સરકારે ૯પ૪ પ્રતિમણ મગફળી અને ૯૦૦ પ્રતિમણ ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરી

860
gandhi29102017-4.jpg

રાજય સરકારે કપાસ તેમજ મગફળીનુ ટેકાના ભાવે ખરીદવાનું શરુ કર્યું હોવાની વિગતો આપતાં કૃષિ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી સંજય પ્રસાદે જણાવ્યું હતું કે આ વખતે ૪ર લાખ ટન કપાસ તેમજ ૩ર લાખ ટન મગફળી થવાના અંદાજ સામે સરકારે બંન્ને પેદાશોને ટેકાના ભાવે ખરીદવાનું શરૂ કર્યું છે.
જેમાં મગફળી માટે રાજયમાં ૧ર૩ સેન્ટરો જયારે કપાસ માટે હાલ ૪૦ સેન્ટરો પરથી ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં ર૯૭પ મે. ટન એટલે કે ૧,૪૮,૭૭પ મણ મગફળી ખરીદવામાં આવી છે જેની અંદાજીત કિંમત ૧૧૩૮ લાખ થવા જાય છે. મગફળીના કુલ ૧૭૬૪ ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવી છે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યુ હતું કે ટેકાનો ભાવ હાલ રૂ. ૪ર૭૦ પ્રતિ ક્વિન્ટલ એટલે કે ૮પ૪ રૂ. પ્રતિ મણ છે. જેમાં રાજય સરકારે પ૦૦ રૂપિયા બોનસ આપતા મણના રૂ. ૯પ૪ ના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. એ જ પ્રમાણે કપાસમાં ટેકનો ભાવ રૂ. ૪૪પ૦ પ્રતિ ક્વિટલ એટલે કે રૂ. ૮૯૦ પ્રતિ મણનો છે જેમાં રૂ. પ૦ પ્રતિ ક્વિન્ટલ ઉમેરતા મણના રૂ. ૯૦૦ પ્રમાણે ખરીદવામાં આવે છે. 
વધુમાં વિગતો આપતા જણાવ્યું હતુ કે, મગફળી નાફેડ દ્વારા ખરીદવામાં આવે છે. જેમાં ખેડૂતના ૭/૧ર, ૮(અ)ના આધાર કાર્ડ સાથે રજીસ્ટ્રેશન ઓનલાઈન તેમજ ઓફલાઈન કરવામાં આવે છે. અને એક ખેડૂત પાસેથી એક દિવસમાં રપ૦૦ કિ. ગ્રા. મગફળી ખરીદાય છે. જેના નાણા ખેડૂતના ખાતામાં સીધા ત્રણેક દિવસમાં જમા કરી દેવામાં આવે છે. જયારે કપાસની ખરીદી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે. ૪૦ કેન્દ્રો સિવાય જરૂર પડે તો બીજા ર૦ કેન્દ્રો પણ ખોલવાની તૈયારી સરકારે કરી છે. કપાસ માટે સરકારે રપ૦ કરોડની ફાળવણી કરી છે. મગફળી માટે રિવોલ્વીંગ ફંડ તરીકે ર૦૦ કરોડ રૂપિયાની ફાળવણી સરકારે કરેલી છે. 
રાજકોટમાં મગફળી ખરીદવામાં થયેલી મુશ્કેલીઓ અંગે તેમને પુછતાં જણાવ્યું હતું કે, રાજકોટમાં બે એપીએમસી છે, જેમાં જુની એપીએમસીમાં ખરીદ કેન્દ્ર આવેલું હતું. જયારે નવા એપીએમસી ખાતે ખરીદ કેન્દ્ર ન હતું. જેને આજથી શરૂ કરી રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. અને સોમવારથી બેડી ખાતેના એપીએમસીમાં પણ ખરીદી શરૂ કરી દેવાની સૂચના આપી દેવામાં આવી છે. જેથી કરીને ખેડૂતોને મુશ્કેલી ન પડે.