એમ. આઇ. જોષી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
 
			 
		



















