સામાજીક કાર્યકર એવા લાભુભાઈ સોનાણીનું શિક્ષણક્ષેત્રે શ્રેષ્ઠ કાર્યકર્તા એવોર્ડથી સન્માન

858
bvn14112017-3.jpg

ભાવનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં પ્રજ્ઞાચક્ષુ બાળકોનાં શૈક્ષણિક કાર્યક્ષેત્રમાં સરાહનીય યોગદાન આપવા બદલ લાભુભાઈ ટપુભાઈ સોનાણીને શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્યકર્તા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 
હાલ લાભુભાઈ વિવિધ સંસ્થાઓમાં અલગ અલગ હોદ્દાઓ સંભાળી પ્રજ્ઞાચક્ષુ સહિત અન્ય વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓનાં પુનઃસ્થાપન સર્વાંગી વિકાસ તથા વિકલાંગ વ્યક્તિઓને સમાજની મુખ્યધારામાં સ્થાન મળે તેવા કર્યો કરી રહ્યા છે. હાલ તેઓ કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગશાળામાં સંચાલક સી.ઈ.ઓ, રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખામાં માનદ મંત્રી તરીકે, અંધ અભ્યુદય મંડળ, અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટ તેમજ ગુજરાત અપંગ સંસ્થા સંચાલક સંઘ ગુજરાત રાજ્યનાં પ્રમુખ તરીકે કાર્રત છે. અત્રે એ નોંધવુ ઘટે કે લાભુભાઈ વર્ષ ૧૯૮૯થી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓનાં સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે અને તેઓને આ સમાજસેવા બદલ ગુજરાત સરકાર અને અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા ઘણા બધા નાના મોટા એવોર્ડ સન્માનપત્રોથી સંમાનિત કરવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા હાલ તેઓના માર્ગ દર્શન હેઠળ ચાલતી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાને વર્ષ ૨૦૧૬-૧૭ માટે રાજ્યની દ્વિતિય શ્રેષ્ઠ સંસ્થા તરીકે ગુજરાત સરકાર દ્રારા પસંદગી કરવામાં આવેલ છે. આ શાળાનું ધોરણ-૧૦નું પરિણામ છેલ્લા ૧૯ વર્ષથી અને ધોરણ-૧૨નું પરિણામ તેના શરૂઆત કાળથી ૧૦૦ ટકા આવી રહ્યુ છે. 
આ ઉપરાંત લાભુભાઈએ પોતાના જીવન પર ‘જીવનનો ધબકાર-મારી સ્મરણયાત્રા’ નામનું પુસ્તક પણ લખ્યુ છે. આ પ્રસંગે સંસ્થાનું ગૌરવ વધારવા અને વિકલાંગો સહિત સામાન્ય સમાજનાં લોકો માટે પ્રેરણાદાયી બની શ્રેષ્ઠ કાર્યકર્તા એવોર્ડથી સન્માનિત થવા બદલ તેઓને સમગ્ર ટ્રસ્ટીમંડળ, સંસ્થાઓનાં કર્મચારીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.