સામાજિક પ્રશ્નોની આડમાં તકવાદી નેતાગીરીની પણ પરીક્ષા
છેલ્લા કેટલાક સમયથી સમાજના પ્રશ્નો માટેના સંગઠન પોતાની આગવી જ વળી, બનાવી તેના નેતા થઈ સમાજના પ્રશ્નો માટે લડત આપવાના બહાને નેતા થવાની નવી ફેશનથી અલ્પેશ, જિજ્ઞેશ, હાર્દિક, પ્રવિણરામ જેવા નવા નેતાઓ થવા નિકળેલા એટલે રાજકીય પ્રવેશમાં એક નવા તકવાદની પધ્ધતિનો પણ એસિડ ટેસ્ટ થવાનો છે. કોઈપણ જ્ઞાતિના નેતા-થવાનું આમ તો રાજકારણમાં નવું નથી જુના સમયથી કોઈક એક બે રાજકીય નેતાઓને જાતિના નેતા તરીકે ઉપસાવવામાં આવતા હતા અને તેઓ તે જ્ઞાતિ સાથે સમન્વય સંબંધો, પ્રશ્નો, કામો કરી પોતાની પકડ મજબૂત રાખતા હતા જ, કેશુભાઈ પટેલનું સૌરાષ્ટ્રનું ટીપીકલ જ્ઞાતિનું નામ લખવાને બદલે પટેલ લખાવવાનું એટલા માટે નકકી કરાયુ હતું. ફકીરભાઈ વાઘેલા એવા આક્રમક નેતા હતા જે દલિતો માટેનું પ્રભુત્વ ધરાવતા હતા. માધવસિંહ સોલંકી એ શંકરસિંહ વાઘેલા જેવા અનેક નેતાઓ હતા જ. પરંતુ એન્ટી એસ્ટાબ્લીશમેન્ટબેટ અને સમાજના પ્રાણ પ્રશ્નો એટલા મોટા થઈ ગયા છે કે કોઈ તેના માટે અવાજ ઉઠાવે તો સમર્થન ખૂબ મોટુ મળી જાય તે માટે આ નવા તકવાદી નેતાઓએ સારુ કાઠુ કાઢયું છે. તેમાં રેશમા, વરૂણ જેવાએ તો તક સાધી પણ લીધી છે. પછી તે પૈસા હોય કે પદ પરંતુ તેમની સાધેલી તક છે કે રાજકીય ઉર તેનો સમય બતાવશે. આવા તકવાદી નેતાઓનો આ વખતની ચૂંટણીઓમાં કસોટીના એરણ પર ચડવાનો વારો છે. આવનારા સમય બતાવશે આવા નેતાઓનું ભવિષ્ય કઈ દિશામાં જવાનું છે.
વિકાસનું નામ પણ ટીકીટ માટે જાતિવાદી સમીકરણ ભાજપ નહીં છોડે
વિકાસની રાજનીતિના વાત ભલે ભાજપ કરતું હોય પરંતુ જાતિ-કોમ-વાદી રાજકીય સમીકરણને ભાજપ પણ અવગણી શકે તેમ નથી અને રાજકીય ટીકીટોની વહેંચણીમાં તે આરામથી સાબિત પણ થઈ જવાનું છે. કોંગ્રેસ હોય ભાજપ હોય કે બંન્નેનો ખેલ બગાડવા ઉભા થનાર ત્રીજો પક્ષ કે અપક્ષ હોય પરંતુ જાતિ -કોમ- વાદી રાજકારણથી પર રહી શકે તે વાતમાં કોઈ માલ નથી. રાજકારણમાં જે જ્ઞાતિનું પ્રભુત્વ હોય તેને ટીકીટ આપવી અનિવાર્ય હોય છે. ભાજપમાં કોળી સમૂદાયના સોલંકી બ્રધર્સ એ ભાજપને ગમે કે ન ગમે પરંતુ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. ભાજપમાં ઘણા લોકોને પુરૂષોત્તમભાઈ સોલંકીએ ટીકીટ આપવી પસંદ નથી પરંતુ તેનો કોઈ ઉપાય ન હોય તેમ ફરજીયાત તેમને ટીકીટ અને પ્રધાનપદ આપવું પડે તેમ છે. એમાં વિકાસની કોઈ વાત નહી હોવા છતાં રાજનીતિમાં જ્ઞાતિના સમીકરણને ભૂલી શકો તેમ નથી જ. તેવું વાસણભાઈ આહીરને કાપવા ભૂતકાળમાં પૂનમબેન માડમને સવાયા હોય કે પછી ફકીરભાઈ પછી, પૂનમભાઈને તક આપી હોય આવા અનેક ઉદાહરણ છે જેમાં વિકાસ જેવું કશુ હોતું નથી, સિધ્ધાંતિક વાતો જ માત્ર હોય છે. બાકી તો જ્ઞાતિવાદી સમીકરણ વગર કોઈ પણ પાર્ટી રહી શકે તેમ નથી. તેમાં ભાજપ ભલે ચહેરો વિકાસનો સામે લાવે પણ તેમણે પણ જાતિ-કોમ -વાદી પધ્ધતિના શરણે ગયા વગર છૂટકો નથી.
