શિશુવિહાર ખાતે રવિવારે ર૬મો સ્વસ્થ વૃધ્ધત્વ સન્માન સમારોહ

667
bvn28102017-13.jpg

ભાવનગરના સદગૃહસ્થ ન્યાલચંદભાઈ વકીલની સ્મૃતિમાં આગામી તારીખ ર૯ રવિવારે સ્વસ્થ વૃધ્ધજન સન્માન સમારંભ યોજાશે. ૭૦-૭પ વર્ષે પણ શરીરથી સ્વસ્થ અને મનથી જાગૃત રહેનાર વડીલો નવી પેઢીના પ્રતિનિધિઓ સાથે સમન્વય રચી શકે તેવા ઉદ્દેશથી પ્રારંભાયેલ વડીલ વંદના કાર્યક્રમમાં શહેરના ર૦૦થી વધુ વૃધ્ધો ભાગ લેનાર છે. જેઓને શિશુવિહાર સંસ્થા તરફથી વોકિંગ સ્ટિક, શોલ્ડર બેગ તથા જીવન ઉપયોગી સાહિત્ય ભેટ સ્વરૂપે આપવામાં આવનાર છે.
આ પ્રસંગે વિદ્યાનિધિ ટ્રસ્ટ, ચેન્નઈ તથા અમદાવાદના સાધ્વી સ્વામિની સુલભાનંદાજી વડીલોને પ્રેરક માર્ગદર્શન આપશે. ઉપરાંત ૯૩ વર્ષે પણ સ્વસ્થ જીવનનું ઉત્તમ ઉદાહરણરૂપ બનનાર ભાવનગરના કલાગુરૂ ધરમશીભાઈ શાહના વરદ હસ્તે શહેરના ૭પ વર્ષથી વધુ વય ધરાવતા સંગીતકાર વાયોલિન વાદક હરિહરભાઈ કાપડી, સુગમ ગીતોના સરતાજ મહમદભાઈ દેખૈયા, સુરીલી સાંજ દ્વારા લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં ભાવનગરને રોશન કરનાર રાજેશભાઈ વૈશ્નવ, શાસ્ત્રીય ગાયન દ્વારા શહેરનો સંગીત વારસો વિસ્તારનાર દક્ષાબહેન મહેતા તથા મધુકરભાઈ ઉપાધ્યાય તેમજ શિશુવિહાર સંગીત શાળામાં નૃત્ય નાટિકાઓ ભજવી આઝાદીના કાળમાં લોકજાગૃતિ ફેલાવનાર હીનાબહેન વ્હોરાનું વિશેષ અભિવાદન કરવામાં આવશે.
ભાવનગર વૃધ્ધાશ્રમના સ્થાપક માનભાઈના વિચારોને જીવંત રાખતા શિશુવિહાર સંસ્થા દ્વારા યોજાતા વડીલ વંદના કાર્યક્રમ દ્વારા વડીલો પોતાના જીવનમાં હકારાત્મક રહે તેવી ભાવનાથી તૈયાર કરેલ કાર્યક્રમનું નિમંત્રણ અને સન્માનિતોની સંક્ષિપ્ત જીવન ગુજરાતના તમામ વૃધ્ધાશ્રમો અને પુસ્તકાલયોમાં પહોંચાડીને ભાવનગરે એક આગવું ઉદાહરણ રજૂ કર્યું છે. શિશુવિહારના પ્રાંગણમાં રવિવારે સવારે ૧૦-૩૦એ યોજાનાર વૃધ્ધજન સન્માન સમારંભમાં ઉપસ્થિત રહેવા જણાવાયું છે.