દાનસંગ મોરી કેસમાં જીતુ વાઘાણી સંડોવાયેલા નથી : મંત્રી જસાભાઈ

824
bvn30102017-11.jpg

બુધેલ ગામના પૂર્વ સરપંચ અને કારડીયા રાજપૂત સમાજના આગેવાન એવા દાનસંગભાઈ મોરી સામે થયેલા કેસોમાં છ માસની સજા થયા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે આક્ષેપો કરી ભાવનગર સહિત રાજ્યભરમાં રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવી રહેલા આંદોલનના પગલે આજે રાજ્યના મંત્રી અને કારડીયા રાજપૂત સમાજના આગેવાન એવા જસાભાઈ બારડે સરોવર પોર્ટીકો હોટલ ખાતે જીતુભાઈ વાઘાણીને નિર્દોષ હોવાનું કહેવા પત્રકાર પરિષદ બોલાવી હતી પરંતુ ત્યાં રાજપૂત સમાજના કેટલાક લોકોએ આવીને મંત્રી જસાભાઈ બારડનો ઘેરાવ કર્યો હતો અને સુત્રોચ્ચાર કર્યા હતા.
બુધેલના સરપંચ દાનસંગભાઈ મોરી સામે રસ્તા રોકો આંદોલનના કેસ થયેલ અને સસ્પેન્ડ થયા ત્યારબાદ એક અકસ્માત કેસ થયો. જેમાં કોર્ટે છ માસની સજા કરી હતી. તેમાં અમારી દ્રષ્ટિએ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ક્યાંય સંડોવાયેલા નથી તેવી સ્પષ્ટતા મંત્રી જસાભાઈ બારડે કરી હતી. જીતુભાઈ વાઘાણી સામે આક્ષેપો કરી રાજપૂત સમાજ દ્વારા આંદોલન શરૂ કરાતા તુરંત જ હું દાનસંગભાઈને થયેલા અન્યાયો દુર કરવા તૈયારી બતાવેલ અને દાનસંગભાઈ સાથે સમાધાન બેઠક કરેલ પરંતુ તેમણે એક-બે દિવસ પછી જવાબ આપશે તેમ કહેલ અને પછી હું આગળ વધી ગયો છું તેમ કહી સમાધાનની ના પાડી હોવાનું જણાવેલ તેમ મંત્રી જસાભાઈ બારડે કહ્યું હતું.
પત્રકાર પરિષદ દરમ્યાન રાજપૂત સમાજના કેટલાક લોકો આવી પહોંચ્યા હતા અને મંત્રી બારડનો ઘેરાવ કરી ત્રણ વર્ષથી કેસ ચાલુ હતો ત્યારે કેમ કોઈ સરકારના પ્રતિનિધિ કે સમાજના આગેવાન દેખાયા નહીં તેવા આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવેલ કે ભાજપનો એકપણ નેતા કે સરકારના આગેવાન આવ્યા ન હતા અને ચૂંટણી આવી એટલે પક્ષ અને પ્રમુખને બચાવવા આવ્યા હોવાના આક્ષેપો કરાયા હતા.
ત્યારે જસાભાઈ બારડે આજના દિવસે પણ દાનસંગભાઈને કે રાજપૂત સમાજને કાંઈ મનદુઃખ હશે તો દુર કરવામાં આવશે. અમે પ્રથમ દિવસથી જ પ્રયત્નો શરૂ કર્યા હતા તેમ જણાવ્યું હતું અને પત્રકાર પરિષદ પૂર્ણ કરતા જ રોષે ભરાયેલા રાજપૂત સમાજના લોકોએ ભાજપ અને જીતુ વાઘાણી વિરૂધ્ધ હોટલમાં જ સુત્રોચ્ચાર કરતા બહાર નિકળ્યા હતા અને મંત્રી સહિત જીતુભાઈને નિર્દોષ સાબીત કરવા આવેલા આગેવાનો પણ સમય પારખી નિકળી ગયા હતા.

પત્રકાર પરિષદ સમયસર શરૂ થઈ હોત તો દેકારો ન થયો હોત
જીતુભાઈ વાઘાણીને દાનસંગભાઈ મોરી કેસમાં કાંઈ લેવા-દેવા ન હોવાની સ્પષ્ટતા કરવા માટે મંત્રી જસાભાઈએ ૩-૩૦ કલાકે પત્રકાર પરિષદ બોલાવી હતી જે ૧ કલાક મોડી ૪-૩૦ કલાકે શરૂ થયેલ ત્યાં સુધીમાં રાજપૂત સમાજના લોકો પત્રકાર પરિષદ સ્થળે આવી પહોંચ્યા હતા અને ચાલુ પત્રકાર પરિષદે જ ઘેરાવ કરી દેકાર કર્યો હતો પરંતુ જો સમયસર પત્રકાર પરિષદ શરૂ કરી દેવાઈ હોત તો દેકારો ન થયો હોત તેવું ચર્ચાઈ રહ્યું હતું.

Previous articleહોટલ બહાર સુત્રોચ્ચાર કરાતા પોલીસ કાફલો દોડી આવ્યો…
Next articleમોદી વગર યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણી ભાજપ માટે પડકારરૂપ રહેશે !