સોમનાથ મહાદેવના દર્શન-પૂજા કરી ધ્વજારોહણ કરતા વિજયભાઇ રૂપાણી

970
gandhi16-1-2018-5.jpg

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સોમવારે સવારે દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રથમ એવા સોમનાથ મંદિરમાં શ્રીમતી અંજલિબેન રૂપાણી સાથે પૂજન અર્ચન અને જળાભિષેક કર્યો હતો. વિજયભાઈ મુખ્યમંત્રી તરીકે સતત બીજી વાર રાજ્ય શાસનનું નેતૃત્વ સંભાળ્યા બાદ પ્રથમ વાર ભગવાન સોમનાથના દર્શને મકરસંક્રાંતિ બાદ આજે પહોંચ્યા હતા અને ભક્તિભાવથી દર્શન અર્ચન કર્યા હતા.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના ધર્મપત્નિ શ્રીમતી અંજલીબેન રૂપાણી તેમજ રાજકોટના સંગઠનના આગેવાન શ્રી નીતીનભાઇ ભારદ્વાજ અને માલધારી સમાજના શ્રી વિહાભાઇ કહેલાએ પણ સજોડે સોમનાથ મહાદેવના દર્શન બાદ ધ્વજા પૂજા કરી સોમનાથ દાદાને ધ્વજા ચઢાવી હતી. મુખ્યમંત્રી તરીકે શ્રી વિજયભાઇ રૂપાણી પુનઃ ગુજરાતના વિકાસની ધુરા સંભાળે તે સંકલ્પ પૂર્ણ થયાની મનોકામના સિદ્ધ થતા રાજકોટના આગેવાનો-ભરવાડ સમાજના ભાઇઓ અને બહેનોએ સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
સોમનાથ દાદાની ધ્વજાપૂજા, જલાભિષેક અને સંકલ્પ શ્લોક સાથે મંદિરના મુખ્ય પૂજારી ધનંજય દવે એ સજોડે પૂજાવિધિ કરાવી હતી. આ પૂર્વે સોમનાથ ખાતે મુખ્યમંત્રીએ સરદાર વંદના કરી હતી. સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પહાર કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. મંદિર પરિસરમાં મુખ્યમંત્રીએ ભગવાન કપર્દી વિનાયકના પણ દર્શન કર્યા હતા.
ગીર સોમનાથ જિલ્લા સંગઠન દ્વારા મંદિર પરિસરમાં મુખ્યમંત્રીની સાકરતુલા કરવામાં હતી.સોમનાથ મહાદેવના દર્શન પૂર્વે જિલ્લા ભાજપા પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, જિલ્લા પંચાયતના પ્રમુખ મણીબેન રાઠોડ, વેરાવળ નગરપાલીકા પ્રમુખ જગદીશભાઇ ફોફંડી, ઉપપ્રમુખ જયદેવભાઇ જાની, અગ્રણી મહેન્દ્રભાઇ પીઠીયા, શૈલેન્દ્રસિહ રાડોઠ,  જિલ્લા કલેક્ટર અજય પ્રકાશ, ડી.ડી.ઓ.અશોક શર્મા, સોમનાથ મંદિર ટ્રસ્ટ ટ્રસ્ટી જે.ડી.પરમાર અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ, પૂર્વ મંત્રી મુળુભાઇ બેરા તેમજ રાજકોટના આગેવાન મનીષભાઇ રાડીયા, રઘુભાઇ ધોળકીયા, હિરાભાઇ જોગરાણા તેમજ ગીર સોમનાથ જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  સોમનાથ મંદિરે દર્શન પુજન બાદ સાગરદર્શન વીઆઇપી ગેસ્ટહાઉસ ખાતે વિવિધ સમાજ સંગઠનના આગેવાનો ધ્વારા મૂખ્યમંત્રીઅું સ્વાગત-સન્માન કરવામાં આવ્યુ હતુ. ડેરી મઢના ભુવાઆતા મેરામણઆતાએ મુખ્યમંત્રીને રબારી સમાજની પરંપરાગત પાઘડી પહેરાવી બહુમાન કર્યુ હતુ. 

Previous articleહિંમતનગર સિવીલ હોસ્પિટલના સુપ્રિ.સામે મુખ્યમંત્રી સમક્ષ ફરીયાદ
Next articleમંત્રી મનસુખ માંડવીયાએ પાલિતાણા ખાતે ઉત્તરાયણની કરેલી ઉજવણી