મતદાનની ગુપ્તતા જળવાય તે માટે નવી ડિઝાઈનની મતકુટિર

1127
guj9112017-9.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને મતદારોમાં મતદાન અને ઈવીએમ-વીવીપેટના ઉપયોગ માટે જાગૃતિ આવે તે અંગે ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મહિલાઓ તથા યુવા મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે ફેસબૂક અને ટ્‌વીટર જેવા સોશિઅલ મીડિયાના માધ્યમ થકી વૈવિધ્યસભર પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.
ગુજરાતના યુવાનોમાં રમતગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારા એક પ્રખ્યાત નામ છે. ગુજરાત ચૂંટણી તંત્રનાં સ્ટેટ આઈકોન ચેતેશ્વર પૂજારા દ્વારા તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલી ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની ટી-૨૦ મેચના પ્રારંભે સ્ટેડિયમ પર ઉપસ્થિત અંદાજે ૪૦ હજાર જેટલાં પ્રેક્ષકોને મતદાન કરવા સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
ચૂંટણી તંત્ર દ્વારા રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાં ૫૦ લાખ જેટલાં વિદ્યાર્થીઓને સંકલ્પ પત્રની વહેંચણી કરવામાં આવી રહી છે. આ સંકલ્પ પત્ર બે પાનામાં તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં મતદાર યાદીમાં નામ નોંધણી, કુટુંબના બધા મતદારોને કોઈપણ જાતની લાલચ-દબાણમાં આવ્યા વગર મતદાન કરવા તેમજ જો કોઈ ઉમેદવારને મત આપવા ન ઈચ્છતા હોય તો નોટાનો ઉપયોગ કરવા અંગેની જાણકારી આપવામા આવી છે. શાળાઓમાં આ સંકલ્પ પત્રની વિદ્યાર્થીઓને સમજૂતિ આપીને તેમના વાલીને સંકલ્પ લેવડાવવા માટે ઘરે લઈ જવા આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ દ્વારા આ સંકલ્પ પત્ર તેમના માતા-પિતાને વંચાવી, સહી કરાવીને શાળાને પરત આપશે. સંકલ્પ પત્ર સાથેના ઈવીએમ-વીવીપેટનુ ફોટા સહિત માર્ગદર્શન દર્શાવતા પાનાને પોતાના કુટુંબીજનોની જાણકારી માટે પોતાની પાસે રાખશે. આ સંકલ્પ પત્રના માધ્યમથી રાજ્યના ૫૦ લાખ પરિવારો સુધી ઈવીએમ-વીવીપેટ અંગેની જાણકારી તેમજ નૈતિક મતદાન કરવાની પ્રેરણા મળશે. આ ઉપરાંત, રાજ્યનાં ૩૩ જિલ્લાઓમાં અંદાજે ૭૫ લાખથી વધુ પરિવારોને ઈવીએમ અને વીવીપેટ અંગેની જાણકારી આપતાં પેમ્ફ્લેટનું વિતરણ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

Previous articleઅધેલાઈ નજીક લક્ઝરી બસ, ટેન્કર વચ્ચે અકસ્માત ૫ના મોત
Next articleગાંધીનગરમાં ‘કેશલેસ ટાઉનશિપ’ લોન્ચ