દહેગામમાં વર્તમાન ધારાસભ્યને ટિકિટ ન આપવાની માંગ સાથે વિરોધ

680
gandhi14112017-1.jpg

વિધાનસભાની ચૂંટણી નજીકના દિવસોમાં યોજાનાર છે. ત્યારે કોંગ્રેસનો ગઢ મનાતાં દહેગામ વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્ય કામિનીબા રાઠોડને રિપીટ નહી કરવાની માંગ સાથે કોંગ્રેસના ટિકીટ વાંચ્છુએ અને ક્ષત્રિય ઠાકોર સેનાનાં સભ્યોએ કામિનીબા રાઠોડ સામે વિરોધ વ્યક્ત કરવા બેઠકનું આયોજન કર્યુ હતુ. આ બેઠકમાં ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસ કારોબારીના સભ્ય વી.વી. રબારીને આવેદનપત્ર પણ આપ્યુ હતુ.
દહેગામ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કામિનીબા રાઠોડ રાજયસભાની ચૂંટણી વખતે પાર્ટીને વફાદાર રહેતા તેના ફળ સ્વરૂપ આ વખતે પુનઃ તેમને ટિકીટ આપવાની અગાઉ જાહેરાત કરી દેવાઇ હતી. ત્યારે દહેગામ વિસ્તારનાં ટિકીટ વાંચ્છુ પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ ચાવડા, દેવરાજસિંહ ઝાલા, જગતસિંહ ચૌહાણ, જશુભાઇ પરમાર, કાળુસિંહ બિહોલા સહિતના કાર્યકરો તેમજ ક્ષત્રિય ઠાકોર સેનાના તાલુકા પ્રમુખ અશોકસિંહ ઝાલા સહિતના હોદ્દેદારો ભેગા થઇ ધારાસભ્ય કામિનીબા રાઠોડને રિપીટ ન કરાય તેવી માંગ સાથેના બેનર અને સુત્રોચ્ચાર કરી બેઠક યોજી હતી.
બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ કારોબારીના સભ્ય વી.વી.રબારી પણ ઉપસ્થિત રહેતાં તેઓને કોંગ્રેસના ટિકીટ વાંચ્છુઓ અને ક્ષત્રિય ઠાકોર સેનાને પ્રદેશ પ્રમુખને સંબોધી આવેદનપત્ર આપ્યુ હતુ. ક્ષત્રિય ઠાકોર સેના અને કોગ્રેસના કાર્યકરો દ્વારા અપાયેલા આવેદનપત્રમાં વર્તમાન ધારાસભ્ય કામિનીબા રાઠોડ અને તેમના પતિ ભૂપેન્દ્રસિંહ રાઠોડ સામે તેમજ તાલુકા પ્રમુખ બાબુસિંહ ઝાલા વિરુદ્ધ પણ આક્ષેપો કરાયા હતા.
આવેદનપત્રમાં ધારાસભ્યે પાર્ટીના પદાધિકારી, નપાના પૂર્વ પ્રમુખ, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યો પર પોલીસ કેસ કરાવી હેરાન પરેશાન કરાયાનું, તાલુકા પંચાયતના ૧૭ સભ્યો પૈકી પૂર્વ પ્રમુખ અને બે સભ્યો ભાજપમાં જોડાયા હોવાનું તેમજ નાના વેપારીઓથી માંડી ઉદ્યોગપતિ સાથે ભ્રષ્ટાચાર આચર્યા હોવા અંગે તેમજ પાયાના કાર્યકરોની અવગણના કરતાં હોવાનું જણાવાયુ છે.
કોંગ્રેસના કાર્યકરો દ્વારા જ વર્તમાન ધારાસ્યને રિપીટ નહી કરવા અંગેની ઉગ્રમાંગ કરતાં આગામી દિવસોમાં કોંગ્રેસમાં મોટો ભડકો થવાના ખેંચાણની શક્યતાને નકારી શકાય તેમ નથી.

Previous articleગાંધીનગર જિલ્લાની અનેક શાળાઓમાં મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો
Next articleહનુમાનગાળામાં રોહીસા સરપંચ દ્વારા મહાપ્રસાદનું થયેલું આયોજન