ચીકનગુનિયા રોગે ભરડો લેતા ત્રાહિમામ પોકારી ઉઠતા લોકો

774
bhav9102017-3.jpg

સમગ્ર ભાવનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં મચ્છરોના ભારે ત્રાસને કારણે ચીકનગુનિયાનો રોગ લતે લતે ફેલાતા આ રોગના કારણે લોકો અપંગતા જેવી સ્થિતિ ભોગવી રહ્યાં છે. સર ટી. હોસ્પિટલ અને ખાનગી દવાખાનાઓમાં પણ આવા રોગના દર્દીઓ ઉભરાય રહ્યાં છે.ચીકનગુનિયાનો રોગ શહેરમાં પ્રસરતા લોકો આવા રોગથી ત્રાહિમામ પોકારી ઉઠ્ય છે. ખાસ કરીને આ રોગનો વધુ ઉપદ્રવ પછાત સ્લમ વિસ્તારોમાં જોવા મળે છે. શહેરમાં કરચલીયાપરા, કુંભારવાડા, ઉત્તર કૃષ્ણનગર, ખેડૂતવાસ, આડોડીયાવાસ અને અન્ય વિસ્તારોમાં આ રોગચાળાએ ભરડો લીધો છે. આવા ચીકનગુનિયાના રોગ અંગે છેક ગાંધીનગર સુધી જાણ થતા ગાંધીનગરથી આરોગ્ય વિભાગના કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણ ભાવનગરની મુલાકાતે આવીને આ રોગને તાત્કાલિક કાબુમાં લેવા તંત્રને જરૂરી સલાહ સુચનો કર્યા છે. ભાવનગર મહાપાલિકાના ૧૩ વોર્ડ વિસ્તારોના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર આવા રોગના ભોગ બનેલા લોકો દવાઓ લેવા ભારે ગીર્દીઓ પણ થાય છે. શહેરમાં આવા ચીકનગુનિયા રોગ સામે ઉકાળા અને અન્ય દેશી દવાઓની પણ સારવાર તંત્ર દ્વારા અપાય રહી છે. ભાવનગર શહેરમાં ખુદ જિલ્લા વિકાસ અધિકારી અને મહાપાલિકાના કેટલાક નગરસેવકોને પણ આ ચીકનગુનિયાના રોગની અસરો ઉભી થયાના વાવડો મળે છે. ભાવનગર મહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ફોગીંગ મશીનો દ્વારા લતે લતે ધુમાડો કરીને ઝેરી મચ્છરોને નાથવા પ્રયાસો થઈ રહ્યાં છે. પરંતુ આવા પ્રયોગો પછી પણ ચીકનગુનિયાના આ રોગની પણ અસરો ઘટવાને બદલે વધી રહી છે. મહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ર૦ જેટલા આવા ફોગીંગ મશીનો દ્વારા નગરના જુદા જુદા વિસ્તારોમાં મચ્છરોને દુર કરવા ધુમાડાના કાર્યક્રમો થઈ રહ્યાં છે પરંતુ કામયાબ નિવડતા નથી તેમ લોકો કહી રહ્યાં છે. આવા ચીકનગુનિયાના રોગને નાથવા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ક્ષેત્રે સઘન પગલાઓ લેવાની જરૂર હોવાનું લોકો કહી રહ્યાં છે.

Previous article ક્ષેત્રિય પ્રચાર કાર્યાલય ભાવનગર દ્વારા અમદાવાદમાં હસ્તકલા સહયોગ શિબિર
Next article રોડના કામમાં ભ્રષ્ટાચારથી લોકોમાં રોષ