ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનમાં આજે કેન્દ્રિય માહિતી અને પ્રસારણ પ્રધાન તેમજ ટેક્સ ટાઇલ પ્રધાન સ્મૃતિ ઇરાની પણ જોડાયા હતા. અમદાવાદના જોધપુર વોર્ડમાં સ્મૃતિ ઇરાની ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનના ભાગરૂપે પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. સ્મૃતિએ ઘરે ઘરે જઇને જનસંપર્ક કરીને ભાજપની સિદ્ધીઓ અંગે વાત કરી હતી. મહાસંપર્ક અભિયાનમાં ભાગ લઇને પ્રચાર કર્યા પછી સ્મૃતિ ઇરાનીએ થલતેજ ખાતે ઉભા કરાયેલા મીડિયા સેન્ટરની મુલાકાત લીધી હતી. જ્યાં સ્મૃતિ ઇરાનીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. સ્મૃતિ ઇરાનીએ પત્રકારો સાથેની વાતચીતમાં કોંગ્રેસ અને કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાની વાત કરી હતી. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યુ હતુ કે વિકાસની મજાક કરનાર કોંગ્રેસ પાર્ટીની આ માનસિકતા રહી છે. સ્મૃતિએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ માત્ર અવસરવાદિતાની રાજનીતિ કરે છે. ઉકેલની નહીં. યુપીએના શાસન વખતે ટેક્સટાઇલ સેક્ટરની ૪૦માંથી ૨૨ સ્કીમોમાં એક પણ રૂપિયો ખર્ચ નહીં કરનાર અને પાવરલૂમ સેક્ટરમાં અપગ્રેડેશન માટે કોઇ કાર્ય ન કરનાર કોંગ્રેસ પાર્ટીના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધીને સુરતમાં આવીને ટેક્સટાઇલ સેક્ટર માટે કંઇ પણ કહેવાનો અધિકાર નથી. વડાપ્રધાન મોદીના શાસનમાં પાવરલૂમ સેક્ટરમાં અપગ્રેડેશન માટે સાથી સ્કીમ હેઠળ સરળ ધિરાણનો શુભારંભ થયો છે. કોંગ્રેસે પાવરલૂમ સેક્ટર માટે કંઇપણ કર્યું નથી. સ્મૃતિ ઇરાનીએ ગુજરાતમાં મહિલા સંશક્તિકરણનના ક્ષેત્રમાં લેવામાં આવેલા વિવિધ પગલાની વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે ભાજપના શાસનમાં સ્થાનિક સંસ્થાઓમાં ૫૦ ટકા મહિલા અનામત છે. પોલીસની ભરતીમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતની જોગવાઇ છે. સ્મૃતિએ દાવો કર્યો હતો કે મહિલા સશક્તિકરણની ટેકના કારણે રાજ્યમાં ૬૪ હજારથી વધારે મહિલાઓ શાસનમાં નેતૃત્વ કરી રહી છે. ૪૫ હજારથી વધારે મહિલાઓ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે છે. તાલુકા પંચાયત પ્રમુખોમાં ૫૬ ટકા મહિલાઓ છે. તેમણે કહ્યુ હતુ કે ભાજપના પ્રયાસોના કારણે જ કેન્દ્રિય અને રાજ્ય મંત્રીમંડળથી લઇને મહાનગરના મેયરપદે મહિલાઓ છે. જેન્ડર બજેટ હેઠળ ૪૯૫ મહિલાલક્ષી યોજના માટે ૪૫૨૬૯ કરોડ રૂપિયાના બજેટની ફાળવણી કરવામાં આવી છે. મહિલાઓના નામે ખરીદાતી પ્રોપર્ટી પર નોંધણી ફી માફ કરવામાં આવી હોવાની પણ વાત તેમણે કરી હતી. સ્મૃતિ ઇરાનીએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની માહિતી આપતા કહ્યુ હતુ કે ગુજરાતમાં ૧૧ લાખ ૨૩ હજાર પરિવારોને મફત એલપીજી ગેસ કનેક્શન પુરા પાડવામાં આવ્યા છે. સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાની સાથે સાથે સ્મૃતિએ પત્રકારોના પ્રશ્નોના જવાબમાં કહ્યુ હતુ કે જીએસટીને લઇને કોંગ્રેસ પાર્ટી દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમની સાથે કાપડ વેપારીઓના પ્રતિનિધીઓની વાતચીત થઇ છે. તેમની પહેલા પણ વેપારીઓ સાથે વાતચીત થઇ હતી. સ્મૃતિએ કહ્યુ હતુ કે રાહુલ ગાંધીને ટેક્સ ટાઇલ સાથે સંબંધિત મામલે વધારે માહિતી નથી. તેમણે દાવો કરતા કહ્યુ હતુ કે કાપડ કારોબારીઓ પણ જીએસટી સાથે જોડાવવા માટે ઉત્સુક છે. તેમના બહિષ્કારનો કોઇ મુદ્દો નથી. રાહુલ ગાંધીના મતવિસ્તારમાં હાલમાં રહેલી સ્થિતી અંગે પણ સ્મૃતિએ વાત કરી હતી.
તેમણે કહ્યુ હતુ કે તેમના મતવિસ્તારમાં રાહુલ ભાગ્યે જ નજરે પડે છે. તેમના મતવિસ્તારમાં જરૂરી સુવિધા હવે અમે શરૂ કરી રહ્યા છીએ. જે લોકો સત્તામાં આવનાર નથી તે લોકો કોઇ પણ વચન આપી શકે છે. જીએસટીને લઇને તેમના મંત્રાલય દ્વારા તેમની રજૂઆત જીએસટી કાઉન્સિલ સમક્ષ કરવામાં આવી છે. સ્મૃતિએ શિક્ષિત કન્યા અને સુરક્ષિત ભવિષ્યની વાત કરતા કહ્યુ હતુ કે મહિલા મેડિકલ સ્ટુડન્ટની ૧૦૦ ટકા ટ્યુશન ફી માફ કરવામાં આવી ચુકી છે. મહિલાઓ માટે આઇઆઇટી પ્રવેશમાં ૨૫ ટકા અનામત અને ટ્યુશન ફી સંપૂર્ણ માફ કરવામાં આવી છે. ૧૮ લાખ વિદ્યાર્થીનિઓને વિદ્યાલક્ષી બોન્ડ હેઠળ લાભ આપવામાં આવ્યા છે.



















