અહીંનાં લોકોમાં સચ્ચાઈ અને ઇમાનદારી છે

796
gandhi5102017-3.jpg

ભારત એક મહાન દેશ છે અને અહીંનાં લોકોમાં સચ્ચાઈ અને ઇમાનદારી જોવા મળે છે.
બર્માથી ભારતની મુલાકાતે આવેલા પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના સ્વયંસેવકોએ આ શબ્દોનું ઉચ્ચારણ ગાંધીનગર ખાતે કર્યું હતું. બર્માથી ૪૩ ભાવકો ગત ૨૯ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર બ્રહ્માકુમારીઝની મુલાકાતે આવ્યા હતા, જેઓ ૩ ઑક્ટોબર સુધી અહીં રોકાયા હતા. ગાંધીનગરથી વિદાય લઈ માઉન્ટ આબુ જતી વેળાએ તેમણે અહીંનાં લોકોને સાચા અને ઇમાનદાર ગણાવ્યાં હતાં અને ઉમેર્યું હતું કે અહીંના લોકોના વિચારોમાં આધ્યાત્મિકતા વધુ છે અને અહીં લોકો પારિવારિક ભાવનાથી એકમેક સાથે રહે છે. અહીંનાં લોકો વિનમ્ર છે, એમની મહેમાનગતિ વખાણવાલાયક છે અને તેઓ તહેવારો ખૂબ ધામધૂમથી ઉજવે છે એવો મત તેમણે વ્યક્ત કર્યો હતો.
પોતે બર્માથી આવ્યા હોવાથી અને અહીંનાં લોકો મુખ્યત્વે હિન્દી ભાષા સમજતાં હોવાથી વ્યવહારમાં ખાસ તકલીફ નથી પડતી એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે ભારત અને બર્મામાં મુખ્ય ફરક હોય તો તે એ છે કે જાહેર જીવનના ક્ષેત્રમાં બર્મામાં મહિલાઓ ભારતની મહિલાઓ કરતાં વધુ સક્રિય છે. 
બર્મામાં બ્રહ્માકુમારીઝના વ્યાપ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અહીં બ્રહ્માકુમારીઝની પ્રવૃત્તિઓની શરૂઆત ૧૮ વર્ષ પહેલાં થઈ હતી. આજે બ્રહ્માકુમારીઝ દ્વારા સંચાલિત ૪૦ જેટલી પાઠશાળાઓ બર્મામાં કાર્યરત છે અને ૨૦૦ જેટલા સ્વયંસેવકો ઇશ્વરીય ફરજ અદા કરી રહ્યા છે. ગાંધીનગરના રોકાણ દરમિયાન આ ભાવકોએ નેચર પાર્ક, અક્ષરધામ, પાર્ટી પ્લૉટના ગરબા, અડાલજની વાવ, ગાંધી આશ્રમ, કાંકરિયા અને વૈષ્ણોદેવી મંદિરની મુલાકાત લીધી હતી અને પોતાની ગાંધીનગરની મુલાકાતને યાદગાર ગણાવી હતી.