હાર્દિક પટેલ કિંગમેકર તરીકે ઉભરવા તૈયાર હોવાની ચર્ચા

709
gandhi30102017-1.jpg

પાટીદાર સમુદાયના લોકોને ક્વોટા આપવાને લઇને પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટીને અલ્ટીમેટમ આપ્યા બાદ કોંગ્રેસની દુવિધા પણ વધી ગઇ છે. કારણ કે, ઓબીસી નેતા અલ્પેશ ઠાકુર પહેલાથી જ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઇ ચુક્યા છે અને અલ્પેશ ઠાકોરે સ્પષ્ટપણે ઓબીસી ક્વોટામાં કોઇ ચેડાનો વિરોધ કર્યો છે. ભાજપ સરકારે પાટીદાર સમુદાય તરફથી જોરદાર દબાણ બાદ ઇબીસી હેઠળ ૧૦ ટકા ક્વોટા આપવાનો નિર્ણય કર્યા બાદ આને લઇને પણ ભારે હોબાળો થયો હતો. મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. આખરે ગુજરાત હાઈકોર્ટે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ભાજપ સરકાર દ્વારા ઇબીસી હેઠળ પાટીદારોને આપવામાં આવેલા ૧૦ ટકા ક્વોટાને રદ કરી દીધો હતો. ભાજપ સરકારે તે વખતે તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નેતૃત્વમાં પાટીદારોને ૧૦ ટકા ક્વોટા આપ્યો હતો. આ મામલો ઓબીસી ક્વોટાની સમીક્ષાના પાસાને લઇને સુપ્રીમ કોર્ટમાં હજુ પણ પેન્ડિંગ છે. આશરે ૨૫ વર્ષથી ઓબીસી ક્વોટાની જોગવાઈને લઇને દુવિધાઓ દૂર થઇ શકી નથી. ઉચ્ચ જાતિના લોકોને બંધારણીય સુધારા મારફતે જ અનામત આપી શકાય છે. બંધારણીય નિષ્ણાતો નક્કરપણે માને છે કે, હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટીને ઓબીસી ક્વોટાને લઇને અલ્ટીમેટમ આપીને સ્થિતિ વધુ જટિલ બનાવી દીધી છે. કારણ કે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે ઓબીસી યાદીમાં પાટીદારોના સમાવેશને લઇને જોરદાર વાંધો ઉઠાવ્યો છે. આવી સ્થિતિમાં આ ક્વોટા હેઠળ પાટીદારોને સામેલ કરવા કોંગ્રેસ માટે અશક્ય સ્થિતિ સર્જાઈ છે. હાર્દિક પટેલે આપેલા અલ્ટીમેટમ મુજબ જો કોંગ્રેસ તરફથી ત્રીજી નવેમ્બર સુધી સંતોષજનક જવાબ નહીં મળે તો તે અન્ય કોઇ પાર્ટીને સમર્થન આપવાની વાત પણ કરી શકે છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પ્રત્યે સમર્થનને લઇને પણ નિષ્ણાતોમાં ચર્ચા છે. એમ પણ માનવામાં આવે છે કે, હાર્દિક પટેલ એનસીપીના નેતા પ્રફુલ પટેલ અને રાજ્ય પાર્ટીના પ્રમુખ જયંત પટેલના સંપર્કમાં છે. હાર્દિકની એન્ટ્રી આવી સ્થિતિમાં જંગી અંતર સર્જી શકે છે. હાર્દિક પટેલના નજીકના લોકોનું કહેવું છે કે, જો કોંગ્રેસ પાર્ટી પાટીદારોને ઓબીસી ક્વોટા આપવા અંગે વલણ સ્પષ્ટ કરવામાં નિષ્ફળ રહેશે તો અમે એનસીપી નેતાઓ સાથે વાતચીત કરીશું. હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટીને ક્વોટાને લઇને અલ્ટીમેટમ આપ્યા બાદ કેટલાક નવા વિકલ્પો ઉભરી રહ્યા છે. હાર્દિક પટેલ પાસે પણ વધારે સમય નહીં હોવાથી તે પણ કોઇ નવા વિકલ્પ ઉપર આગળ વધી શકે છે. હાર્દિકે પહેલાથી જ કહ્યું છ ેકે, જો કોંગ્રેસ નક્કર ખાતરી નહીં આપે તો તેના ચૂંટણી પ્રચારમાં ખલેલ પહોંચાડવામાં આવશે.