ઈલેકશન : બીજા દિવસે છ ઉમેદવારીપત્ર ભરાયા

773
guj16112017-8.jpg

ગુજરાત વિધાનસભાની ડિસેમ્બરમાં બે તબક્કામાં યોજાનારી ચૂંટણીને લઇ કેન્દ્રીય ચૂંટણી પંચની ભલામણના આધારે રાજયપાલ દ્વારા ગઇકાલે રાજયમાં પ્રથમ તબક્કાના મતદાન માટેનું જાહેરનામું સત્તાવાર રીતે જારી કરી દેવામાં આવ્યું છે.
 પ્રથમ તબક્કાનું મતદાન ૯મી ડિસેમ્બરે યોજાશે અને ચૂંટણી પ્રક્રિયા ૨૦ ડિસેમ્બરે પૂરી થશે. મતદાનનો સમય સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધીનો રહેશે. આ સાથે જ રાજયમાં પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારીપત્રો ભરવા માટેનું જાહેરનામું પ્રસિધ્ધ થતાં ઉમેદવારીપત્રો ભરવાના શ્રીગણેશ થયા હતા. જેમાં ગઇકાલે પ્રથમ દિવસે ત્રણ ઉમેદવારીપત્રો ભરાયા હતા. આ ઉપરાંત આજે છ ઉમેદવારીપત્ર ભરવામાં આવતા બે દિવસમાં કુલ નવ ઉમેદવારીપત્રો ભરાયા છે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ ૨૧મી નવેમ્બર છે અને ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૨૪મી નવેમ્બર છે. રાજયના ૧૯ જિલ્લાની ૮૯ વિધાનસભા બેઠકોની ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. ચૂંટણી પંચની અખબારી યાદી મુજબ, ભારતના  બંધારણની કલમ-૧૭૨(૧) પ્રમાણે વર્તમાન ગુજરાત વિધાનસભાની મુદત ૨૨ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ પૂર્ણ થાય છે અને તેથી નવી વિધાનસભાની રચના કરવા માટે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૫ પ્રમાણે સામાન્ય ચૂંટણી યોજવાની થાય છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ-૧૫ની પેટાકલમ-(૨) મુજબ ભારતના ચૂંટણી પંચે ભલામણ કર્યા અનુસાર ગુજરાત રાજયના રાજયપાલે ૧૯ જિલ્લાની ૮૯ વિધાનસભા બેઠકોની ચૂંટણી માટેનું જાહેરનામું ગઇકાલે જારી કર્યું છે. રાજયપાલના આ જાહેરનામા અનુસંધાનમાં લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ-૩૦ અને ૫૬ હેઠળ ભારતના ચૂંટણી પંચે આ અંગેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જે મુજબ, ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી ૨૧-૧૧-૨૦૧૭, ઉમેદવારીપત્રો ચકાસણીની ૨૨-૧૧-૨૦૧૭ અને ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની તારીખ ૨૪-૧૧-૨૦૧૭ રહેશે.  ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલ કર્મી માટે ટપાલ મતદાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી ચૂંટણી તંત્ર દ્વારા ખાસ ટપાલ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. જે મુજબ, જે મતદારવિભાગમાં મતદાર તરીકે નોંધાયેલ હોય તે મતદાર વિભાગમાં જ ચૂંટણી ફરજ પર નિયુકત કરવામાં આવે તે સંજોગોમાં તેઓ ચૂંટણી ફરજ પ્રમાણપત્ર(ઇડીસી) દ્વારા મતદાન કરી શકશે. જયારે તે સિવાયના અન્ય મતદાર વિભાગમાં ચૂંટણી ફરજ પર નિયુકત કરાયેલા કર્મચારીઓ માટે ટપાલ મતપત્ર(પોસ્ટલ બેલેટ) દ્વારા મતદાનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સંબંધિત જિલ્લાઓમાં આ કામગીરીની 
સંકલન માટે એક નોડલ ઓફિસર તેમ જ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડસ વગેરે માટે જિલલ્માં પોલીસ વિભાગ દ્વારા એક નોડલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે. ઉપરાંત, સંપાદિત કરાયેલા વાહનોના ડ્રાઇવર, કડંકટર, કલીનર વગેરે માટે જિલ્લા એક અલાયદા નોડલ ઓફિસરની નિમણૂંક પણ કરવામાં આવી છે. ચૂંટણી ફરજ પ્રમાણપત્ર(ઇડીસી) તથા ટપાલ મતપત્ર(પોસ્ટલ બેલેટ) મતદાન માટેની અરજીઓના ફોર્મ ઇશ્યુ કરવા, ભરેલા ફોર્મ પરત મેળવવા તથા ચૂંટણી સ્ટાફની તાલીમના કેન્દ્રો ખાતે ટપાલ મતદાન પ્રક્રિયા માટે મતદાન કેન્દ્રની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. 

૧.૧૧ લાખ અવિલોપ્ય શાહીની બોટલો વપરાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન મતદાન કરવામાં કોઇ મતદાર બીજીવાર મતદાન ન કરી શકે તેની સાવચેતી રાખવા પણ ચૂંટણી તંત્ર દ્વારા અવિલોપ્ય શાહીથી આંગળી પર નિશાની કરવામાં આવે છે. આ નિશાની સામાન્ય રીતે દરેક મતદારના ડાબા હાથની પહેલી આંગળી પર નખની ટોચથી લઇ પ્રથમ વેઢાના સાંધા સુધી કરવામાં આવે છે. આ માટે ખાસ પ્રકારની અવિલોપ્ય શાહીનો ઉપયોગ કરવામાં આવે છે. આ અવિલોપ્ય શાહી મૈસૂરથી મંગાવવામાં આવે છે. આ શાહીની વિશેષતા કે ખાસિયત એ છે કે, તે મતદારની આંગળી પર એક વખત લગાવ્યા બાદ લાંબા સમય સુધી રહે છે. આ ચૂંટણીમાં અવિલોપ્ય શાહીની ૧૦ મિ.લીની એક બોટલ એવી અંદાજે ૧.૧૧ લાખથી વધુ બોટલનો ઉપયોગ કરવામાં આવશે.રથી વધુ  મતદાન મથકો પર આ શાહીનો ઉપયોગ કરવામાં આવશે.

Previous articleચૂંટણીની સુરક્ષા માટે ૭૦ હજારથી વધુ જવાનો તૈનાત
Next articleજીઈબી ખાતે કાનૂની શિબિર યોજાઈ