ચૂંટણીની સુરક્ષા માટે ૭૦ હજારથી વધુ જવાનો તૈનાત

711
bvn16112017-11.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને મતદાનને લઇ કેન્દ્રીય ચૂંટણી પંચ સહિતના સંબંધિત સત્તાવાળાઓ દ્વારા સમગ્ર રાજયમાં સુરક્ષા અને સલામતીની લોખંડી વ્યવસ્થા ખડકવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.  જેમાં અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આશરે ૭૦ હજારથી વધુ સુરક્ષા જવાનો સલામતી વ્યવસ્થામાં તૈનાત કરવામાં આવશે. જેમાં રાજય અને કેન્દ્રના અર્ધલશ્કરી દળોના જવાનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સુરક્ષા જવાનોને લાવવા-લઇ જવા માટે રેલ્વે તંત્રને ૬૫૦થી વધુ કોચની  વ્યવસ્થા કરવા પણ સૂચના આપી દેવાઇ છે, જેથી હવે આગામી દિવસોમાં સુરક્ષા અને સલામતી દળના જવાનોનો ફૌજ રાજયભરમાં ખડકાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી તા.૯મી ડિસેમ્બર અને તા.૧૪મી ડિસેમ્બર એમ બે તબક્કામાં યોજાનાર છે અને તેથી સમગ્ર રાજયમાં નિષ્પક્ષ, મુકત અને યોગ્ય વાતાવરણમાં ચૂંટણી યોજાય અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સુરક્ષાના મુદ્દાને પણ સૌથી વધુ અગ્રીમતા આપવામાં આવી છે અને તેના ભાગરૂપે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં રાજયભરમાં ૭૦ હજારથી વધુ સુરક્ષા જવાનોને તૈનાત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય સુરક્ષા દળની ૧૨૧, સીઆરપીએફની ૩૮૨, અર્ધ લશ્કરી દળોની ૧૧૦, આટીબીપી દળની ૭૫, આરપીએફની ૪૦, એસટીપીની ૩૪ સહિતની સુરક્ષા જવાનોની અલગ-અલગ ટીમો અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ખડકાશે. ખાસ કરીને રાજયભરના મતદાનમથકો અને મતદાન કેન્દ્રો પર સુરક્ષાનું લોખંડી કવચ ઉભુ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે કે જેથી કોઇ અનિચ્છનીય બનાવ બને નહી. તો, મતદાન પૂર્ણ થયા બાદ ઇવીએમ અને વીવીપેટ જે સ્થળોએ રાખ્યા હશે તે સ્ટ્રોંગ રૂમ અને કંટ્રોલરૂમ ખાતે પણ લોખંડી અભેદ્ય કવચ ખડકવામાં આવશે. આ સિવાય ચૂંટણી પંચ સહિતના સંબંધિત સત્તાવાળાઓ તરફથી હજારોની સંખ્યામાં રાજય અને કેન્દ્રના સુરક્ષા દળના જવાનોને લાવવા-લઇ જવા માટે વધારાના ૬૫૦ કોચની વ્યવસ્થા કરવા પણ સૂચના આપવામાં આવી છે અને તેથી રેલ્વે તંત્ર પણ આ વ્યવસ્થા કરવામાં લાગી ગયુ છે. જવાનો માટે ખાસ કોચ મૂકાશે.
 ઉલ્લેખનીય છે કે, આ વખતની ચૂંટણીમાં પાટીદાર, દલિત સમાજ સહિતના વિવિધ વર્ગોમાં સરકાર પરત્વે ઉગ્ર રોષ અને આક્રોશ હોઇ મતદાન દરમ્યાન કોઇ અનિચ્છનીય ઘટના ઘટે નહી તે બાબતની પણ ચૂંટણી પંચ ખાસ તકેદારી અને કાળજી રાખી રહ્યું છે અને તેના કારણે જ ા વખતની વિધાનસભા ચૂંટણી દરમ્યાન સુરક્ષાને લઇ કોઇ કચાશ રાખવામાં આવનાર નથી. 

Previous articleગુજરાતની જનતા ૨૨ વર્ષના છોકરાની નહિ ૨૨ વર્ષના વિકાસની સીડી જોવા માંગે છે
Next articleઈલેકશન : બીજા દિવસે છ ઉમેદવારીપત્ર ભરાયા