ચાર અલગ-અલગ રેડમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો : મહિલા સહિત ચાર ફરાર

597
bhav2112017-6.jpg

વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ભાવનગર પોલીસે શહેર-જિલ્લામાં ચાલતી દારૂની હેરાફેરી અને વેચાણકર્તાઓ પર તવાઈ બોલાવી છે. ગઈકાલે આઈજી, એસપી, ડીવાયએસપી સહિતનો મસમોટો પોલીસ કાફલો શહેરના આડોડીયાવાસ વિસ્તારમાં દારૂ અંગેની રેડ પાડવા ત્રાટક્યો હતો. જેમાં સામાન્ય દેશી દારૂનો જથ્થો બરામત થયો હતો. જ્યારે આજરોજ આજ આડોડીયાવાસમાં એલસીબી અને ઘોઘારોડ પોલીસે સંયુક્ત રેડ કરી ઈંગ્લીશ દારૂનો મસમોટો જથ્થો ઝડપી લીધો છે પણ રેડ દરમ્યાન એકપણ બુટલેગર હાથ લાગ્યો ન હતો. જેમાં મહિલા સહિત ચાર બુટલેગરો ફરાર થયા છે.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના આડોડીયાવાસ વિસ્તારમાં રહેતા અજય ઉર્ફે ભગત મોહનભાઈ આડોડીયાના રહેણાંકી મકાનમાં એલસીબી અને ઘોઘારોડ પોલીસે સંયુક્ત રેડ કરી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૪૩ કિ.રૂા.૪૪,૭૦૦ની ઝડપી લીધી હતી. જ્યારે બીજી સંયુકત રેડમાં આડોડીયાવાસમાં રહેતા કવિતાબેન ભરતભાઈ આડોડીયાના મકાનમાં રેડ કરી ઈંગ્લીશ દારૂની મોટી બોટલ, ૬૭ નાની બોટલ ૧૩૦ મળી કુલ રૂા.૩૩,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
 તેમજ શહેરના પ્રભુદાસ તળાવ પ્લોટ નં.૬૯/ડીમાં રહેતા મનોજ ઉર્ફે પપ્પુ મનસુખભાઈ સોડીયાના મકાનમાં એલસીબી ટીમે રેડ કરી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૦૭ કિ.રૂા.૬ર,૧૦૦નો દારૂ જપ્ત કર્યો હતો અને આડોડીયાવાસમાં રહેતા પ્રદિપ ઉર્ફે પપ્પુ હર્ષદભાઈ આડોડીયાના રહેણાંકી મકાનમાં રેડ કરી એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂની નાની બોટલ નંગ ૯૪ કિ.રૂા.૯૪૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો છે. પોલીસને અલગ-અલગ ચાર રેડમાં મહિલા સહિત ચારેય બુટલેગર નાસી જવામાં સફળ રહ્યા છે. પોલીસે તમામ વિરૂધ્ધ પ્રોહિ.ની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.