જીતુ વાઘાણી અગાઉના પ્રમુખોની જેમ હાંસિયામાં ધકેલાશે કે શંુ ?
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખોની વાત કરીએ તો મોટા ભાગે તેમની રાજકીય કારકીર્દી હાંસિયામાં ધકેલાઈ જતી હોય છે તેમાં સૌથી પહેલાં ભાવનગરના રાજેન્દ્રસિંહ રાણા હોય કે અમરેલીના પુરૂષોત્તમ રૂપાલા હોય કે પછી જામનગરના આર. સી. ફળદુ તમામની હાલત જોતાં તેઓ મોટાભાગનો સમય અંધારામાં હાંસિયામાં કે પછી રાકીય રીતે લગભગ નિવૃત્તિ તરફની જીંદગીમાં પહોંચી જાય છે. હાલમાં ખૂબ જ ઝડપથી ઓછી ઉંમરે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બનેલા જીતુભાઈ વાઘાણીની સામે જોવા મળતો રાજકીય જુવાળ જોતા તેમની બેઠક જાળવવા માટે હાલતો સંઘર્ષ કરવો પડે તેવી સ્થિતિ પેદા થઈ છે. રાજકીય રીતે પણ ભાજપના પૂર્વ પ્રમુખોની સ્થિતિ જોતાં તેઓ પણ શું રાજકીય રીતે એવી સ્થિતિમાં મુકાશે કે કેમ ? તે પ્રશ્ન હાલતો ચર્ચામાં છે. એક ચેનલના ઈન્ટરવ્યુંમાં ચાર રસ્તા પર ભાવનગરના એક ભાઈને પૂછતાં તેમણે તેમનું જુઠુ નામ પુરા કોન્ફીડન્સથી આપ્યું હતું. તે જોતા તેમણે કરેલા કામો માટે પણ તે હાલતો ભાવનગરની જનતામાં પ્રખ્યાત થયા હોય તેવું લાગતું નથી. એટલે કે તેઓ પણ પોતાના પુરોગામી ભાજપ પ્રમુખોની જેમ જ એક વાહ હાંસિયામાં ધકેલાઈ જાય તો નવાઈ નહી. બીજુ ખુદ ભાજપમાં પણ તેઓ કેટલાક સિનિયરને મુકીને આગળ વધ્યા તેનાથી સ્વાભાવિક કેટલાય લોકોના ઈર્ષ્યાનો ભોગ બનેલા છે અને ભાજપમાં ચૂંટણી વખતે આવી બધી બાબતોનો હિસાબ ચૂકતે કરવાની વાત નવી નથી તેથી ભાજપના જ કેટલાક લોકો ખાસ રસ લઈ કારકીર્દી પુરી કરે તો નવાઈ નહીં. પરંતુ તે તો સમય જ બતાવશે શું થવાનું છે.!!
બિન-પાટીદાર મુખ્યમંત્રીની પુરાણી થીયરી ફરી એક વાર જાગૃત જરૂર થઈ છે
ગુજરાતના રાજકારણમાં પટેલ પાવર વર્ષોથી મુખ્યમંત્રીના દાવેદાર હોવા કે પોતાનું રાજકારણ જાળવી રાખવામાં હંમેશા સફળ રહ્યા છે અને બિન-પાટીદાર મુખ્યમંત્રીને બેસવા દીધા હશે તો પણ લાંબુ ચાલ્યા નથી. આનંદીબહેન વિરોધ વચ્ચે પણ સફળતા પૂર્વક ચાલતા હતા તેનું એક કારણ એ પણ હતું કે તેઓ એક પાટીદાર હતા. હાર્દિકના આંદેલનમાં હાર્દિકની પાછળ પાટીદારો પાગલ થઈ જોડાઈ ગયા તે વાત નથી એક હાર્દિકના કહેવાથી રપ લાખ લોકો સંગઠિત થઈ ગયા એ વાત પટેલો માટે સાવ ખોટી છે. તેમનું સંગઠન એટલું મજબૂત હોય છે તે તેનું ઉદાહરણ માત્ર હતું તેમને નડતા વર્ષોના પ્રશ્નોમાં તેમના બાળકો તેમના એટલે સવર્ણ તમામના બાળકોને એડમીશન પણ ખૂબ ઉંચા ટકાએ હવે મળતું નથી. જેવા અનેક પ્રશ્નો -પ્રાણ પ્રશ્નોને લઈને ફકત તાકાત બતાવી હતી. બાકી આ વખતે ફરી એક વાર બિન-પાટીદાર મુખ્યમંત્રીનો પ્રશ્ન જાગૃત થઈ ગયો જરૂર છે. પટેલ ભલે અંદર અંદર ઝઘડતા હોય પરંતુ સામૂહિક રીતે વર્તણમાં ખૂબ જ વિચક્ષણ અને હોશિયાર છે અને એ અનેક વાર સાબિત કરી આપ્યું પણ છે. જોઈએ ફરી એકવાર પટેલ પાવર કઈ દિશા પકડે છે.



















