સેક્ટર-૮ સ્થિત આદર્શ નિવાસી કન્યા શાળા ખાતે ત્રિદિવસીય સ્ટ્રેસ મેનેજમેન્ટનો વર્કશોપ યોજાઈ ગયો

1375
gandhi952017-2.jpg

રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગર અને વૈદિક પરિવારની ગાંધીનગર શાખા દ્વારા આદર્શ નિવાસી કન્યા શાળા, સેક્ટર-૮ ખાતે ત્રિદિવસીય સ્ટ્રેસ મેનેજમેન્ટનો વર્કશોપ યોજાઈ ગયો. શાળાની ૧૪પ જેટલી વિદ્યાર્થીનીઓ માટે યોજાયેલા આ વર્કશોપમાં વિષય નિષ્ણાત અને રોટરી ક્લબનાં પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ રાણાએ પ્રશિક્ષણ આપ્યું હતું. જેમાં વૈદિક પરિવારનાં મેનેજીંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ગાંધીએ પણ પ્રાણાયામ, ધ્યાન, આત્મનિરીક્ષણ જેવા વિષયોનું પ્રશિક્ષણ આપી મદદનીશ પ્રશિક્ષક તરીકે સેવાઓ પ્રદાન કરી હતી.
અરવિંદભાઈ રાણાએ કહ્યું હતું કે જ્યાં સુધી તણાવના કારણોને જાણીને તેને દૂર કરી દેવામાં ન આવે ત્યાં સુધી તણાવ રહેવાનો જ છે. હા, પ્રાણાયામ, ધ્યાન, સકારાત્મક વિચારો વગેરેથી થોડી રાહત જરૂર મળે છે પણ તે સમસ્યાનું અંતિમ સમાધાન નથી. તેમણે વિદ્યાર્થી જીવનમાં ઉદ્‌ભવતા તણાવના વિવિધ કારણો ઉપર વિસ્તારથી ચર્ચા કરી તેને દૂર કરવાનાં ઉપાયો સમજાવ્યા હતા. તેમણે તણાવ દૂર કરવા હાર્ડ વર્કની સાથે સ્માર્ટ વર્ક કરવાની પદ્ધતિ શીખવી વિદ્યાર્થીનીઓને સ્માર્ટ વર્ક કરવા પ્રેરણા આપી હતી. ટાઈમ મેનેજમેન્ટ તથા વર્ગ ખંડમાં અભ્યાસ કરવાની પદ્ધતિની સાથે તેમણે અઘરા વિષયોને સરળતાથી સમજવા વિશેષ પ્રકારનું ધ્યાન કરતા શીખવ્યું હતું.
આ શિબિરનો સમાપન સમારોહ સેક્ટર-૧૯ સ્થિત જીમખાનાનાં હોલમાં રાખવામાં આવ્યો હતો. સમાપન સમારોહનો પ્રારંભ વૈદિક યજ્ઞ દ્વારા કરવામાં આવ્યો હતો. 
શાળાની વિદ્યાર્થીનીઓએ સ્વયં યજ્ઞ કાર્ય સંપન્ન કરાવ્યું હતું. ત્યારબાદ શાળાનાં આચાર્યા કુસુમબહેન ચૌહાણ, જગતભાઈ કારાણી, અમીબહેન શાહ, પંડિત શૈલેન્દ્રજી શાસ્ત્રી વગેરેએ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યા હતા. મંચસ્થ મહાનુભાવોનાં વરદ હસ્તે તમામ વિદ્યાર્થીનીઓને વિદ્યાર્થી અને તણાવ પુસ્તક તથા વર્કશોપમાં ભાગ લીધા અંગેનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
સમાપન સમારોહમાં રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરનાં પ્રમુખ બી. કે. ચાવડા, ચાર્ટર પ્રેસિડન્ટ જગતભાઈ કારાણી, પૂર્વ આસી. ગવર્નર  અમીબહેન શાહ, પૂર્વ પ્રમુખ મનોજભાઈ સરૈયા, રોટે. પાર્થભાઈ ઠક્કર, રોટે. જયશ્રીબહેન ખેતીયા, વૈદિક પરિવારનાં મહેન્દ્રભાઈ ગાંધી, કેશરીસિંહ વસાવા, ગમનભાઈ પટેલ, શાળાનાં આચાર્યા કુસુમબહેન ચૌહાણ, રોટરેક્ટ પ્રેસિડેન્ટ જય રાણા, સક્રેટરી મહર્ષિ દવે, કોમ્યુનિટી સર્વીસ ડાયરેક્ટર હેમલ પટેલ, ક્લબ ડાયરેક્ટર ચાર્વાક ગુમાની સહિત અનેક રોટેરીયન અને રોટરેક્ટ સભ્યો હાજર રહ્યા હતા. મંચ સંચાલન જયશ્રીબહેન ખેતીયાએ તથા આભારવિધિ રોટરેક્ટ ક્લબનાં સેક્રેટરી મહર્ષિ દવેએ કરી હતી.

Previous article રાષ્ટ્રનો દરેક વ્યક્તિ રાષ્ટ્ર નિર્માણ માટે નિર્માતા બને : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
Next article કલેકટર કચેરી બહાર દુર્ગંધ મારતી ઉભરાતી ગટર